આપણે જાણીએ છીએ કે હોળીના તહેવાર સાથે ભક્ત પ્રહલાદ અને તેના પિતા રાક્ષસરાજ હિરણ્યકશિપુની કથા જોડાયેલી છે .એ તો સુવિદિત જ છે કે પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો જ્યારે હિરણ્યકશિપુ એક રાક્ષસ રાજ. પ્રહલાદની આ વિષ્ણુ ભક્તિ તેની માતા કયાધુ તરફથી મળેલી અમૂલ્ય સંપત્તિ હતી. પુત્ર મહાન વિષ્ણુભક્ત ,સદાય નારાયણ નો જપ કરનારો અને ભક્તિમાં લીન રહેનાર અને પિતા એક અસુર !એક અસુરથી આ કેવી રીતે સહન થાય? તેણે જાતજાતના ત્રાસ આપીને આ વિષ્ણુ ભક્તિ છોડાવવાના પ્રયત્નો કર્યા છતાં પણ ભક્ત પ્રહલાદ ટસના મસ ન થયા. છેલ્લે પોતાની બહેન હોલિકાની પણ મદદ લીધી. તેમાં પણ તેને નિષ્ફળતા મળી આખરે એકવાર ભરી સભા માં તે પોતાના પુત્રને મારવા તૈયાર થયો ત્યારે થાંભલામાંથી ભયાનક નરસિંહ અવતાર પ્રગટ થયો. તે દિવસ એટલે વૈશાખ સુદ ચૌદસ.
શ્રીમદભાગવતમાં ભગવાન વિષ્ણુના અવતાર ની કથા વિસ્તારપૂર્વક જોવા મળે છે મહર્ષિ કશ્યપની બે પત્નીઓ છે. દિતિ અને અદિતિ .જેમાં દિતિએ રાક્ષસોના માતા છે અને અદિતી એ દેવમાતા છે. રાક્ષસોની માતાના બે પુત્રો હતા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ બંને ભાઈઓના વધ કરવા માટે ભગવાન નારાયણ વિષ્ણુને બે ઉતાર ધારણ કરવા પડ્યા. વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો. આના વિષે પછી ફરી ક્યારેક ચર્ચા કરીશું .અહીં પોતાના ભાઇના વધથી ક્રોધે ભરાયેલા હિરણ્યકશિપુએ બ્રહ્માજીનું તપ આદર્યું. બ્રહ્માજીને પ્રસન્ન કરીને જેમ બધા રાક્ષસો માંગે છે તેમ અમરત્વનું વરદાન માગ્યું .પરંતુ ” જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ”. (શ્રીમદ્ ભગવદ્ ગીતા )એ નિયમથી કોઈને અમરત્વનું વરદાન આપી શકાય નહીં પણ તેની અવેજીમાં ગમે તે વરદાન આપી શકો. બ્રહ્માજીએ અન્ય વરદાન માગવા કહ્યું. ત્યારે ખૂબ જ બુદ્ધિમતા અને ચાતુર્ય પૂર્વક તેણે માંગ્યું કે” કોઈપણ દેવ દાનવ કે માનવ થી મારું મૃત્યુ ન થાય ,દિવસે ન મરું, રાત્રે ન મરુ,પૃથ્વી ઉપર કે આકાશમાં ન મરું ,અસ્ત્ર કે શસ્ત્ર કશાય થી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ વરદાન આપી દીધું.
વરદાન મેળવીને તેને ત્રણે લોકમાં ઉત્પાત મચાવ્યો. ધર્મ, ધ્યાન, પૂજા-પાઠ, યજ્ઞ-યાગાદિક બધા કાર્યો બંધ કરાવ્યા .સ્વર્ગનુ રાજ્ય પચાવી પાડ્યું. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા પોતાના પુત્રને અસહ્ય ત્રાસ આપ્યો. છેવટે તેના પાપનો ઘડો ભરાઈ ગયો. ત્રણેય લોકને તેના ત્રાસથી મુક્ત કરવાની અને ધર્મની સ્થાપના માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો અને સ્તંભ એટલે કે થાંભલામાંથી પ્રગટ થયા. સંધ્યા સમયે ઉમરા વચ્ચે લઇ જઇને પોતાના ખોળામાં રાખી ને તીક્ષ્ણ નખ વડે તેને ચીરી નાખ્યો .બ્રહ્માજી સમક્ષ વરદાન માટેની જે-જે શરતો હિરણ્યકશિપુ એ મૂકી હતી, તેમાંથી બધી જ શરતોનું અક્ષરશઃ પાલન કરીને ભગવાને તેનો વધ કર્યો. ત્યારબાદ દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. પરંતુ ભગવાનનો ક્રોધ કેમેય કરીને શાંત થતો ન હતો.આખરે ભક્ત પ્રહલાદની સ્તુતિથી ભગવાનનો ક્રોધ શાંત થયો અને ઈન્દ્રને સ્વર્ગનું રાજ્ય પાછું આપ્યું અને પ્રહલાદને પૃથ્વી પરનું રાજ્ય સોંપ્યું શ્રીમદ્ ભાગવતમાં આનું સુંદર વર્ણન છે. આ કથા પરથી એ સમજાય છે કે જો ભક્ત ને પોતાના ભગવાન પર ભરોસો હોય, તો ભગવાન થાંભલામાંથી પણ પ્રગટ થાય છે અને તેનું રક્ષણ કરે છે. સ્તંભ- થાંભલો નિર્જીવ હોય છે પણ ભક્તિરૂપી અમૃત તેમાં પણ નવચેતન સર્જે છે. ભારતભરમાં ઘણી જગ્યાએ ભગવાન નૃસિંહ જયંતીના મંદિરો જોવા મળે છે.
-અસ્તુ.
હર્ષા ઠક્કર


















































