જીવનમાં સુખી થવાની ચાવી : પોતાના સ્વભાવને એડજસ્ટ કરો અને દરેક બાબતમાં સાચી સમજણ કેળવતા શીખો.
સ્વભાવથી જ ‘ભાવ’ થાય અને,
સ્વભાવથી જ ‘અભાવ’ થાય.
સુખનું કારણ પણ સ્વભાવ છે અને
દુઃખનું કારણ પણ સ્વભાવ જ છે.
આ જાણ તો બધાને છે,તોય લોકો કેમ?
પોતાના સ્વભાવથી જ અજાણ છે!
મારાથી તો આવું થઈ જ ના શકે! હું આવી છું જ નહી! આ કઈ મારી ભૂલ નથી! આ છે, પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવાનો સ્વભાવ.આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે,આ વિવિધતામાં પણ એકતા રહેલી છે.પરંતુ આપણા દેશમાં રહેતા માણસોની અંદર રહેલી એક વસ્તુ ઘણીવાર તેમને બીજા સાથે એક નથી થવા દેતી.તમને ખબર છે,કે એ શું છે? એ છે માણસનો પોતનો જ સ્વભાવ! “ એકબીજાની નજીક આવવાનું કારણ પણ સ્વભાવ છે અને એકબીજાથી દુર જવાનું કારણ પણ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.” કોઈનો સ્વભાવ એટલો બધો શાંત હોય કે જાણે બરફની પાટ માથે મૂકી હોય, તો કોઈનો સ્વભાવ નાની-નાની વાતોમાં પણ ગુસ્સો કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ ગમે તેટલા દુઃખમાં પણ ખુશ રેહવાનો હોય છે તો કોઈનો સ્વભાવ ભરપૂર સુખમાં પણ પેટ ચોળીને દુખ ઉભું કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ બીજાની એક નાની સરખી વસ્તુ જોઇને પણ ઈર્ષ્યા કરવાનો હોય છે તો કોઈનો સ્વભાવ જીવનની દરેક પરિસ્થીતીઓમાં પણ સંતોષી રહેવાનો જ હોય છે.આ બધા સ્વભાવોમાં જ્યાં સાચી સમજણ નથી,તેવા વ્યક્તિઓ આખી જિંદગી દુખી જ રહેતા હોય છે.કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખનું કે દુઃખનું કારણ એ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.
ચાલો આજે આપણે જાણીએ આપણા જ જીવનની અમુક સત્યતાઓ! ઘણીવાર કોઈ માણસને ભગવાને તેના જીવનમાં ગમે તેટલું આપ્યું હોય અને છતાય તે માણસ જો બીજા કોઈની પાસે કઈક નવું જુએ તો પોતાના જીવનમાં કઈક ખૂટતું હોય એવું જ તે કેમ અનુભવે છે? આનું એક મુખ્ય કારણ એ છે કે એ માણસ પોતાના સ્વભાવમાં સંતોષી બનવાની એક સાચી સમજણ કેળવી શક્યો જ નથી.આપણી આ સુંદર દુનિયામાં અમુક એવા પણ માણસો છે જે પોતાના જીવનની દરેક પરિસ્થીતીઓમાં સંતોષી સ્વભાવ રાખવાનું જ શીખ્યા છે.આવા સ્વભાવનું જ એક સચોટ ઉદાહરણ છે,સુરતમાં કામ કરતા એક હીરાના કારીગરનું.એક વખત એ હીરાનો કારીગર પોતાના ગુરુના દર્શને જાય છે.ગુરુ તેને જોઇને પોતાની પાસે બોલાવે છે અને તેના જીવન વિષે અમુક સવાલ કરે છે.
ગુરુજી તેને પૂછે છે કે “તારું જીવન કેવું ચાલે છે? તારૂ જીવનનિર્વાહ થઈ જાય એટલી તો તારી કમાણી છે ને? એ હીરાનો કારીગર એકદમ રાજી થતા જવાબ આપે છે કે” હું તો ખુબ સુખી-સુખી છું!” તેના ચેહરા ઉપર પોતાનું જીવન સુખી હોવાનો એક આનંદ છલકાતો હતો.પોતાની વાતને આગળ કહેતા એ ગુરુજીને જણાવે છે કે ગુરુજી! એકવખત તમારું એક પ્રવચન સાંભળ્યા પછી મને એક સાચી સમજણ હાથમાં આવી ગઈ છે.અને એ સમજણે કરીને તો હું સુખી-સુખી થઈ ગયો છું. રોજ સવારે ચાર કિલોમીટર ચાલીને હું કામ પર જાઉં છું,અને સાંજે ચાર કિલોમીટર ચાલીને પાછો આવું છું. ગુરુજી તેમને પુછે છે કે તમારી પાસે સાઇકલ કે સ્કૂટર નથી?ત્યારે એ ભાઈ જણાવે છે કે, ના! ગુરુજી મારી પાસે કોઈ વાહન નથી અને રીક્ષાના પૈસા પણ બચે એટલે હું ચાલીને જ જાઉં છું.ગુરુજી આગળ તેમને એક સવાલ કરે છે કે,બીજાને તેમના વાહનમાં જતા જોઇને તમને એમ નથી થતું કે કાશ!મારી પાસે પણ મારૂ પોતાનું વાહન હોત તો કેટલું સારું.ત્યારે એ ભાઈ તરત જ જવાબ આપે છે કે,કોઈ માણસ ગમે તેટલો રૂપિયાવાળો હોય ,તેના ઘરે ચાર કે પાંચ ગાડીઓ પડી હોય છતાય રોજ સવારે બે થી ત્રણ કિલોમીટર walk કરવા જતા હોય છે.હું પણ રોજ સવારે કામ પર જતી વખતે એવું જ વિચારું છું કે મારા ઘરે પણ ચાર-પાંચ ગાડીઓ પડી છે અને હું પણ walk કરવા નીકળ્યો છું.સવાર અને સાંજ બંને સમય ચાર-ચાર કિલોમીટર walk કરું છું.આનાથી મારું શરીર પણ સારું રહે છે અને જીવનમાં આનંદ-આનંદ વર્તાય છે.ગુરુજી તેમની આવી સાચી સમજણ વિષે સાંભળીને તેમના ઉપર ખુબ રાજી થાય છે.રૂપિયાવાળા દરેક માણસો સુખી જ હોય છે એવું નથી હોતું.મનથી સુખી થવું એ માણસના પોતાના સ્વભાવ ઉપર નિર્ભર છે.ઘણા માણસોને ભગવાને ગમે તેટલું આપ્યું હોય છતાય પણ જે મળેલ છે તેના કરતા પણ પણ વધુ ને વધુ મેળવવાની ઝંખનાંમાં તેઓ રાત- દિવસ દુખી જ થતા હોય છે.પોતાના આવા અસંતોષી સ્વભાવને લીધે જીવનમાં ખરેખર જે મળ્યું છે તેનો આનંદ તો તેઓ ક્યારેય અનુભવી શક્તા જ નથી.આવો જ એક પ્રસંગ છે, રાજા ભોજનો.રાજા ભોજ પોતે આટલા મોટા રાજા હોવા છતાં પણ તેમને હમેશા એક વાતનું દુખ રેહતું કે હજી હું ચક્રવર્તી રાજા નથી બન્યો.એકદિવસ રાજા ભોજ પોતે વેશ બદલીને પોતાના નગરમાં વિહાર કરવા નીકળે છે.
એક કઠિયારો ત્યાં લાકડા કાપતો હોય છે.રાજા ભોજ એ કઠિયારા સાથે વાત કરવા જાય છે.કઠિયારા ને પૂછે છે કે,એક દિવસમાં તું કેટલી કમાણી કરે છે? કઠિયારો કહે છે,ચાર આના! રાજા ભોજ કઠિયારાનો જવાબ સાંભળી તેને પૂછે છે કે,ચાર આનામાં શું થાય? શું તારું ગુજરાન થઇ જાય છે? પેલો કઠિયારો હરખાતા-હરખાતા જવાબ આપે છે કે હું તો સુખી-સુખી માણસ છું,અને પોતાના આનંદને આગળ વર્ણવતા જણાવે છે કે “હું તો રાજા ભોજ જેટલો સુખી છું.”કઠિયારાનો આવો જવાબ સાંભળીને રાજા ભોજને ખુબ આશ્ચર્ય થાય છે અને મનમાં એવું વિચારે છે કે હું પોતે આટલો મોટો રાજા હોવા છતાં પણ એટલો સુખી નથી, જેટલો આ કઠિયારો આટલું ઓછું કમાઈને પણ પોતાની જાતને રાજા ભોજ જેટલો સુખી સમજે છે.આ વાર્તામાં ફર્ક બંન્નેના સ્વભાવમાં છે.જીવનમાં સંતોષી ન હોવાનો રાજા ભોજનો સ્વભાવ,તેમને આટલા મોટા રાજા હોવા છતાય દુખી-દુખી જ કરતો હતો અને પેલા કઠિયારાનો સંતોષી સ્વભાવ,પોતાની પાસે કઈ પણ ન હોવા છતાય તેને અખંડ આનંદ જ વર્તાવતો હતો.જીવનમાં વર્તાતો અસંતોષ જ આપણા સૌના દુઃખનું એક મોટામાં મોટું કારણ છે.
જીવનમાં જો ખરેખર સુખી થવું હોય તો આપણા સ્વભાવને દરેકની સાથે એડજસ્ટ કરતા શીખવું જોઈએ.એક જ ઘરમાં એક જ છત નીચે રહેતા માણસોના સ્વભાવ પણ અલગ-અલગ હોય છે.ઘરના દરેક વ્યક્તિએ સુખ અને શાંતિથી રહેવા માટે એક મનના થઈને રહેવું જ પડે છે, તો જ ઘરનું પૈડું સુખેથી ચાલી શકે છે.એક પ્રેક્ટીકલ ઉદાહરણ જોઈએ તો,જેમ કે ગાડીના ચાર પૈડા હોય અને ચારેય પૈડાને જો અલગ-અલગ દિશામાં જવું હોય તો શું ગાડી ક્યારેય એક નિશ્ચિત દિશા તરફ આગળ વધી શકશે? ના! એમ ઘરમાં પણ જો બધાના અલગ-અલગ સ્વભાવ મળીને જો એકબીજા સાથે સેટ નહી થાય તો એ ઘર હંમેશાં દિશાહીન જ રહેશે.ઘરના કોઇપણ વ્યક્તિએ પોતાના સ્વભાવને બદલવાની જરૂર નથી,પરંતુ જરૂર છે ફક્ત એકબીજા સાથે એડજસ્ટ થવાની.
જીવનમાં સાચું શું? અને ખોટું શું? એ સમજતા શીખીએ અને પોતાના સ્વભાવમાં એક સાચી સમજણ કેળવતા શીખીએ.ઘરમાં જો આપણે એકબીજાની સાથે એડજસ્ટ નહી થઈએ તો ઘરના કોઇપણ સભ્યો ક્યારેય એકબીજાની નજીક નહી આવે અને એકબીજા માટે ક્યારેય પ્રેમ કે લાગણી પણ ઉદભવશે નહી.આ જ બાબતને લાગે વળગતું એક ઉદાહરણ મને અહી યાદ આવે છે.એક ઘરમાં એક પતિ અને પત્ની બે જ માણસ.પરંતુ પત્નીનો સ્વભાવ એટલો બધો અડીયલ કે પતિ જે પણ કઈ કહે તેનાથી હમેશા વિરુધ્ધ જ કરે.પતિ જે વસ્તુની ના પડે એ કામ તો તે પહેલા કરે.પતિ પોતાની પત્નીના સ્વભાવથી એટલો બધો કંટાળી ગયો હતો કે રોજ મનોમન એવો જ વિચાર કરે કે મને આનાથી છુટકારો ક્યારે મળે? એક દિવસ પત્ની તેના પતિને જણાવે છે કે મારે મારા પિયર જવું છે.આ વાત સાંભળીને પતિને એવો વિચાર આવે છે કે જો હું તેને પિયર જવાની હા પડીશ તો એ ક્યારેય પોતાના પિયર નહી જાય એટલે પતિ ધીમે રહીને તેની પત્નીને કહે છે કે જો તું હમણાં થોડા દિવસ તારા પિયર ના જાય તો સારું! પત્ની એ જ સમયે નક્કી કરી લે છે કે હું હવે આજે જ મારા પિયર જઈશ.
પોતાની સાથે તેમની જે દુજાણી ભેસ છે તેને પણ સાથે લઇ જવાનું કહે છે.એ જમાનામાં એક ગામથી બીજે ગામ જવા કોઈ વાહનો ના હતા જેથી પતિ પોતાની પત્ની અને ભેસ સાથે ત્યાંથી ચાલતા નીકળે છે.એ વખતે વરસાદના દિવસો હતા જેથી રસ્તામાં ગામનો ડેમ તૂટી જવાથી ભારે પુર આવે છે.પૂરમાં પતિ,પત્ની અને તેમની ભેસ તણાવા લાગે છે.પતિને તો તરતા આવડતું હતું એટલે તે તો તરતા-તરતા કાંઠા તરફ જવા લાગે છે.પતિ મનોમન એવો વિચાર કરે છે કે, હાશ!મારી પત્નીને તો તરતા આવડતું નથી એટલે આજે મને તેનાથી છુટકારો મળી જશે.પતિ થોડો આગળ જાય ત્યાં તો જુએ છે તેની પત્ની ભેસનું પૂછડું પકડીને નદીમાંથી બહાર નીકળતી હોય છે.પતિ પોતાની પત્નીના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતો હોય છે એટલે તે પોતાની પત્નીને કહે છે કે ભેસનું પૂછડું એકદમ મજબુત પકડજે એટલે પૂછડું છૂટી ના જાય.આટલું સાંભળતા વેત જ પત્ની એકદમ ઉગ્ર બની કહે છે કે,શું કીધું?ભેસનું પૂછડું મજબુત પકડું,હવે તો હું નહીં જ પકડું અને આવું કહેતા વેત પૂછડું હાથમાંથી છોડી દે છે અને થોડીવારમાં તો તેનું રામ-રામ થઈ જાય છે.આવી વ્યક્તિને મુર્ખ ના કહીએ તો શું કહીએ? પોતાનો જીવ જોખમમાં હતો છતાય એ વખતે પણ પોતાનો સ્વભાવ તે છોડી ના શકી અને પોતાનો જીવ ખોઈ નાખ્યો.ઘણીવાર માણસ પોતાના સ્વભાવમાં જ એટલો બધો આંધળો થઈ જાય છે કે મારો આ સ્વભાવ મારા જીવનમાં કેટલો નુકશાનકારક છે એવું તે જોઈ શકતો જ નથી.”હું જે કરું તે જ સાચું” આવું વિચારવાની મનોવૃત્તિ અને પોતાની જાતને એડજસ્ટ ન જ કરવાની પોતાની નકારાત્મકવૃત્તિ એમના જ જીવન માટે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે.
કોઇપણ વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ફક્ત પોતાના ઘરમાં જ નહી પરંતુ ઘરની બહાર પણ દરેક જગ્યાએ પોતાના સ્વભાવને એડજસ્ટ કરવો જ પડે છે.જીવનમાં એકબીજાને અનુરૂપ થનારું માણસ જ શાંતિથી જીવન વિતાવી શકે છે.જીવનની દરેક પરીસ્થીતીમાં સુખી રહેવાની અને એકબીજાને સુખી રાખવાની તૈયારી,એકબીજાથી તદ્દન અલગ જ સ્વભાવોના વહેણમાં ન વહીને તથા એકબીજાને અનુકુળ અને અનુરૂપ બનવાનો સ્વભાવ હશે તો જ પોતાના આવનાર ભવિષ્યને ઉજ્જવળતા તરફ લઇ જઈ શકાશે.
~ ઉર્વશી બ્રહ્મભટ્ટ