અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો… સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે…
બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી…
વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી… હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો… ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે… હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ ઉપર આવ્યો…
ટેબલ ઉપર પડેલ ન્યૂઝ પેપર ઉપર મારી નજર ફરી…
કોરોનાનો આંતક… મોતના આંકડા, વિવિધ ટેલિફોનિક બેસણાં…ની જાહેરાત… Good morning જેવા કોઈ સમાચાર કોઈ ખૂણા ઉપર દેખાતા ન હતા…
મેં પેપર ને ઉથલાવ્યું… તો…લખ્યું હતું કે કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી… નાના ધંધા રોજગાર કરનારની સ્થિતિ દયાજનક…
મેં કોર્નર ઉપર પધરાવેલ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સામે જોયું… અને કહ્યું આટલી વિકટ પરિસ્થિતિમાં પણ હજુ મારી નોકરી અને મારો પરિવાર સલામત છે… પ્રભુ તારો આભાર માનું તેટલો ઓછો છે…
મેં છાપું બાજુ ઉપર મૂક્યું…
કાવ્યા પણ ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ…
સ્વીટુ ધીરેથી બોલ્યો પપ્પા મને અંકલ બહુ યાદ આવે છે…
મેં કીધું કયા અંકલ ?
સ્વીટુ ભીની આંખે બોલ્યો…પપ્પા ભૂલી ગયાને… મને સ્કૂલે મુકવા અને ઘરેથી લેવા આવતા એ કાનજી અંકલ…
મેં કીધું કેમ… ? બેટા… અચાનક…
પપ્પા…મહિનામાં બે વખત એ અમુલ પાર્લર ઉપર વાન ઊભી રાખી અમને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવરાવતા…
એક વખત તો મેં કીધું અંકલ બહુ ભૂખ લાગી છે… તો… મને પિઝા ખવરાવ્યો હતો… વેકેશન પડવાનું હોય ત્યારે અમને બધા ને પાર્ટી પણ કરાવતાં…
હું…પણ…કાનજીભાઈ ને યાદ કરવા લાગ્યો… આખું શહેર ચોમાસામાં પાણી પાણી વરસાદ રોકાવવાનું નામ લેતો ન હતો… કોઈ જગ્યાએ પાંચ ફૂટ તો કોઈ જગ્યા ત્રણ ફૂટ પાણી…
સ્કૂલે ગયેલા બાળકોને ઘરેથી તેડવા જવાય તેવી સ્થતિ પણ કોઈની ન હતી… લોકો પોતાના બાળકોની ચિંતા કરતા હતા… એ દિવસે કાનજીભાઈ મોબાઈલ પણ ઉપાડતા ન હતા… સ્કૂલે ફોન કર્યો તો કહે બાળકો વાનમાં જતા રહ્યા…
ચિંતાથી અમે ઘરના દરવાજા પાસે ઊભા હતા… ત્યાં કાનજીભાઈ સ્વીટુને પોતાના ખભા ઉપર બેસાડી… દૂર દૂરથી ખભા સુધી પાણીમાં ધીરે ધીરે ચાલતા આવતા મેં જોયા… અમારા ચહેરા ઉપર આનંદ દેખાણો…
કાનજીભાઈ એ સ્વીટુને નીચે ઉતારી હાથ જોડી કીધું…સાહેબ તમારું બાળક સહી સલામત છે…
મેં કાનજીભાઈ નો હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો…
ગરમ ચા નાસ્તો કરી જવા મેં આગ્રહ કર્યો…પણ એ બોલ્યા ના સાહેબ હજુ બે બાળકો વાનમાં બેઠા છે તેમને પણ મારે ઘરે પહોંચાડવાના છે… આ અમારી ફરજમાં આવે… હું કાનજીભાઈને દૂર સુધી જતાં જોતો રહ્યો… પછી સ્વીટુને ભેટી પડ્યો…
સ્વીટુ બોલ્યો પપ્પા કયા વિચારમાં પડી ગયા ?
કંઈ નહિ બેટા… મારો મોબાઈલ ટેબલ ઉપરથી આપ…
સ્વીટુ ઊભો થયો અને મોબાઈલ મને આપ્યો…
મેં મોબાઈલ લગાવ્યો…સ્વીટુ અને કાવ્યા જોતાં રહ્યા…
કાનજીભાઈ એ મોબાઈલ ઉઠાવ્યો…
બોલો સાહેબ ઘણા સમયે યાદ કર્યા…
હા… તમે સ્વીટુને ઘણા દિવસથી સ્કૂલે લઈ જવા આવતા કેમ નથી ?
અરે સાહેબ, તમે ક્યાં ગરીબ વ્યક્તિની મજાક કરો છો ?
મેં કીધું… તમે અને તમારો પરિવાર બધા કેમ છે ?
બધા મજામાં છીએ સાહેબ…
તમે અત્યારે શું કરો છો ? મેં પૂછ્યું…
સાહેબ… લોકડાઉન દેશને કરાય ઘરને થોડા તાળા મરાય… પાણીની બોટલો ઘરે ઘરે આપવા જાઉં છું…
આજે તમે ઘરે આવી શકશો ?
કેમ અચાનક સાહેબ ?
બસ સ્વીટુને તમારી યાદ આવી…
સાહેબ અમને પણ બાળકોના કલબલાટ વગર ગમતું નથી…આજે મળવા આવું છું…
મોબાઈલ બંધ કરી મેં સ્વીટુ સામે જોયું… સ્વીટુની આંખો ભીની હતી…
કાવ્યા પણ મારી આંખોની ભાષા સમજી ગઈ હતી…
મેં કીધું… કાવ્યા કાનજીભાઈને દર મહિને સ્કૂલ વાનના કેટલા રૂપિયા આપણે આપતા હતા ?
1000 રૂપિયા… કાવ્યા બોલી…
મેં કીધું કાવ્યા આજે સવારે સ્વીટુની સ્કૂલમાંથી ફોન હતો 25% ફી માફ કરી… આપણા આકસ્મિક 12,500/- રૂપિયા બચી ગયા…અને બીજા આ વખતે કોરોનાને કારણે આપણે દ્વારકા પણ નથી ગયા…જે આખા વર્ષના લાલાના નામે ભેગી કરેલ રકમ પણ 10,000/- રૂપિયા જેવી થાય છે… આ બધી રકમ ભેગી કરીયે તો 25000/- રૂપિયા થાય છે…જે હું કાનજીભાઈને આપવા માંગુ છું…આ કાનજી કે દ્વારકાનો કાનજી એક જ કહેવાય ને…?
કાવ્યા અને સ્વીટુના ચહેરા ઉપર આનંદ હતો…
કાવ્યા બોલી એ વરસાદનો દિવસ હું કેમ ભુલી શકું…? સ્વીટુને ખભે બેસાડી પોતાની જવાબદારી અદા કરી… બીજી કોઈ પણ મદદ થતી હોય તો કરો… મને આનંદ થશે…
થોડી વાર પછી કાનજીભાઈ આવ્યા… આંખે કાળા કુંડાળા… માથાના વાળ વધી ગયા હતા… મેં કીધું કાનજીભાઈ આ શું થઈ ગયું… તમને…
કાનજીભાઈ બોલ્યા સાહેબ… આ કોરોનાએ નાના માણસના તમામ સ્વપ્નાં તોડી નાખ્યા…
સ્વીટુ પણ દોડી તેમની નજીક બેસી ગયો…
કાનજીભાઈ કહે, “બેટા… મારી પાસે નહિ તારા પપ્પા પાસે બેસ અને કોઈ મહેમાન આવે તો… તારે માસ્ક પહેરી લેવાનું… અને મહેમાને માસ્ક ન પહેરયું હોય તો કહેવાનું, માસ્ક પહેરો”
સ્વીટુ સામે જોઈ કાનજીભાઈ બોલ્યા, બેટા સ્કૂલ યાદ આવે છે…?
આટલું પૂછ્યું ત્યાં તો સ્વીટુની આંખોમાંથી પાણી આવવા લાગ્યા…
કાનજીભાઈ આજ સવારથી સ્વીટુ ઢીલો છે…તમારા આઈસ્ક્રીમ ચોકલેટ યાદ કરતો હતો… કાનજીભાઈ બાળકો તો લાગણી જોવે ત્યાં દોડે…
હું ઊભો થયો… અને કાનજીભાઈના હાથમાં બંધ કવર મૂક્યું… અને કીધું કાનજીભાઈ તમારા બે વર્ષના સ્કૂલવાનના 1000 લેખે રૂપિયા 25000 રૂપિયા કવરમાં મુક્યા છે…
અરે સાહેબ…! આ માટે મને બોલાવ્યો હતો…!
અરે… યાર, અમારા ઘરે કાનજી ક્યાંથી… ? મેં હસતાં હસતાં વાતને નોર્મલ કરી… લોકડાઉનમાં કાનજીના મંદિર બંધ થઈ ગયા…. માનવતાના મંદિર ખોલો, એવું ભગવાન કહે છે.
અમારા બધાની આંખો એક સાથે ભીની હતી… કાનજીભાઈ બોલ્યા, સાહેબ…અણીના સમયે તમારી મદદ મળી છે… આજે સવારે જ હું હિંમત હારી ગયો હતો સમીરભાઈ…
ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી હતી, કે હે ભગવાન આ પરિસ્થતિમાંથી બહાર કાઢ… હવે લાંબો સમય મારાથી સહન નહિ થાય…
સમીરભાઈ ભગવાન પ્રત્યક્ષ મદદ કરવા આવે તેવા નસીબ આપણા હોતા નથી, પણ મુંઝાઈયે ત્યારે કોઈ માધ્યમને જરૂર મોકલે છે… ભગવાન તમારા દિલમાં બેસી ગયો…
અરે, કાનજીભાઈ આ કોઈ એવી મોટી મદદ નથી…
હવે મારી વાત સાંભળો… મારી કાર ચલાવનાર રઘુ… કોરોના ને કારણે છ મહિનાથી નોકરી છોડી જતો રહ્યો છે…નથી ફોન ઉપડતો નથી ફોન કરતો…
તો એમ… કરો સ્કૂલ ખુલે નહિ ત્યાં સુધી તમે મારી કાર ચલાવી લ્યો… પગાર તો તમારો મારી કંપની આપવાની છે… તમારો ખરાબ સમય હમણાં પસાર થઈ જશે… ચિંતા ન કરો…સારું થશે…
કાનજીભાઈ હાથ જોડી ઊભા થયા અને બોલ્યા… બસ આવી થોડી થોડી માનવતા દરેક વ્યક્તિ બતાવે તો આવા 100 કોરોના સામે આપણો દેશ લડી શકે…
પણ અત્યારે આફતમાં અવસર સમજી નીચ પ્રવૃત્તિ કરનારા જોયા… પણ આફતમાં ટેકો કરનારા પ્રથમ મેં તમને જોયા…
સાહેબ મારા અંતરથી આશીર્વાદ આ સ્વીટુ…ભણી ગણીને બહુ મોટો સાહેબ બને…
મેં સ્વીટુ સામે જોઈ કીધું બસ બેટા હવે રોજ તને મળવા કાનજીભાઈ આવશે…
ખૂબ ખૂબ આભાર સાહેબ…
મંદિર તો અત્યારે બંધ છે પણ હું મંદિર ના પગથિયાં ચઢ્યો એટલો આનંદ થયો…
કાનજીભાઈ વાત સાચી…મંદિર બંધ છે… પણ કાનજી બહાર ફરે છે… અને દરેક ઉપર નજર રાખે છે…
???
(Via Whatsapp)


















































