ઘરમાં જ રહેવાનું જરુરી બન્યું છે ત્યારે હવે પ્રશ્નો પણ જાતભાતના ઊભા થયા છે –
અમે આકાશવાણીમાં હવામાન સમાચાર આપતા એની પરિભાષામાં કહું તો ….ક્યાંક છૂટા છવાયાં ઝાપટાં , ક્યાંક ઘેરાયેલું રહે પણ વરસે નહીં તો ક્યાંક હળવા, મધ્યમ , ભારેથી અતિભારે…! દબાણ સર્જાય દૂર ને હવામાન બગડે ઘરનું ..! એમાં ( ક ) મોસમી પવનો બળતામાં ઘી હોમે !
એમાં બાળકોની અકળામણ વધે.
રોજની દોડાદોડીમાં એમના પર બહુ ધ્યાન ન અપાતું હોય પણ હવે સાવ નવરા પડેલા વડિલોનું સલાહ સૂચના આપવા લાયક લક્ષ્ય એક જ – બાળકો. જોકે, આજે તો હવે છોકરાં આવું ચલાવેય નહીં , પણ એક સમય હતો જ્યારે આ નિયમ હતો.
અમારા એક વડિલ
એમનો આદેશ હતો કે જે પીરસાયું હોય એ બધું બધાએ જમવાનું. ના પાડવાની જ નહીં અને છાંડવાનુંય નહીં.
એમને એમ તો કહી જ ન શકાય કે
મારે આ નથી ખાવું !
એ તરત પૂછે કે કેમ ? કેમ નથી ખાવું ?
કૈં આચરકૂચર ખાધું છે ?
હવે એની ના પાડો એટલે પૂછે કે
તો કેમ નથી ખાવું ?
તમે કહો કે … નથી ભાવતું.
એટલે એ કહે કે ચાખ્યા વિના ?
તમે કહો કે પહેલા ચાખેલું ..
વડિલ અધવચ જ કાપે , આજે એવું જ બન્યું હશે એમ કેમ ધાર્યું ?
આ તો જાણે બરાબર પણ
એમને તમે કોઇ કારણ ન આપો ને મૂંગા રહો
તો તો ઓર બગડે :
મોંમાં મગ ભર્યા છે ? આમ તો જીભડો મોંમાં ટકતો નથી ! જવાબ આપ , કેમ નથી ખાવું ?
વડિલ સાંભળવા જ તૈયાર નહીં
ત્યાં સ્વીકારવા તો ક્યાંથી જ તૈયાર હોય ?
એમની સામે
ભૂખ નથીય ન ચાલે ને ભાવતું નથીય ન ચાલે.
ને મૌન તો બિલકુલ ન ચાલે.
તમારે એમની ઇચ્છાને અનુકૂળ થવું જ પડે,
ને તમે જમી ન લો ત્યાં સુધી
એમની નજર તમારા પર જ રહે.
તમે એ પૂરું કરીને ઊઠો પછી
એમનો ચહેરો મલકે…, એમને સંતોષ થાય.
તમે જમ્યા એનો નહીં,
એમણે તમને જમ્યે છૂટકો કર્યો તેનો…
તમે ઊઠીને આઘા જાવ એટલે અચૂક બોલે :
ના શું જમે ? હું કહું પછી ના જમે તે ચાલે જ નહીં !
હું જાણું છું કે આ અભિગમ બરાબર નથી.
જોહુકમી છે.
બીજાની પસંદ નાપસંદનો તો સ્વીકાર નથી જ, બીજાનો જવાબ પણ સાંભળવો નથી.
આજે તો હવે એ નથી
પણ એમને કારણે એક ટેવ પડી ગઇ ખરી !
કોઇને ન ખાવું હોય તો પરાણે નહીં ખવરાવવાનું
ને મોંમાં આંગળા નાખીને જવાબ મેળવવાનો આગ્રહ તો નહીં જ રાખવાનો.
આવા કડક વડિલનો તમેય તમારા પરિવારમાં અનુભવ કર્યો હશે. આવા લોકો ન ગમે પણ ભૂલાય નહીં.
આ દિવસોમાં તમારે ત્યાં કેવુંક છે ?
હવામાન સમાચાર શું કહે છે ..?

– તુષાર શુક્લ
Related