જમાનો ખરેખર બદલાઈ રહ્યો છે.દુનિયા પણ તેના તાલ પર દોડી રહી છે.આધુનિકતાના રંગમાં આપણે પણ રંગાઈ રહ્યા છીએ,પરંતુ આધુનિક થવું ખરેખર શું છે? એનો આપણે ક્યારેય વિચાર કર્યો છે?આધુનિકતાના સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે.એક વખત મારા પિતા રસ્તા ઉપર પસાર થઇ રહ્યા હતા,ત્યાં સામે તેમણે એક theatre જોયું,જેમાં “રામ-લીલા” નામની એક ફિલ્મ લાગેલી હતી.મારા પિતાને થયું કે આટલા સમય પછી ભગવાન ઉપર એક ફિલ્મ આવી છે તો લાવોને જોઈ આવું.ટીકીટ લઇ તે અંદર દાખલ થયા.ફિલ્મની શરૂઆત થઇ,ફિલ્મ તો તેમણે વિચારી હતી તેના કરતા એકદમ અલગ જ હતી.તે તરત જ બહાર નીકળી ગયા.તે એટલા બધા દંગ થઇ ગયા હતા કે ઘરે આવીને ફક્ત એક જ વાક્ય બોલ્યા કે લોકો હવે ભગવાનને પણ છોડતા નથી. ફિલ્મનું નામ હતું ભગવાનના નામ ઉપર પરંતુ અંદરના દ્રશ્યો તો કઈક અલગ જ હતા.અહી દોષ કોઈનો નથી પરંતુ આપણી ખરેખરની પહેલાની સમજ અને અત્યારની સમજમાં ઘણો ફેર પડી ગયો છે.પહેલા “રામ-લીલા” એટલે કે જ્યાં ભગવાન રામનું એક સુંદર ચરિત્ર વર્ણવાતું હતું અને અત્યારની આ રામ-લીલા ને વર્ણવવા તો મારી પાસે શબ્દ જ નથી.અહી વાત એ છે કે આપણે ખરેખર કેટલા આધુનિક બની ગયા છીએ!
આપણા પહેરવેશથી માંડીને આપણો આખો દેખાવ બદલાઈ રહ્યો છે.નાના બાળકોના પહેરવેશ પણ એટલા આધુનિક થઇ ગયા છે કે આ છોકરો છે કે છોકરી એવું અનુમાન પણ લગાવવું ઘણી વાર અઘરું પડે છે.નામ પણ એવા થઈ ગયા છે કે નામ ઉપરથી આ બહેન હશે કે ભાઈ એ પણ અનુમાન નથી લગાવી શકતા. પહેલા આપણે અલગ-અલગ પ્રસંગો માટે અલગ-અલગ કપડા,જ્વેલરી અને ચંપલ ખરીદતા,હવે તો વાળનો કલર પણ પ્રસંગો પ્રમાણે અલગ થઇ રહ્યો છે.આમાં કઈ ખોટું છે એવું હું નથી કહેતી,આવી બધી વિવિધતાઓનો આપણે સ્વીકાર કરીએ છીએ પરંતુ ઘરના સભ્યોમાં કોઈ વિવિધતા આવી જાય જેમ કે તેમનો સ્વભાવ,વર્તન,કોઈ પરિસ્થિતિ કે તેમના વિચારમાં કોઈ ફેરફાર આવે તો આપણે કેમ નથી સ્વીકારી શકતા? ઘરના સભ્યો આપણે જેવા છીએ એવા આપણને સ્વીકારી શકે છે તો આપણે તેમને કેમ નથી સ્વીકારી શકતા?ઘરના મોટા કઈક કહે તો આપણે હંમેશા તેમને જુનવાણી કહીને કેમ ટાળી દઈએ છીએ? આપણા પૈસા વધી રહ્યા છે પરંતુ ઘરના સભ્યોની સંખ્યા કેમ ઘટી રહી છે? આપણા ઘરમાં આપણને પાલતું પ્રાણીઓ પસંદ છે પરંતુ આપણા માં-બાપ આપણને નથી ગમતા એવું કેમ? આપણા માં-બાપ આપણામાં થયેલો આટલો બધો ફેરફાર ચલાવી લે છે તો આપણે એમને કેમ નથી સ્વીકારી શકતા? ખરેખરી આધુનિકતાતો એકબીજાને સમજી અને ઘરમાં બધા સાથે પ્રેમથી રહેવામાં છે.
આપણી રેહણી-કરણીથી માંડીને આપણા ઘર અને ઘરની સંસ્કૃતિ બધું જ આધૂનિક થવા માંડ્યું છે.પરંતુ આપણા વિચારોને આપણે હજી સુધી કેમ નથી બદલી શક્યા? ઘરમાં બધી જ પ્રકારના સેટ રાખીએ છી એ પરંતુ ઘરમાં રહેતા માણસો જ અપસેટ હોય તો શું કરવાનું? લગ્નોથી માંડીને મરણ સુધી બધે જ આધુનિકતા આવી ગઈ છે.લગ્નના એક-એક પ્રસંગો ઉપર લાખોના ખર્ચ કરીએ છીએ,કોઈ એક વસ્તુ પણ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ.દરેક પ્રસંગો અંગે ગહનતાથી વિચારી આપણા સો ટકા તેમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ,પરંતુ આપણી દીકરી કે જે ભવિષ્યમાં બીજા નવા સભ્યો સાથે રહેવા જઈ રહી છે તેમના અંગે ગહનતાથી ક્યારેય વિચાર કર્યો છે? ઘરના સભ્યોની વચ્ચે કેવી રીતે પોતાનું સ્થાન બનાવશે? કેવી રીતે તેમને પોતાના કરશે?એવો વિચાર ક્યારેય પોતાની દીકરીને આપ્યો છે? લગ્નના એ ચાર દિવસને સફળ કરવામાં તમે તમારો રાત-દિવસ એક કરી નાખો છો પરંતુ એ લગ્નને કેવી રીતે નિભાવીશ અને કેવી રીતે લગ્ન જીવનને સફળ કરશો એવો ક્યારેય વિચાર કર્યો છે? એક માતા પોતાની દીકરીને કોઈ વસ્તુની ખામી ના રહે અને કોઈ વસ્તુ લઇ જવાનું ચુકી ના જાય એનું ખાસ ધ્યાન રાખે છે,પરંતુ લગ્ન બાદ શરુ થનારી એ નવી સફર અંગે ક્યારેય બેસીને શિખામણ આપી છે? હવે તો માં-દીકરી એકબીજા સાથે બે બહેનપણીઓની જેમ વાત કરી શકે છે તો દીકરીને કેમ કોઈ સારી શિખામણ ના આપી શકાય? દરેક સંબંધમાં તારા સો ટકા આપવાનો પ્રયત્ન કરજે આ શિખામણ એક માતા કે પિતા તરફથી કેમ નથી મળતી? જો આવી શિખામણ મળતી હોત તો શહેરમાં એક પણ વૃદ્ધાશ્રમ ના હોત! માં-બાપથી અલગ રહેવામાં નહી પરંતુ બધાની સાથે હળીમળીને પ્રેમથી રેહવું એ છે આધુનિકતા.
આજે એક જ પરિવારમાં અલગ-અલગ પરિવાર રહેવા લાગ્યા છે.બધાના અલગ રૂમની સાથે અલગ મન પણ થઇ ચુક્યા છે.મોટા-મોટા ઘરોમાં અલગ રહેવું અને કોઈની સાથે વાતચીત પણ ના કરવી એ આધુનિકતા નથી.પરંતુ બને એટલા ખુશ રહો,તમારો પ્રેમ દરેક સભ્યોને વર્ણવતા શીખો.દરેક સભ્યો સાથે યોગ્ય સમય ગાળો એ છે આધુનિકતા.વિદેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક Bill gates પણ પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને અચૂક એક સમયનું ભોજન લે છે,તો આપણે કેમ ના લઇ શકીએ?આપણે કેમ આપણા પરિવારના સભ્યો સાથે અમુક સમય વ્યતીત ના કરી શકીએ? આમ તો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાનું આપણે ક્યારેય ચુકતા નથી,તો આવી સારી બાબતોને આપણે કેમ નથી જોઈ શકતા? એક દીકરો સહેજ મોટો થઇને પોતાના પિતાની સાથે બેસીને ડ્રીન્ક લઇ શકે એવી છૂટ તમે આપો છો,પરંતુ એક બાપ તરીકે ક્યારેય સારી શિખામણ કે સારા પાઠ ભણાવવાનો તમે પ્રયત્ન કર્યો છે?વડીલોને કેવી રીતે માન આપવું તથા એક સ્ત્રીનું કેવી રીતે માન-સન્માન જાળવવું એ અંગે ક્યારેય બેસીને ચર્ચા કરી છે? જો કરી હોત તો દેશમાં બળાત્કારના આટલા કેસ બન્યા જ ના હોત! આપણે high-society નું high-thinking જલ્દી adopt કરીએ છીએ,પરંતુ ખરેખર જે બાબતોને જીવનમાં લેવાની છે એ તો આપણને યાદ રહેતું જ નથી.સારી બાબતોને ધ્યાનમાં લેવાની આધુનિકતાતો આપણામાં ક્યારેય આવી જ નથી.લોકો એ કેટલો વધારે ખર્ચો કરીને પોતાના જીવનને વૈભવી બનાવ્યું એ તરફ આપનું ધ્યાન ખાસ દોરાય છે.દર વેકેશનમાં ફોરેન ટુર ઉપર જ જવું અને ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા વિદેશ જ જવું એવું અનુકરણ આપને ખાસ કરીએ છીએ.પરંતુ કોઈ વ્યક્તિ એ પોતાનું આ ઊચ્ચ જીવન મેળવવા કેટલો અથાગ પ્રયત્ન કર્યો?કેવી રીતે આટલી ઉચાઇ સુધી પહોચી શક્યો? છતાય એ વ્યક્તિના જીવનમાં કેટલી સાદગી છે! આ બધી બાબતોને જોવાનો આપણે ક્યારેય પ્રયત્ન કર્યો છે? આનો મતલબ એ કે આપણે દરેક બાબત આપણા કુંડાળામાં રહીને જ વિચારીએ છીએ.જે આપણને ગમે એ બાબતને જીવનમાં ઉતારવાની અને જે ના ગમે તેને જાણી જોઈને પણ અવગણવાની.આધુનિકતાના નામે આપણે ફક્ત આપણને ગમતું જ અનુકરણ કરી રહ્યા છીએ .ખરેખરી આધુનિકતા તો હજી આપણે અપનાવી જ નથી.
દીકરીનું સાસરું તો એવું જ શોધવાનું કે જ્યાં દીકરીને બધી છૂટછાટ મળે અને પોતાનું જીવન આઝાદીથી જીવી શકે.અને વહુ તો એવી જ શોધવાની કે જે ઘરની અને સમાજની મર્યાદા જાળવી શકે.પોતાના વિચારો ને પણ વર્ણવવાની છૂટછાટ ના હોય તો બીજી આઝાદી હોય જ કયાંથી? અહી આધુનિકતા ફક્ત દીકરી માટે જ!વહુ માટે કેમ નહી? તો પછી સમાજ આધુનિક થઇ રહ્યો છે એવું આપણે ક્યાં આધારે કહી શકીએ?ખરેખર તો દીકરી અને વહુ બંનેમાં સમાનતા જાળવીએ, બંનેના સરખા જ અધિકાર હોય,અને બંનેના માપદંડ પણ સરખા હોય એ છે ખરેખર આધુનિકતા.ફક્ત પહેરવેશ કે રહેણીકરણી બદલવાથી આધુનિક નથી થવાતું પરંતુ સમજે વિચારોથી આધુનિક થવું ખુબ જરૂરી છે.માતા-પિતાના જીવતા જેટલો ખરચો કર્યો નહી હોય એટલો તેમના મરણ પછી કરે છે.હવે જો જીવતા જ તેમને આટલા ખુશ રાખવાની કોશિશ કરી હોત તો કેટલા સુખેથી મરત! લોકો આવશે અને મારું સારું દેખાશે એટલે મરણની કોઈ ક્રિયામાં ખામી નથી આવવા દેતા.પરંતુ ખરેખર તો શાંતિ તેને જીવતા જીવ જ આપવાની હતી,આ સમજ આપણે કેમ નથી કેળવી શકતા? પહેલા દીકરો બાપને પગે લાગતો હવે બાપ દીકરાને પગે લાગે છે એટલે કે આ આધુનિક જમાનામાં આખા સમાજનો પ્રવાહ જ ઉલટો વહેવા લાગ્યો છે.એટલે જ તો પહેલા સાબરમતી નદીનું પાણી બધાના ઘેર-ઘેર પહોચતું અને હવે બધાના ઘરનું ગંદુ પાણી સાબરમતી નદીમાં પહોચે છે.આ છે આપણા સમાજની ખરેખર આધુનિકતા!
બસ હવે ફક્ત એ જ વિચાર કરવાનો કે શું ખરેખર સાચા અર્થમાં આપણે આધુનિક બન્યા છીએ?
-ઉર્વશી મનિષ બ્રહ્મભટ્ટ