સ્ત્રી….અન્નપૂર્ણા, લક્ષ્મી, સરસ્વતી અને શક્તિ પણ…
અને સ્ત્રીદિવસ વિશેષના લખાણો આવી જ ગયા, બોલો..! કોઈ એક જ દિવસને વુમનડે સ્પેશિયલ બનાવીને ઉજવાય.? તમારા જીવનમાં સ્ત્રી (મા, બહેન,પત્ની, દીકરી, મિત્ર વગેરે ) કોઈપણ સ્વરૂપે હોય તો દિવસ જ નહીં, સમગ્ર જીવન સ્પેશિયલ બની જાય છે. હું મારી વાતો અને વાર્તાઓમાં સતત કહેતો રહું છું કે સંસારની સર્વશ્રેષ્ઠ રચના સ્ત્રી છે. મારી લગભગ બધી કથાઓમાં સ્ત્રીનું પાત્ર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે.
સ્ત્રી શબ્દનો સમાનાર્થી શબ્દ લાગણી હોવો જોઈએ એમ હું માનું છું.
મેં ક્યાંક વાંચ્યું કે,” સ્ત્રીએ પુરુષ સમોવડી બનવું જોઈએ..!”
મને હસવું આવ્યું,” સ્ત્રી તો યુગોથી શ્રેષ્ઠ છે, ઉલટાનું પુરુષે સ્ત્રી પાસેથી સમર્પણ, લાગણી અને મમતા શીખવા જેવી છે. પુરુષ સમોવડીયા બનવાના ચક્કરમાં સ્ત્રીએ પોતાનું સ્તર નીચે લાવવાની કોઈ જરૂર નથી. સ્ત્રી વિશે એક દિવસ માટે વિશેષ કાઈ જ ના લખાય, સ્ત્રી પોતે જ સંસારની સર્વશ્રેષ્ઠ વિશેષતાઓથી ભરપૂર રચના છે.!'”
મને કોઈએ પૂછ્યું,” ગઈકાલે તમે વુમન ડે સ્પેશિયલમાં કોઈ ચોક્ક્સ સ્ત્રી માટે લખ્યું..?
મેં જવાબ આપ્યો,” જીવનમાં અલગ અલગ સંબંધે જોડાયેલી સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રી માટે લખું તો તે અન્ય સ્ત્રીઓનું અપમાન છે. હું માનું છું કે ઈશ્વર જેટલું માન સન્માન સ્ત્રીને આપશો તો તમારે મંદિર જવાની જરૂર જ નહીં પડે.
પુરુષે પ્રેમ અને લાગણીના મામલે થોડાક સ્ત્રી સમોવડીયા બનવાની જરૂર છે.
તમારી બંને આંખો બંધ કરો અને વિચારો કે મા, બહેન, પત્ની, દીકરી અને મિત્ર જેવા સંબંધે આવીને તમારા જીવનમાં લાખો રંગ ભરી દેતી સ્ત્રી વિના તમારું જીવન કેવું હશે..?
હું જ કહી દઉં..લો.. તે જીવન બેચેન, અપૂર્ણ, અર્થહીન અને રંગહીન હશે…!!”
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”


















































