બાજુના મકાનમાં રાજ રહેવા આવ્યો, ચોવીસ પચીસ વર્ષનો નવયુવાન, ખૂબ માયાળુ અને મહેનતુ ,એકદમ સૌમ્ય, રામજીભાઈ અને રમાબહેન દંપતિ એકલા રહે. સંતાન નહીં પરંતુ ધનાઢ્ય ખરા. રોજેરોજ સવાર સાંજ રામજીભાઈ અને રમાબહેન રાજ પાસે આવે, રાજ રમાબહેનને માસી કહે, રમાબહેન પણ જાણે પોતાના સંતાન જેટલી માયા રાખે, રોજ એકાદ સમય તો રમાબહેનના હાથનું જમે જ, રમાબહેનની ઈચ્છા હતી જાત્રા કરવાની, તો રાજે જાત્રા પણ કરાવી, રોજ રાજનું માસીના હાથનું જમવાનું અને રોજ રાજના હાથની છેલ્લી ચા પીવાની આ એક રૂટીન બની ગયું હતું.
હમણાંથી ખબર નહીં કેમ રામજીભાઈની તબિયત લથડી હતી, ખૂબ નબળાઈ લાગતી, એમને ડોક્ટર પાસે લાવવા ,સંપૂર્ણ ચેક અપ અને દરેક પ્રકારની કાળજી રાખતો, પણ અંતે રામજીભાઈએ દુનિયા છોડી દીધી, રમાબહેન એકલા થઈ ગયા, મહેમાનો પણ જતા રહ્યા, હવે રાજ રમાબહેન સાથે રહેવા લાગ્યો, થોડા મહિના પછી એક સંસ્થાની મુલાકાત માટે રાજ રમાબહેનને લઈ ગયો, અને ત્યાં પહોંચી રાજે રહસ્ય ખોલ્યું કે તમારે અહીં જ રહેવાનું છે, બધી પ્રોપર્ટી મે મારા નામે કરાવી લીધી છે, અને મે તમારા પતિનો ઈલાજ કરાવ્યો જ નથી ફક્ત વિટામીનની અને ઊંઘની ગોળીઓ આપતો. મને એમ કે તમે પણ આ મૃત્યુનો આઘાત સહન નહીં કરી શકો પણ તમે તો…
ખેર તમે અહીં રહો અને એક અટહાસ્ય કર્યુ, અને રમાબહેન આ બે મોઢાના સુંદર હેવાનને જોતા રહ્યા અને મનોમન બોલ્યા,
“ચહેરા પર મહોરો ધરે છે માણસ,
અસલી સખ્સીયત છુપાવે માણસ,
કયાક સાધુ વેશમાં શૈતાન માણસ,
હવે કાંચિડાને પણ શરમાવે માણસ.”
આટલું વિચારી ને નિઃસ્તબ્ધતા ધારણ કરી રમાબહેન સંસ્થામાં જતા રહ્યા.
Related