રંગમંચ પરપ્રવેશ તો ત્રીજા ધોરણમાં , લવ કુશની વાર્તા ભજવેલી.
એ સમયે નદી પારનીસોસાયટીમાં રામલીલા ભજવાતી. અમે એ જોવા જતા. સીધું બોલાતું. એક એક પૈસાની ચડત પણ ચાલે .. વટ ને કટ ની રમઝટ ! અમે પણ ઘેર લાકડીના છેડે કપડાના ડૂચા એક મોટા ટૂકડામાં બાંધી ગદા બનાવી યુદ્ધ કરતા !
અને કદાચ ચીનના યુદ્ધ સમયે અમારા પડોશી મિત્રે લખેલ નાટક તો રિહર્સલ કરીને , સાડીના પરદા બાંધી , અગાશી પર ભજવેલું.. ટિકીટ પણ રાખેલી.
પિતા દુર્ગેશ શુક્લ નાટ્યલેખક. મોટા કલાકારો આવતા જતા હોય. નાટક જોવાપણ જવા મળતું. અને નાટકની રોયલ્ટી અમારા બજેટનો મહત્વનો ભાગ હતી.
શાળામાં દસમા ધોરણમાં બે નાટકમાં ભાગ લીધેલો, અમારી શાળા સ્વસ્તિક શીશુનિહારના આચાર્ય દીનેશ ઠાકોરે લખેલા. એક સંગીત નાટિકા “ ચંદ્રહાસ “ – એમાં હું રાજા બનેલો. ( નાનો ચંદ્રહાસ શ્યામલ મુનશી ) અને મારાં થનાર જીવનસાથી મયૂરનૃત્ય કરતાં હતા.. “ અમે રુપાળા રઢિયાળા મોર …”
ને બીજૂં નાટક હતું અંગ્રેજીમાં – Light is out ! હડતાળ પર જતા વીજળી કર્મચારી નેતાનું પાત્ર હું ભજવતો. હડતાળને સફળતા મળે છે પણ એને કારણે સર્જાતી દુ:ખદ સ્થિતિ સમયે મેં ગળામાં પહેરેલ હાર તોડીને મૌલિક અભિનય કરી પ્રથમ ઇનામ જીતેલું.
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રો. વારિસ હુસૈન અલવી અને પ્રો. આબિદ શમ્સીના માર્ગદર્શનમાં હાસ્ય નાટકો પણ ભજવેલા. એકવાર વળી એક વ્યાવસાયિક કોમેડી નાટક પણ ભજવેલું.
આજે પણ બંધ પરદો , ત્રણ ઘંટડી મને એટલાં જ રોમાંચક લાગે છે.
રંગદેવતા અને રંગભૂમિએ મને ઘણું આપ્યું છે.
તુષાર શુક્લ


















































