નિશા ગઈ હતી તો ભાઈના લગ્ન પ્રસંગે પણ એનું મન હજી અરૂણ ની વાતો થી અશાંત હતું,નિશાના ભાઈ તારકનાં લગ્ન લેવાયા હતા અને નિશાને એક મહિના અગાઉ પિયર જવું હતું. એ બાબત નિશા અને અરૂણ વચ્ચે હા ના કરતા કરતા મુદ્દો છેક બોલાચાલી અને પછી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું.
ભાઈના લગ્ન સમૂહલગ્નમાં સાદાઈથી કરવા એવું કન્યાપક્ષવાળાની ઈચ્છાને માન આપી નક્કી કરવામાં આવ્યું હતું એટલે એક મહિના અગાઉ જવાનું અરૂણને યોગ્ય નહોતું લાગ્યું ,વળી બે નાના દીકરાઓને લઈને નિશા પિયર જાય તો એમની સ્કૂલ ટયુશન લેવા મૂકવાની બધી રીતે મુશ્કેલી પડે. આમ તો નિશાનું પિયર અને સાસરું ગામમાં જ હોવાથી બહુ વાંધો ન આવે પણ અરૂણને રોજેરોજ સાસરે જમવા જવાનું ન ગમે એ પણ એક મહિના સુધી, નિશા પિયર તો ગઈ અને ત્યાં બધા ખુશ હતા. ખાસ કરીને બન્ને છોકરાઓ નાના નાની અને માસી ને મામા ને જોઈ હરખાઈ ગયા. તોફાન મસ્તીને ખૂબ કલબલાટ કરતા.
સ્કૂલ માટે રિક્ષાવાળાને પિયરના એડ્રેસ પર આવવાનું નિશાએ ફોન કરીને કહી દીધું હતું અને ટ્યુશનમાં લેવા મુકવા તારક જતો આમ ને આમ અઠવાડિયું થઈ ગયું. અરૂણ નથી જમવા આવ્યો કે નથી મળવા કે નથી એક ફોન સુધ્ધાં કરતો. નિશા એ કોશિશ કરી બેત્રણ વાર ફોન કરવાની પણ અરૂણ ફોન પર વાત પણ કરતો નથી. બીજા બેએક દિવસ થયા આજે નિશાનો જન્મ દિવસ છે, નિશા સવારમાં વહેલી ઉઠી ગઈ હતી, ઘરની અગાશીમાં જઈને થોડીવાર એકલી રહેવા માંગતી હતી, એ ઘરનાઓને પોતાના આંસુ દેખાડવા નહોતી ઇચ્છતી. વહેલી સવારે અગાશીમાં જઈને એકલી બેસીને ખૂબ રડે છે એને અરૂણની ખુબ જ યાદ આવે છે એને યાદ આવે છે. અરૂણ એનો કેટલો ખ્યાલ રાખે છે એ એને યાદ આવે છે, જ્યારે પહેલી વખતની પ્રેગ્નન્સી દરમિયાન પોતાને સ્નાયુઓ ખેંચાઈ જવાથી જે તકલીફ હતી ત્યારે અરૂણ કેટલી કાળજીપૂર્વક જતન કરતો, ઘરના કામ જાતે કરતો અને નિશાને ખૂબ સાચવતો એક એક યાદ આજે નિશાની આંખોમાંથી જાણે શ્રાવણ ભાદરવો બની ને વહેતી હતી.
ત્યાં તો એના માથા પર કોઈએ હાથ મુક્યો અને સામે એના મમ્મી ઉભા હતા. એમને વળગીને નિશા ખૂબ રડી થોડીવાર પછી એના મમ્મીએ કહ્યું, “શું થયું બેટા? અરૂણ ની યાદ આવે છે ?”
નિશાએ ચૂપચાપ ગરદન હલાવી હા કહી. મમ્મી કહે, “તો જઈને મળી આવને ,આટલા દિવસથી એકવાર પણ એ ન આવ્યો શા માટે ? શું તું કંઈ ઝગડો કરીને તો નથી આવીને ?”
નિશાએ બધી વાત કરી મમ્મી બધું સમજી ગયા વાંક દીકરીનો હતો. એમણે નિશાને સમજાવ્યું કે અરૂણને જમવાની, ઘરમાં કામકાજની બધી તકલીફ પડે તારા વિના. આપણે ક્યાં બહારગામ છીએ..! પિયર થોડું દૂર છે ? રજાઓમાં આવ તો છોકરાઓને પણ સારું રહે. અહીં આપણે બધાં સાથે છીએ પણ તું એકલી હોય એવું લાગે છે, તને કોઈ મોજ મસ્તીમાં કે કોઈ ખુશીના પ્રસંગમાં ક્યાંય ખુશી નથી મળતી એનું કારણ તને ખબર છે શું છે ? હું તને કહું “આપણે ત્યાં કહેવત છે ‘ધણી વગરના ઢેફલા ને સો કુટુંબમાં એકલા’ દીકરા તારી ખુશી અરૂણમાં જ છે ..”.
“ને અરૂણની ખુશી નિશામાં….!” આ સ્વર હતો અરુણ નો.
હેપ્પી બર્થ ડે નિશા કહેતો અરૂણ સામે આવીને ઉભો હતો. વિરહની ક્ષણો હવે વીતી ગઈ હતી.
અગાશીમાંથી સુંદર દૃશ્ય દેદીપ્યમાન હતું,
દૂર ક્ષિતિજે અરુણોદય થઈ રહ્યો હતો,
નિશા અરૂણની બાહુઓમાં ઓગળી રહી હતી….
થોડી વારે બન્નેને મમ્મીની હાજરીનો ખ્યાલ આવતા શરમાય ગયા, મમ્મી કહે, “ચાલો હવે નીચે જઇ નાસ્તો ચા પાણી કરીએ, પછી નિરાંતે વાતો કરીએ”.
બધા સાથે બેઠાં હતાં. નાસ્તાના ટેબલ પર ત્યાં જ નિશાએ પૂછ્યું, “રોજે જમવા આવવું તમને ન ફાવે મને ખબર છે પણ એક ફોન પણ ન કર્યો અને મારો ફોન ઉપાડ્યો પણ નહીં એટલી બધી રિસ ? અને આજે આટલી વહેલી સવારે અહીં ?”
અરુણ કહે, “શાંતિ રાખ. તારા બધા સવાલોના જવાબ આપું છું. રિસ થોડી હતી એની ના નહીં પણ એટલી ના હોય કે તારી સાથે વાત કરવાનું બંધ કરી દઉં. જ્યારથી તું ગઈ ત્યારથી મારો ફોન ખોવાઈ ગયો છે અને તારા ફોનમાં જો. ઓફિસેથી કેટલા ફોન કર્યા તને..!
અને ગઈકાલે રિક્ષાવાળા ભાઈ મને મળ્યા હતા એમણે મને કહ્યું કે તમારા બન્ને કુંવર નિશાળે ફોન લઈને જાય છે, જરા ધ્યાન રાખજો ટીચરને હજી ખબર નથી પડી ,એ છોકરાઓ ખાલી રિક્ષામાં હોય એટલી વાર જ ફોનમાં ગેમ રમતા હોય છે.”
નિશા કહે, “ગજબ બદમાશ છે. બેઉ હજી એટલા દિવસ થયા મને પણ ખબર નથી પડવા દીધી અને તમારી સાથે વાત ન થવાથી મારુ મન એટલું અશાંત હતું કે ઓફિસના નંબર ભૂલી ગઈ. અજાણ્યા નંબર હોવાથી ફોન ન ઉપાડ્યો.”
અરૂણ કહે, “આમ ઘણા દિવસથી તારી સાથે વાત ન થઈ અને છોકરાઓની પણ બહુ જ યાદ આવતી હતી એટલે અને ખાસ હંમેશની જેમ તને સૌથી પહેલા બર્થડે વિશ કરવા હું તો રાત્રે જ આવી ગયો હતો જ્યારે તું છોકરાઓને સુવાડતી હતી, તારકને ફોન કરીને બધું નક્કી કર્યું હતું તને સરપ્રાઈઝ આપવાનું. જ્યારે તું જાગતી હતીને આખી રાત ત્યારે હુપણ તારા જ વિચારોમાં જાગતો હતો જ્યારે તું અગાશીમાં ગઈ ત્યારે હું પણ પાછળ આવતો હતો અને મેં તારી અને મમ્મીની વાત પણ સાંભળી બોલ હવે માફ કરીશ ને મને ?”
નિશા કહે, “એક શરતે, જો તમે સાંજે તમારી સાથે જ મને ઘરે લઈ જાઓ તો જ….!”
Related