અમનની નજર સમક્ષ ગાઢ તિમિર છવાઈ ગયું,જ્યારે ડોક્ટરની કેબિનનાં અધખુલ્લા દરવાજામાંથી એના કાનમાં શબ્દો સંભળાયા, “સોરી બહેન, અમનભાઈનો ઈલાજ શક્ય નથી. ટ્યુમર મોટી છે,અને જેમ તે અન્ય નસ પરનું દબાણ વધારશે તેમ શરીરનાં અન્ય અંગ કામ કરતાં બંધ થશે, અને સોરી ટુ સે બટ ગમે ત્યારે કોમામાં પણ સરી જશે. “
પછીની કોઈ પણ વાત સાંભળવાની ક્ષમતા ક્યા હતી, હવે! રાત દિવસ ચિંતાનું આવરણ ગાઢ થઈ રહ્યું હતું , પત્ની, બે વર્ષનું બાળક , એમનું ભવિષ્ય… અનેક સવાલો.. પણ જવાબ? જવાબમાં માત્ર શૂન્યાવકાશ.
સહસા અમરને કોલેજનો મિત્ર યાદ આવ્યો આકાશ..છેલ્લા બે વર્ષથી મળ્યો ન હતો પરંતુ ઈન્ટરનેટ યુગમાં કોઈ ને શોધવો ક્યા અઘરો છે ?અને સરનામું મેળવી પહોંચી ગયો આકાશ પાસે.
આકાશ તો અપલક નેત્રે જોતો જ રહ્યો, અમને કહ્યું,” કેમ મને જોઈને આનંદ ન થયો?”આકાશ બોલ્યો “ના ના એવું કશું જ નથી.પણ ..” વાત કાપતા અમને પુછ્યું કે, “લગ્ન કર્યા કે..?” આકાશ નીચી નજર કરી લીધી, અમન ફરી બોલ્યો “દોસ્ત, કદાચ ઈશ્વર પણ આકાશ અને ધરતીને એક કરવા ઈચ્છે છે “
આ વાતથી આકાશ છંછેડાયો, “શું બોલે છે તું? શાન ભાન છે? ધરતી તારી પત્ની છે. “તરત અમને કહ્યું, “છે, પણ ઈચ્છુ છું કે તારી બનીને રહે.”
આકાશ ગુસ્સામાં બોલ્યો કે, “શું તું પણ.. “તરત જ વાત કાપતાં અમન બસ આકાશના ખભે હાથ રાખીને એટલું જ કહ્યું, “મને બ્રેઈન ટ્યુમર છે, કોઈ ઈલાજ શક્ય નથી, પણ હું ઈચ્છું છું કે મારા અંત સમયનો ભાર તું હળવો કરી દે. ” આકાશ અને અમન એક મેકને વળગી રડી પડ્યા.આજે અમન ને ગાઢ અંધકારમાં તેજપૂંજ પ્રગટતું દેખાયું અને ચહેરા પર અપાર શાંતિ ચમકવા લાગી.
Related