કાલે એક હિંદી સીરીયલ “વાધલે કી દુનિયા” જોતી હતી, તેમાં રાજેશ વાધલે શોના મુખ્ય કલાકાર પોતાના બાળકો સાથે ગેમ રમતા હતા કે જે પણ બે કાવ્ય પંક્તિ અથવા બે લાઇન બોલે તે ક્યાં લેખકની છે તે જણાવવાનું અને પછી સાચું પડે તેને પોઈન્ટ મળે અને જો ખોટું પડે તો તેને જાણકારી મળે. આ ગેમથી બંને બાળકો નિંદર આવે છે એમ ખોટું કહી જતા રહ્યા ત્યારે રાજેશ વાધલેને એમ થાય છે કે આ ખોટું થઈ રહ્યું છે, આજના બાળકોને પ્રાદેશિક ભાષાના સાહિત્યમાં રસ જ નથી. આ એપિસોડ જોઈ મારી આંખ પણ ભીની થઈ ગઈ.
હું પણ જૂની યાદોમાં ખોવાઈ ગઈ જ્યારે અમારા લાઈબ્રેરીના પિરિયડની અમે આતુરતાથી રાહ જોતા, એટલે નહિ કે ત્યારે અમે વાતું કરવાનો ફ્રી પિરિયડ મળશે કે પછી મસ્તી કરીશું પણ, ત્યાં નવી નવી પુસ્તકો વાંચીશું. અમારી સ્કૂલની લાયબ્રેરીમાં અઠવાડિયા માટે પુસ્તક આપતા અને વાંચી અમે પાછી આપી દેતાં અને આમાં ખુબજ મજા આવતી.
હવેની પરિસ્થિતિ એનાથી સાવ અલગ થતી જાય છે આજનાં બાળકોને ખરેખર આવા પિરિયડમાં મજા નથી આવતી, તે તો આ પિરિયડમાં અલગ અલગ ગેમ અથવા વાતું કરે છે અને તેથી જ ક્યાંય પ્રાદેશિક ભાષાના સાહિત્યનું મહત્વ નવી પેઢીમાં દેખાતું નથી. ખુબજ ગણ્યાગાંઠ્યા લોકોને હવે વાંચનમાં રસ રહ્યો છે, જે ખરેખર દુઃખની વાત છે.
બાળકોમાં વાંચન વધારવા દરેક માતા-પિતાએ પ્રયત્ન કરવો જોઈએ.
રાજેશ વાધલેની એક લાઇન મારા મગજમાં ઘર કરી ગઈ છે.
“જેમ સાવ નાના ઘરમાં પણ આપણે મંદિર માટે જગ્યા રાખીએ છીએ તેમજ દરેક ઘરમાં એક નાની લાયબ્રેરી તો હોવી જ જોઈએ.”
મનિષા સેજપાલ
Related