રંગોએ કંઈ કહ્યું ? તમારો જવાબ જો ના છે, તો તમારી આગળ હોળી-ધુળેટી જ નહીં, પણ જીવનની વાત કરવી ય નકામી છે. હા, રંગ બોલે છે. પ્રેમ અને લાગણીની જેમ રંગોની પણ ભાષા હોય છે. રંગો હમેશા કંઇક કહેવા આતુર હોય છે, બસ સમજનાર જોઈએ.
અરે, તેનાથી પણ આગળ વધીને કહું તો રંગ મનોવિજ્ઞાન પણ હોય છે જેને અંગ્રેજીમાં કલર સાયકોલોજી કહે છે. ખેર, આ બધું જ્ઞાન શુ કામ આપવું..? સિમ્પલ વાત એ છે કે મારે રંગાવું છે, તમે મને રંગશો ? હું શહેરથી દૂર અહીં મારા ગામડે આવીને બેઠો છું, તમે આને રંગોનું સ્થળાંતર કહી શકો.
અહીં ક્યાંક રેડિયો પર વાગતું ભજન વાગી રહ્યું છે, “અપને હી રંગ મોહે રંગ દે ચુનરીયા, ઐસી રંગ દે….કે..રંગ નહીં છુટે ધોબીયા ધોબે ચાહે સારી… ઉમરીયા…!”
એક ગોપી કૃષ્ણને કહી રહી છે કે તારા રંગથી જ મારી ચૂંદડી રંગી દે..!”
કૃષ્ણ રંગે રંગાવું…સમજાય છે..? અન્ય કોઈ રંગે રંગાવાની જરૂર જ નહીં.
આપ સૌના જીવનને કૃષ્ણ અનેરા રંગોથી રંગે છે. (જે ખુદ શ્યામ છે…બોલો)
કૃષ્ણનું કામ આવું જ છે. તમે મંદિર બનશો તો એ તેમાં રહેલી મુરત બને અને મંદિર પર ફરકરી ધજા પણ બની જાય.
તમે થોડુંક યમુનાનું નીર બની જાઓ, કૃષ્ણ સ્વયં રંગ બનીને તેમાં ભળી જઈને તમારા જીવનને મેઘધનુષી રંગથી રંગી જશે.
તમે શ્રદ્ધા અને વિશ્વાસના એલિમેન્ટ ઉમેરશો તો કૃષ્ણ આશીર્વાદ અને સ્નેહ આપશે.
આ પણ સ્વાનુભવની વાત છે, મારા અન્ય અનુભવની જેમ સ્તો..!”
મૈં બન જાઉં જલ નિર્મલ ઔર, તું બન જા રંગ..
જગ સે હમેં કયા લેના-દેના, ચલ તું મ્હારે સંગ..
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”


















































