यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ॥
જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાંભગવાન અત્યંત ખુશ છે. જ્યાં તેઓ નથી, ત્યાં બધી ક્રિયાઓ નિરર્થક છે.
સ્ત્રી એટલે ઘરનો પાયો કે પછી પરિવારનો પડછાયો? આ પ્રશ્નાર્થ સંપૂર્ણ પણે ખોટું છે! સ્ત્રી એટલે એક એવું વ્યક્તિત્વ જે એકમાત્ર માણસની ઓળખ જ નહિ પરંતુ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ પણ ધરાવે છે. સ્ત્રી વગર શું જગતની રચના શક્ય છે? કે પછી સ્ત્રી વગર ક્યાં ઘરનો પાયો મજબૂત છે? ડગલે ને પગલે, પળેપળે સ્ત્રીની જરૂર પડતી આવી હતી, આજે પણ પડે છે અને આવતીકાલે પણ પડશે!
જે રીતે “પાણી બચાવો”, “વૃક્ષો બચાવો”, “પક્ષી બચાવો” જેવા અભિયાન સરકારે શરૂ કર્યા છે એ એક સારી બાબત છે. પરંતુ આપણા સૌ માટે શરમની વાત તો એ છે કે આજે આપણે એક એવા સમાજમાં વસીએ છીએ જ્યાં “બેટી બચાવો” જેવા અભિયાનોની દિવસે ને દિવસે જાહેરાતો કરવી પડે છે! દુનિયાની વાત કરવા કરતાં આપણા દેશની જ વાત કરું, ૧૦૦૦ જેટલા પુરુષો સામે લગભગ ૯૪૫ જેટલી સ્ત્રીઓ છે. તો શું આ આપણા માટે ગર્વની વાત છે? આના પરથી સીધું અને સચોટ એક તારણ એ નીકળે કે બાકી વધેલા ૫૫ પુરુષોનું જીવન બરબાદ થવાનું છે! અને આ તકલીફ આજે ઓછી થવાને બદલે વધતી જાય છે! દર વર્ષે સ્ત્રીનો જન્મદર ઓછો થતો જાય છે જ્યારે તેની સામે પુરુષનો જન્મદર વધતો જાય છે! આ બધા પાછળ ભૂલ કોની?
ભ્રૂણ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ અને સજા માટે ભારત સરકારે ૧૯૯૪ માં પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ એક્ટ (પીસીપીએનડીટી) પસાર કર્યો હતો. કાયદા અંતર્ગત ભારતમાં હાલમાં કોઈ પણ ગર્ભનું લિંગ પરીક્ષણ કરવું અથવા તેને જાહેર કરવું ગેરકાયદેસર છે. તો શું આ કાયદા અનુસાર સમાજ પાલન કરે છે કે પછી આ કાયદો માત્ર સરકારી ચોપડે બે પૂઠા વચ્ચે જ ધૂળ ખાતો રહી ગયો છે. આજે પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં ગુપ્ત રીતે ભ્રૂણ પરીક્ષણ કરવામાં આવે છે અને જો સ્ત્રી જાતનું બાળક હોય તો તેની ભ્રૂણહત્યા કરવામાં આવે છે! આ બધું કરવા પ્રેરાયેલ સમાજને વિચાર નહિ આવતો હોય કે પોતાનું અસ્તિત્વ એક સ્ત્રીના અસ્તિત્વથી જ છે!
સરકાર પોતાની રીતે અલગ અલગ કાયદાઓ અને યોજનાઓ ઘડી ઘડીને આજે થાકી છે! પરંતુ તેની સામે આપણે શું કર્યું? આજના યુવાઓએ શું કર્યું? રસ્તે ચાલતી સ્ત્રીઓ સામે આજે પુરુષો એ રીતે પોતાની નજર ત્રાસી કરે છે કે પોતાની જાતને પણ ખબર ના પડે! શું આવી રીતે નજર બગાડવાથી સ્ત્રીઓની રક્ષા થઈ શકશે? અને બીજી બાજુ જોઈએ તો કઈકેટલી યોજનાઓ સ્ત્રીના રક્ષણ માટે ઘડવામાં આવી છે. તો શું એ યોજનાઓથી આજે સ્ત્રીઓને રક્ષણ મળે છે? કે પછી એ યોજનાઓ આ સમાજની સ્ત્રીઓ સુધી પહોંચી જ નથી શકતી.
હરેકના મોઢેથી આજે એક વાત સાંભળવા મળે છે કે જેવી સંગત એવી રંગત! આજે માણસની મિત્રો સાથે સંગત જામે એ પહેલાં તો ઈન્ટરનેટ સાથે દોસ્તી થઈ જાય છે! ઈન્ટરનેટ કેટલી હદે આજના યુવાઓને યોગ્ય માહિતી આપે છે? ઈન્ટરનેટના ફાયદાઓ તો ઘણા છે પરંતુ તેની સામે ગેરફાયદા પણ ક્યાં ઓછા છે! સત્ય હકીકત તો એ છે કે, ખરાબ વસ્તુની આકર્ષણ શક્તિ સારી વસ્તુઓ કરતા વધારે હોય છે. અને જેથી, લોકો સારી વસ્તુઓ કરતા ખરાબ વસ્તુઓ પ્રત્યે જલ્દીથી આકર્ષાય જાય છે. અને ખરાબ બાબતોમાં આજે પોર્ન વીડિયો તો ટ્રેન્ડ બની ગયું છે! કેટલાક યુવાનો તો એ જ રેસમાં જીવે છે કે મને મારા મિત્ર કરતાં આ બાબતમાં વધારે ખબર હોવી જોઈએ! અને આવી બાબતોથી આજે રેપ કેસો પણ વધી રહ્યા છે. લોકો રીલ લાઇફ જોઈને રિયલ લાઈફમાં નાટક ભજવવા જાય છે. અને અંતે સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખે છે! એક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પોતાના ઘરની સ્ત્રી પ્રત્યે માન, મર્યાદા અને મોભો.. તો પછી બીજાના ઘરની સ્ત્રી પ્રત્યે ખરાબ નજર કેમ?
વહેલી સવારથી લઇને અડધી રાત સુધી વિના જંખે જે ખોળિયું પોતાના પરિવાર માટે પોતાના સપનાઓને મારી નાખે છે, એ વ્યક્તિત્વને આપણે કેમ આજે સમજી શકતા નથી! શું આપણી સમજશક્તિ ઓછી પડે છે કે પછી આ આપણી પરંપરાઓમાં રહી ગયેલી ખામી છે? મને તો એવું લાગે છે કે આ બાબત આજે આપણા સમાજ માટે એક કલંક છે. હવે આ કલંકને દૂર કરવા દિવસે ને દિવસે આપણી સરકાર નવી નવી ભાતભાતની યોજનાઓ લાવે છે. પરંતુ એ યોજનાઓમાં આપણે કેટલો સાથ આપીએ છીએ?
️દીપ ગુર્જર
Related