‘બાલ મંદિર અને માબાપ’
પહેલા ધોરણના છાત્રો માટે, આ હતો વકતૃત્વ સ્પર્ધાનો વિષય. એક મિનિટના સમયમાં ફક્ત દસ વાક્યો બોલવાના હતા. તદઉપરાંત, સ્પર્ધા માટે બધા બચ્ચાઓના માબાપને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જ્યારે નાનકડા રાજુનો વારો આવ્યો તો એણે ઊંડો શ્વાસ લીધો અને સ્ટેજની વચ્ચોવચ, માઈકની સામે આવીને ઉભો રહી ગયો. બોલવાનું શરૂ કરે તે પહેલાં એણે પ્રેક્ષકોમાં નજર ફેરવી. મમ્મી પપ્પા બન્ને ને જોઈને એના મોઢા પર એક મોટું સ્મિત આવી ગયું, અને રાજુએ એ લોકોની સામે હાથ લહેરાવ્યો. તેણે અભિવાદન કર્યા પછી પોતાની સ્પીચ શરૂ કરી. એટલું મધુર અને મીઠું બોલ્યો કે દર્શકોમાં તાળીઓની ગળગળાટ ગુંજી ઉઠી.
બધાને એમ કે હવે બીજું બાળક બોલવા આવશે, પણ રાજુ એની જગ્યાએથી ન હટ્યો. એ એના મમ્મી પપ્પા સામે જોઈ રહ્યો હતો. જ્યારે એની શિક્ષિકા તેને અંદર લઈ જવા આવી, તો તેણે જોયું કે રાજુની આંખમાં આંસુ હતા. રાજુએ શિક્ષિકાને કહ્યું,
“મને હજી કાંઈક બોલવું છે મેડમ, પ્લીઝ.”
શિક્ષિકા એ હામી ભરી અને થોડી દૂર ઉભી રહી ગઈ.
રાજુએ બોલવાનું શરૂ કર્યું.
“થોડા ટાઈમ પહેલા બધું સારું હતું. હું ખૂબ ખુશ હતો, પણ પછી ખબર નહીં, શું થઈ ગયું. હવે હું મમ્મી સાથે નાનીના ઘરે રહું છું. પપ્પા ક્યારે ક્યારે મળવા આવે છે. હવે મને બન્ને એક સાથે નથી મળતા. ક્યારેક મમ્મી હોય છે તો ક્યારેક પપ્પા.”
રાજુ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો અને આસું લૂછતી વખતે છેલ્લો વાક્ય બોલ્યો,
“પણ મને બન્ને જોઈએ છે. પ્લીઝ!”
પ્રેક્ષોકોમાં સન્નાટો છવાઈ ગયો અને રાજુના મમ્મી પપ્પાનું દિલ બેસી ગયું. ઘરે જતી વખતે કારમાં બધા ચૂપચાપ બેઠા હતા. એક વણાંક આવ્યો અને રાજુના મમ્મીએ રાજુના પપ્પાને કહ્યું,
“કાર આપણા ઘર તરફ લઈ લ્યો. રાજુ અને મારો સામાન આપણે પછી જઈને લઈ આવી શું. પણ હવે આપણું સરનામું ફરીથી એક જ રહેશે.”
રાજુના પપ્પાના મોઢે સ્મિત અને હૃદયમાં ખુશીની લહેર નાચી ઉઠી. અને રાજુ? તેણે ટ્રોફી બાજુ પર મૂકી, અને તાળીઓ વગાડતા ઉછળી પડ્યો.
શમીમ મર્ચન્ટ


















































