મંત્ર અને જપ
મંત્ર અને જપ શું છે? અને એ કેવી રીતે અને ક્યાં સમયે કરવા? આ સવાલ થાય એ સ્વાભાવિક છે.
મંત્ર એટલે શું?
મંત્ર એટલે ‘જેનું સતત મનન અથવા ચિંતન કરવાથી ભવ બંધનથી મુક્તિ મળે, સફળતાના માર્ગ પર આગળ લઈ જાય એ મંત્ર’. આ શાસ્ત્રોક્ત વાત થઈ પણ મારી સરળ ભાષામાં કહું તો ‘જેનું સતત મનન મનને શાંતિ આપે’ એ મંત્ર.
જપ એટલે શું?
મૂળ શબ્દ જપ છે પણ શબ્દનો અપભ્રંશ થતાં કોઈ એને જાપ કહે છે. જપ એટલે જ અને તે જન્મનું રોકાઈ જવું તથા પ એટલે પાપનો નાશ કરનાર. આમ, પાપનો નાશ કરી જન્મ-મૃત્યુના ચકકરથી મુક્તિ આપે તે જપ.
દેવી, દેવતાઓને પ્રસ્ન્ન કરવા માટે કે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરવો સૌથી વધારે અસરકારક છે. મંત્રોને સિદ્ધ કરી તેનો જાપ કરવાથી માનવને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. મંત્રોને સનાતન સંસ્કૃતિમાં વિશેષ શક્તિ માનવામાં આવે છે. મંત્રોમાં શબ્દો અને તેની આવૃત્તિઓનો વિશેષ ક્રમ હોય છે અને તેમાં દરેક અક્ષરનું પ્રતિનિધિત્વ દેવતા કરે છે અને એમાં પણ તપસ્વી ગુરૂએ મંત્રદીક્ષા સમયે જે પણ મંત્ર આપ્યો હોય તેનાં શ્રદ્ધાથી જાપ કરવાથી તેનું વિશેષ ફળ મળે છે. તેનાથી આપણાં કાર્યો સંપન્ન થાય છે તેમજ આધ્યાત્મિક માર્ગે જતાં ઇશ્વર તરફ જવાનો આપણો માર્ગ સરળ બને છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે જ્યારે આપણે મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે દેવી દેવતાઓ સુધી તે પહોંચે છે અને ત્યારબાદ મંત્ર જાપનું ફળ જે તે વ્યક્તિને મળે છે પરંતુ મંત્રોના ઉચ્ચારણમાં વિશેષ સાવધાનીઓ રાખવી જરૂરી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંત્ર જાપ માટે સૂર્યોદયનો સમય શ્રેષ્ઠ હોય છે. માનવ જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૂર્યોદયના સમયે મંત્ર જાપ કરવો શ્રેષ્ઠ રહે છે. મંત્રનો સંકલ્પ લઈ જાપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ રોજ પૂજા પણ કરવી જરૂરી છે.
ઈષ્ટદેવના મંત્રનો જાપ કરો અને સાથે તેમની પૂજા કરવી અનિવાર્ય છે. ઈષ્ટદેવની પૂજા ન કરવામાં આવે તો મંત્ર જાપનું ફળ મળતું નથી. મંત્ર જાપ એકાગ્રતા સાથે કરવા પણ જરૂરી છે. ક્રોધ કરવો, છીંક ખાવી, પગ લાંબા કરી બેસીને મંત્ર જાપ કરવા જોઈએ નહીં. આમ કરવાથી મંત્ર જાપનું વિપરિત ફળ મળે છે.
~ Mansi Desai


















































