વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ. આ પવિત્ર તિથિને અક્ષયતૃતીયા પણ કહે છે. આ પવિત્ર દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુ પરશુરામ ના રૂપમાં ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર તરીકે અવતર્યા. શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંધમાં તેમજ વિષ્ણુ પુરાણમાં પણ પરશુરામ ચરિત જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી હતી એટલે કે તમામ ક્ષત્રિયોનો સંહાર કરી નાખ્યો હતો, પરંતુ શા માટે? એવું તો કયું કારણ હતું કે એક શાસ્ત્રધારી બ્રાહ્મણને શસ્ત્ર ઉગામવામાં માટે વિવશ થવું પડ્યું ?તેની પાછળ બહુ મોટું કારણ છે.
તે વખતે હૈહય વંશનો ક્ષત્રિય રાજા કાર્તવીર્ય શાસન કરતો હતો કાર્તવીર્યને એક હજાર હાથનું વરદાન પ્રાપ્ત થયું હતું તેના કારણે તે વધુ ઉદ્ધત, અહંકારી અને તમોગુણ બની ગયો હતો. પ્રજાના રક્ષકને બદલે ભક્ષક બની ગયો હતો એટલે કે પ્રજાનું શોષણ કરવા લાગ્યો હતો. જ્યારે પણ ક્ષત્રિય શાસક રક્ષક ને બદલે ભક્ષક બનેત્યારે અવતાર થાય છે. ભગવાને ગીતામાં વચન આપેલું છે કે “પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ”… આમ અધર્મી બનેલા તે વખતના શાસક હૈહય વંશના કાર્તવીર્ય નો સંહાર કરવા માટે શ્રી હરિ વિષ્ણુએ પરશુરામનો અવતાર ધારણ કર્યો. પરશુરામના પિતા જમદગ્નિ નો આશ્રમ ગુજરાતના નર્મદા કિનારે આવેલો હતો તે આશ્રમની ગાય કામધેનુનું રાજા કાર્તવીર્ય અપહરણ કરી ગયું. આથી ક્રોધમાં આવીને પરશુરામજીએ તેનો વધ કર્યો અને તેના સૈનિકોનો પણ સંહાર કર્યો અને કામધેનુને મુક્ત કરી આશ્રમમાં પાછા લાવ્યા. કાર્તવીર્યના વધથી તેના પુત્રો ગુસ્સે ભરાયા અને બદલો લેવા માટે એક દિવસે કપટ વેશે આશ્રમમાં આવ્યા. ઋષિ જમદગ્નિ સમાધિસ્થ અવસ્થામાં હતા તેમનું મસ્તક કાપી નાખ્યું અને લઈ ગયા. આ કારણથી ક્રોધાવેશમાં આવીને ભગવાન પરશુરામજી સમગ્ર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી ત્યાર પછી હૈહય વંશનો સંહાર કરીને પોતાના રાજ્યની સ્થાપના કરી પ્રજાનું યોગ્ય રીતે પાલન પોષણ કર્યું અને ત્યારબાદ કાર્તવીર્ય ના સંહારનું પણ પ્રાયશ્ચિત કરી પોતાનું અવતારી કાર્ય પૂર્ણ કરીને તેઓ એક ધ્યાનસ્થ તપસ્વી બની ગયા. ભારતમાં અનેક સ્થળોએ પરશુરામજી ના મંદિરો છે ગુજરાતના નર્મદા કિનારે તેમનો તપસ્યા સ્થળ આવેલું છે જે પરશુરામ તીર્થ તરીકે જાણીતું છે ._અસ્તુ
-હર્ષા ઠક્કર.


















































