“તમે લોકો તો બિલ્કુલ ના સુધર્યાં.. હજી એવા ને એવા જ ગામડિયા રહ્યા.. આમ અમારે મુંબઇમાં આવો અને જોવો દુનિયા ક્યાાંની ક્યાં પહોંચી ગઈ છે.. અને વિવેક, તમને આવું ગામડિયું રહેવું કેમ ગમે? જરા પણ સુધર્યાં જ નહીં.. મને તો એવું લાગે છે કે આ ઉનાળુ વેકેશનમાં હું તમારી સાથે છોકરાને ગામમાં લઈને આવી એ મારી જીંદગીની સૌથી મોટી ભૂલ છે ભૂલ.” નિમિષા ફળિયામાં ખાટલા પર બેઠા બેઠા બોલી.
લાઉડ સ્પીકરમાં જાહેરાત થાય છે.
“ગામના બધા બાળકો પોત પોતાના ઘરેથી થાળી વાટકા લઈને ગામના પાદરે હનુમાન દાદાની દેરી પાસે આવી જાવ.. બટુક ભોજન શરૂ થવા જઈ રહ્યું છે..” લાઉડ સ્પીકરમાં જાહેરાત બંધ થઈ અને હનુમાન ચાલીસા શરૂ થઈ.
નિમિષા દોડીને અંદરથી થાળી વાટકો લઈને એના છોકરા મોનિલનો હાથ પકડીને ભાગી.
“નિમી, હવે કોણ બની ગયું ગામડિયું કે તો જરા મને!” વિવેકે એને રોકતા પૂછ્યું.
“વિવેક, અત્યારે મને જવા દો, મારે ફટાફટ લાઇનમાં ઊભું રહી જવું છે. આજે વર્ષો પછી એ બટુક ભોજનનું રસાવાળું બટેટાનું શાક, ગૂંદી – ગાંઠિયા, ખમણ ખાવા મળશે જે હું નાની હતી ત્યારે પેટભરીને ખાતી..” નિમિષા વિવેકને ધક્કો મારી ગામના પાદરે જઈને સૌથી પહેલી લાઇનમાં ઊભી રહી ગઈ.
વિવેક એને જોતો મનમાં વિચારતો રહી ગયો કે બટુક ભોજનના કારણે આજે એને એની જૂની નિમિષા પાછી મળી ગઈ.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































