ઈશ્વરનું સૃષ્ટી ઉપરનું દ્રશ્યમાન સ્વરૂપ એટલે માતા પિતા.
મહેશના માતા પિતાએ એકના એક પુત્રને ખૂબ ભણાવ્યો.મહેશ પણ ખૂબ મહેનતુ.પોતાની મહેનતથી મોટો ઓફિસર બન્યો. માતા પિતા સાથે મોટાં શહેરમાં રહેવા આવ્યો.લગ્ન પણ ખૂબ સારી કન્યા સાથે થયાં.
ધીમે ધીમે સમયનો પ્રવાહ વહેતો ગયો. મહેશનો પરિવાર મોટો થયો.મહેશના સંતાનો પણ મોટાં થવા લાગ્યાં. પરિવારમાં નાનાં મોટાં પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યાં.ધીમે ધીમે પ્રશ્નોએ ઘરમાં કંકાસનું સ્વરૂપ ધારણ કર્યું.વધુ સમય કામમાં વ્યસ્ત રહેતો મહેશ,ઘરમાં પ્રવેશતા બાળકો,પત્ની,અને માતા પિતાના ઘર કંકાસની વાતો સાંભળી, ખૂબ મનોમંથનનાં અંતે કંઇક નિર્ણય ઉપર આવ્યો.
માતા પિતાને લાંબી જાત્રા કરવા માટેની ટિકીટ કરાવી આપી.ઘર અને બહાર બધાં ને આ રીતે જાણ કરી, માતા પિતાને, સામાન સાથે લઈ મુકવા માટે જાય છે.
વૃદ્ધાશ્રમના દરવાજા પાસે આવી ગાડી ઉભી રાખી. વૃદ્ધાશ્રમ જોતા જ માતા પિતા ઘણું બધું સમજી ગયાં. મહેશ માતા પિતાના ચરણો પકડી, અશ્રુ ભીની આંખે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આજીજી કરતાં કહ્યું, “તમારા માટે અહીંયા સ્પેશ્યલ રૂમની વ્યવસ્થા કરી અહીંયા તમને કંઇજ મુશ્કેલી નહીં પડે.”નોટોની થપ્પી પિતાના હાથમાં મુકતા, હું દર મહિને તમને મળવા આવીશ.
બસ એક વિનંતી કરું છું,”તમે બન્ને કોઈને પણ અહીંયા રહો છો,એવી જાણ ના કરતાં.”
માતા પિતા પુત્રની દ્વિધા સમજી ગયાં. જરા પણ દુઃખ વ્યક્ત કર્યા વિના પુત્રને આશ્વાસન આપતાં કહે,” બેટા તું અમારી ચિંતા ના કર,અમે તારી આબરૂને આચ્ આવવા નહીં દઈએ. તું ઘરે જા,તારા પરિવાર સાથે આનંદથી જીવન પસાર કર.”
બસ અંતમાં અમારી એક વાત સાંભળ,આ તારા મોંઘાં મોંઘાં કપડાં, સામાન,પૈસાની અમને જરૂર નથી.આ બધું તું અહીંયા રુમમાં સાચવીને મુકી દે.કદાચ ભવિષ્યમાં તારા સંતાનો તારા માટે આટલી વ્યવસ્થા પણ ના કરી આપે તો, તને ઉપયોગી થશે.અમે બંને અહીંયા રહી તારી આબરૂને દાગ નહીં લાગવા દઈએ. દૂર જતાં રહીશું.,જ્યાં અમને કોઈ ઓળખતું ન હોય. તારા પરિવાર અને સગા સંબંધીઓને થોડાં સમય પછી જાણ કરજે, માતા પિતા ખૂબ દૂર જાત્રા માટે ગયાં છે,ત્યાં એમને ગમી ગયું હોવાથી ત્યાં જ રહેવાના છે.મહેશ માત પિતાની વાત સાંભળી ગદગદ થઈ ગયો.
મહેશ માતા પિતાને હંમેશા માટે દૂર, જતાં જોઈ રહ્યો….!
હેમલતા દિવેચા..


















































