” અમોને નાખો જિંદગીની આગમાં, ફેરવીશું આગને પણ બાગમાં ;સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.” ~ શેખાદમ આબુવાલા
આજે એક સર્વ સામાન્ય ટોપીક ઉપર થોડી ચર્ચા કરવાનું મન થાય છે જે ટોપિક વર્તમાન સમયનો વૈશ્વિક પડકાર બની ગયો છે. હા, વાત કરવી છે કો વી ડ19- કોરોનાવાયરસ ની સાથે જીવતા શીખવાની. આપણે તેની સાથે જીવીને જ તેને મ્હાત આપવી પડશે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ના વડા એ કહી દીધું છે કે, હજી તો દુનિયામાં કોરોનાના વિસ્તરણની શરૂઆત થઇ છે. સ્થિતિ વધુ બગડવાની સંભાવના છે .આના પછીના તબક્કાઓ વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે.
આપણને ખબર નથી કે કોરોના વાયરસની સાથેની આપણી આ લડાઈ કેટલી ચાલશે તેથી આપણે તેની સાથે જીવતા શીખી લેવું પડશે અને તેને હરાવવો પડશે. આ માટે લોકોએ પોતાની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. પોતાની રહેણીકરણીમાં ફેરફાર કરવો પડશે. કોરોનાને નાથવાની કોઈ vaccine – રસી હજી સુધી બની નથી તેથી આપણે આપણા શરીરની રોગ રોગપ્રતિકારક શક્તિ – ઈમ્યુનિટી પાવર વધારીને તેને આપણાથી દૂર રાખવો પડશે. આના માટે આપણે પહેલા જેવું સાત્વિક જીવન અપનાવવું પડશે .ફાસ્ટ ફૂડ, જંક ફૂડ , તથા માંસાહારને રજા આપીને શુદ્ધ સાત્વિક આહાર લેવો પડશે. મોડી રાત સુધી ઉજાગરા કરીને પાર્ટીઓ યોજવી, પાર્ટીના નામે કલાકો સુધી દારૂ સિગરેટ કે અન્ય ડ્રગ્સનું સેવન કરવું હવે પરવળસે નહીં કારણ કે આ બધી વસ્તુઓ સરવાળે આપણા આંતરિક અંગોને નબળા પાડીને રોગપ્રતિકારક ક્ષમતા ઘટાડે છે. કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુઆંક તપાસીએ તો ખબર પડે છે કે મોટાભાગના લોકો કાં તો જીવલેણ બીમારીથી પીડાતા હતા કાં તો ફેફસા કે શ્વસનતંત્રની બીમારીથી પીડાતા હોય તેવા લોકો જ મૃત્યુ પામ્યા છે. બાકી નાનાથી માંડીને મોટા લોકો કોરોના ને મ્હાત આપીને પાછા આવ્યા છે.
હા, તો વાત છે આપણી લાઈફ સ્ટાઈલ – જીવનશૈલી બદલાવવાની. આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, ઋતુ પ્રમાણે ની દિનચર્યા, આહાર-વિહાર પર સંયમ, યોગ -પ્રાણાયામ નો અભ્યાસ વગેરે અપનાવીને આપણે સક્ષમ બનીએ. આ બીમારીને કારણે આપણે ઘણું બધું આર્થિક નુકસાન ભોગવ્યું છે. અને આગળના ઘણા વર્ષો સુધી આપણે તેની ભરપાઈ પણ કરવાની છે અને તેથી જ તો મને વર્ષો પહેલાની મારી ડાયરીમાં નોંધેલી ઉપરોક્ત પંક્તિઓ આજના સમય માટે સાર્થક લાગી. આપણે સૌ ધીરજપૂર્વક ફરજોનું પાલન કરીને ,સામાજિક જવાબદારીઓ અદા કરીને, આ સંકટ સામે લડીએ. ઈશ્વર સૌને આ પડકાર ઝીલવાનું સામર્થ્ય આપે તેવી પ્રાર્થના.
અસ્તુ
– હર્ષા ઠક્કર


















































