“તો બચ્ચાઓ, હમણાં જે નૈતિક વાર્તા મેં તમને કહી, એ કઈ કહેવત તરફ ઈશારો કરે છે?”
માનસને જવાબ આવડતો હતો, પણ વાર્તા સાંભળીને તે સુન પડી ગયો. ક્લાસના બીજા ખૂણામાંથી રાહુલે હાથ ઊંચો કરતા જવાબ આપ્યો,
“મિસ, કહેવત છે, ઘર કા ભેદી લંકા ઢાએ.”
કહેવત કાનમાં પડતા જ, માનસને પોતે દોષિત હોવાના એહસાસ સાથે મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઉભું થયું, જેણે એને પોતાની પકડમાં જકડી લીધું.
“શું આ કહેવત મારા ઉપર લાગુ પડે છે? શું હું મારી ટીમ સાથે ગદ્દારી કરી રહ્યો છું? શું એક મામુલી રકમની લાલસામાં, હું મારા મૂલ્યો વહેચી રહ્યો છું?”
આંતરશાળા ફૂટબોલ સ્પર્ધા થવાની હતી, અને ટોપનો ખેલાડી હોવા છતા, એમના સ્કૂલના કોચે, આઠમી વર્ગના માનસ અધિકારીને ટીમનો કપ્તાન ન બનાવ્યો. એમનું એવું કહેવું હતું કે…
“માનસ, તું એક નંબર નો ખિલાડી છે, પણ ટીમને સાથે લઈને આગળ ચાલવાનું, વિરાટ વધુ સારી રીતે કરી શકશે.”
છેલ્લા બે મહિનાથી આ વાતનો ગુસ્સો માનસને અંદરથી ખાઈ રહ્યો હતો. આવેશમાં આવીને, એણે સામે પ્રતિસ્પર્ધીને, પોતાના ટીમની ખાનગી માહિતી શેર કરવાનું વચન આપ્યું. આજે સ્કુલ પછી એ લોકો માનસને મળવાના હતા.
હવે તે દુવિધામાં મુકાઈ ગયો. નૈતિકતા અને બદલાની ભાવના વચ્ચે પિસાઈ રહ્યો હતો. સ્પર્ધકોનું ટોળું સામેથી આવી રહ્યું હતું. બધા છોકરાઓના મોઢા પર મીંઢું સ્મિત જોઈને માનસના ગુસ્સાનું કારણ બદલાઈ ગયું. નુકકડના એક ખૂણામાં બધા ભેગા થયા. સામેવાળી ટીમના કપ્તાને ખિસ્સામાંથી એક પરબિડીયું કાઢીને માનસને લલચાવતા કહ્યું, “કંઈક સારી વિજય થવાની ટીપ આપજે.”
માનસે ગર્વથી જવાબ આપ્યો,
“તારા પૈસા નાખ તારા ખીચામાં અને મારી ટીપ રહેશે મારા દિલમાં. મને ‘ઘર કા ભેદી લંકા ઢાએ’ નું ખિતાબ નથી જોઈતું.”
બધા ચૂપ થઈ જોઈ રહ્યા, અને માનસ હૃદયમાં સુખ અને રાહત અનુભવતા, ત્યાંથી ચાલ્યો ગયો.
શમીમ મર્ચન્ટ,


















































