આ નુગરો એટલે શું, અને આવા નુગરા માણસ ને ઓળખવાના એંધાણો શું શું હોઈ શકે?
નુગરા જણ ની નવ નિશાનીઓ વર્ણવાનો પ્રયાસ કર્યો છે…
1) આપેલું ઊગે નહીં,
અખંડ અવગુણ ગાય,
ધીર્યેય ન ધરાય’
ઇ નક્કી નિશાની નુગરા તણી.
2) ભોળવીને ભૈયાપો કરે,
પછી ખંખેરીને ખાય!
પ્રપંચે પોરહાય,
ઇ નક્કી નિશાની નુગરા તણી
3) ઉઠતાં ઓહણ ખોતરે ,
ભરમાવે ભેળો રઇ,
લાજ કે શરમ નંઇ,
ઇ નક્કી નિશાની નુગરા તણી
4) નીરખેથી નમાલો ઠરે,
પણ હૈયે રાખે હાણ,
થાય જાણીને અજાણ,
ઇ નક્કી નિશાની નુગરા તણી
5) આગળ આવી ઉમંગ કરે,
વાંહે વેરી થાય ,
કરગરતો કતરાય,
ઇ નક્કી નિશાની નુગરા તણી
6) શુભ અવસરે જ સાચવે, નુગરાવટ ની વાટ,
પછી’ ઘડે કમધા ઘાટ,
ઇ નક્કી નિશાની નુગરા તણી
7) પારકાંના પગમાં પડે ,
શેણે સામો થાય,
કુલખણે ના લોપાય,
ઇ નક્કી નિશાની નુગરા તણી
8) વિરોધીથી વાલપ કરે,
ને ઘરેણીયા થી ઘાત ,
કાયર ને કમજાત,
ઇ નક્કી નિશાની નુગરા તણી
9) કાળોતરો ને કાબરો,
વિષિયલ વશમાં થાય,
પણ સદાય છટકી જાય,
ઇ નક્કી નિશાની નુગરા તણી
નવે નિશાની નુગરા તણી,
જેની શબ્દો પૂરે શાખ,
નિજાનંદ કહે નારાયણા,
એવા નુગરાથી નોખો રાખ.



















































