“ક્યારેક રાજા બની જાય રંક તો ,
ક્યારેક રંક બની જાય રાજા,
જેના નસીબમાં જ હોય વાંધા,
તેના ક્યાંથી જોડાય સાંધા,
ને,જેને નસીબનો હોય સાથ,
એનો સૌ કોઈ ઝાલે હાથ.”
નસીબ ઉપર લખેલ આ પંક્તિઓ વાંચતાની સાથે જ લગભગ ઘણાં બધા આ બાબત સાથે સહમત થઇ જ ગયા હશે,ખરું ને? કારણ,માણસના જીવનમાં કયા સમયે શું થઈ જાય એ ક્યારેય નક્કી નથી હોતું.જીવનમાં ક્યારેક લાખો રૂપિયા આવી પણ જાય ને,લાખો લુટાઈ પણ જાય.એકદમ હસતી-રમતી આ જિંદગી કયારેક દુખના વમળમાં વીંટાઈ પણ જાય અને કયારેક એકદમ શુષ્ક દેખાતી જિંદગીમાં અચાનક સુખરૂપી ફૂલો ખીલી જાય,આવું બનતા આપણે ઘણીવાર જોયું હશે! આપણી નજરની સામે જ આપણે ઘણા લોકોના સુરજ અચાનક આથમતા તો અચાનક ઉગતા પણ જોયા જ હશે.જીવનના આ અણધાર્યા વળાંકોને આપણે નસીબનું નામ આપીએ છીએ. કોઈના જીવનમાં અચાનક બધું એકદમ સારું થઇ જાય તો આપણે કહીએ છીએ કે “આના તો નસીબ બહુ જ જોર કરે છે”કોઈ વ્યક્તિના જીવનમાં અચાનક આવેલી એ સુખની પળોને આપણે સૌ નસીબ સાથે જોડી દેતા હોઈએ છીએ.પરંતુ અહી મને બસ એક જ સવાલ થાય છે કે,ખરેખર કોઈના જીવનમાં નસીબ જેવું કઈ હોય છે ખરું? અને જો આ વાત સાચી છે તો ક્યારેય તમે કોઈ એવો કિસ્સો સાંભળ્યો છે કે જેમાં કોઈ માણસને બેઠાબેઠા કરોડો રૂપિયા મળી ગયા હોય?(કૌન બનેગા કરોડપતિમાં મળે છે પણ તેના માટે આપણું હોશિયાર હોવું ખુબ જરૂરી છે!) વગર મહેનતે ,વગર પ્રતિભાએ કે કોઈપણ જાતના સંઘર્ષ વગર જીવનમાં કઈપણ મેળવવું અશક્ય છે.કોઈના જીવનને અધૂરું સાંભળીને કે અધૂરું જોઇને તે વ્યક્તિની સફળતાને નસીબનું નામ આપણે કેવી રીતે આપી શકીએ? આપણે એવા પણ ઘણાં લોકો જોયા હશે કે જેઓ બે નંબરના રૂપિયા કમાઈને રાતો રાત કરોડપતિ થયા હશે,પરંતુ આ શોર્ટ કટનો રૂપિયો જે “જેટલો હસતાં-હસતાં ઘરમાં લાવે છે એટલો જ રોઈ-રોઈને તેને ભોગવવો પડે છે.”હવે આવી સફળતાને પણ જો તમે નસીબનું નામ આપતા હોવ તો આવી સફળતા કે આવું નસીબ શું કામનું? આવા કામો કરીને જયારે દુખના દિવસો આવે ત્યારે કહીએ કે “અત્યારે તો મારું નસીબ બહુ જ ખરાબ ચાલે છે” પરંતુ આવા સમયે પણ નસીબ ને દોષ આપવો ખોટો,અરે! આ તો કર્મોનો હિસાબ છે જે આ જન્મે જ ચૂકવવો પડે છે.
“નસીબનો આ ખેલ કે જેનો ક્યારેય ન મપાય મેળ” નસીબના ખેલ કરતા જો આને ભગવાનની ઈચ્છા સમજીશું તો ભગવાનનું આપણી આસપાસ હોવાનો એક એહસાસ જરૂર કરી શકીશું,અને દુખો સાથે લડવાનો કોઈ ને કોઈ માર્ગ જરૂર મેળવી શકીશું.આખી જિંદગી નસીબને દોષ આપવાથી કઈ જ નહી થાય.જીવનમાં ક્યારેક એવી પણ ક્ષણ આવે છે જેમાં માણસ અણધારી સફળતા મેળવતો હોય છે.કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હોય એવું ક્યારેક કોઈની સાથે બનતું હોય છે.અહી મને હાલનો જ બનેલો એક કિસ્સો યાદ આવે છે,તમે બધા પણ આ વિષે જાણો જ છો,હા! આ કિસ્સો છે રાનુ મંડળનો.રેલ્વે સ્ટેશન ઉપર ગીત ગાતા-ગાતા અચાનક જ બોલીવુડમાં ગાવાનો જેને ચાન્સ મળી જાય છે.હાલમાં social mediaમાં તમે રાનુ મંડળના જીવનની થતી ચર્ચાઓ વિષે ઘણુબધું સાંભળ્યું પણ હશે.આ વાત સંભાળીને કે જોઇને તમને એમ જ થયું હશે ને “કે યાર,શું નસીબ છે! ૫૯ વર્ષની ઉમરે રેલ્વે સ્ટેશન ઉપર “એક પ્યાર કા નગમા હૈ” ગીત તેને ગાતા જોઇને એક માણસ તેનો વિડીયો ઉતારીને social media ઉપર viral કરે છે અને જોત-જોતામાં એક જ દિવસમાં લાખો લોકો સુધી તેનું ગીત પહોચી જાય છે અને એ ગીત viral થયાના એક મહિનામાં તો તે બોલીવુડ સુધી પહોચી જાય છે.આખા દેશમાં એક celebrity તરીકે તે ફેમસ થઇ જાય છે.ખરેખર આ કિસ્સો આ સાંભળીને તો એમ જ થાય કે આને નસીબ ન કહીએ તો શું કહીએ? પરંતુ આપણે ક્યારેય નસીબથી હટીને આ બાબત અંગે વિચારવાનો પ્રયત્ન કર્યો છે? નસીબ પણ એનો જ સાથ આપે છે જે મહેનત કરે છે.સફળતા ક્યારેય નસીબના જોરે નહી પણ મહેનતના જોરે મળે છે.મહેનતની સાથે સાથે ધીરજ પણ એટલી જ અગત્યની છે. રાનુ મંડળને પહેલેથી જ ગાવાનો ખુબ શોખ હતો,ભગવાને તેને સારી પ્રતિભા પણ આપી હતી.જવાનીના દિવસોમાં તે બીયર બારમાં ગાવા જતી હતી,પરંતુ તેના માતા-પિતાને આ કામ પસંદ ન હતું જેથી તેમણે તેનું આ કામ છોડાવી દીધું હતું.આગળ જઈને તેના લગ્ન કરાવી દીધા અને નાની જ ઉમરમાં તેનો પતિ મૃત્યુ પામે છે.રાનુ મંડળની દીકરી પણ તેને પરણાવ્યા પછી તેની માતા સાથેના બધા સંબંધ તોડીને જતી રહે છે.આટલું બધું થઇ ગયા પછી પણ રાનુ મંડળ પોતાના ગાવાનો શોખ ચાલુ જ રાખે છે અને રેલ્વે સ્ટેશન ઉપર પોતાનું ગીત સંભળાવીને તેના દ્વારા પોતાનું પેટ ભરતી હોય છે.એક દિવસ તેનો સુરીલો અવાજ પેલા માણસના કાને પડે છે અને ત્યાંથી એ માણસના વિડીયો દ્વારા એ અવાજ લાખો લોકો સુધી પહોચે છે.તેના અવાજને લઈને તે બોલીવૂડ સુધી પહોચી ગઈ.જિંદગીના આટલા બધા સંઘર્ષ પછી પણ પોતાના શોખને તેણે પોતાના જીવનમાં ટકાવી રાખ્યો હતો.આટલી ગરીબીમાં પણ પોતાના ચહેરા ઉપર એક સરસ મજાનું સ્મિત રાખીને પોતાના ગીતને સંભળાવનાર એ વ્યક્તિને ફક્ત પોતાના નસીબના જોરે આગળ વધી ગઈ એવું કહેવું,ખરેખર અપમાન જનક રહેશે.
જીવનમાં આપણે ધાર્યું હોય તેવું ઘણીવાર નથી પણ બનતું.પરંતુ આવા સમયે આગળ વધીને મહેનત કર્યા સિવાયનો કોઈ રસ્તો જ નથી.મહેનતથી અને સતત કાર્યરત રહેવાથી જ તમે નવા રસ્તા શોધી શકશો.નસીબ ક્યારેય ઊડતું-ઊડતું આવીને તમને કઈ જ નહી આપી જાય.થોમસ આલ્વા એડીશનએ ૧૦૦૦૦ વખત પ્રયત્ન કર્યા પછી બલ્બની શોધ કરી હતી.તેમને નસીબ ખરાબ છે તેમ કહીને વચમાં જ બધા પ્રયત્નો મૂકી દીધા હોત તો ક્યારેય સદીના સૌથી મોટા વૈજ્ઞાનિક બની શક્યા ન હોત.સોનાને આગમાં તપાવ્યા પછી જ એક યોગ્ય ઘાટ અપાય છે,હવે આવા સમયે સોનું જો એમ ફરિયાદ કરે કે મારા તો નસીબ જ ખરાબ છે.મારે જ રોજ આગમાં તપવું પડે છે.સોનાને પણ ખબર છે કે મારી શ્રેષ્ઠ કિંમત વસુલવા મારે આગમાં તપવું જ પડશે.નસીબ પણ એનો જ સાથ આપે છે કે જે પુરુષાર્થ કરે છે.
આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકદમ સામાન્ય પરિવારમાં જન્મ્યા છતાં પણ તેમની મહેનત અને તેમના સંઘર્ષને લીધે અને ભગવાનની કૃપાને લીધે એક સામાન્ય વ્યક્તિમાંથી ભારત દેશનાં મહાન વડાપ્રધાન બની શક્યા.આવા મહાન વ્યક્તિઓના જીવનમાં નસીબ નામનો શબ્દ ક્યારેય હોતો જ નથી.આની સામે આપણે એવા પણ લોકો જોયા હશે કે જેઓ ગમે તેટલી સુખ-સગવડોમાં કે ગમે તેટલા મોટા પરિવારમાં જન્મ્યા હોવા છતાં પણ પોતાના જીવનમા કઈ જ નથી કરી શકતા.માણસના પોતાનામાં જ કઈ ન હોય તો ગમે તેટલો રૂપિયો પણ તેને સફળતા નથી અપાવી શકતું.માણસની પોતાની ભૂલોનો દોષ આવા સમયે નસીબને ના અપાય! માણસે કરેલા કર્મો પણ માણસને ક્યારેય છોડતા નથી.જીવનના આ હિસાબો જયારે ચૂકવવાના આવે ત્યારે તેને નસીબનું નામ આપવું એ તદન ગેરવ્યાજબી ગણાય.
જીવનમાં ક્યારે શું થશે?એની કોઈને ખબર નથી, પરંતુ જીવનમાં આગળ વધવા હવે શું કરવું અને જીવનમાં કઈક અજુગતું થઇ ગયા પછી બધું ભૂલીને હવે આગળ કેવી રીતે વધવું ,એની ખબર તો આપણે જ રાખવી પડશે.કોઈ વ્યક્તિની સફળતાને નસીબનું નામ આપવા કરતા જો તેની મહેનત અને સંઘર્ષોની ગણતરી કરીશું તો જ તેની સફળતાનો સાચો અંદાજ પામી શકીશું.
-ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ


















































