“આજે મારુ જીવન સંપૂર્ણ થયું, ખૂબ ખૂબ આભાર મીતા તારો. તે આજે મને ખૂબ જ ભાગ્યશાળી બનાવી દીધો છે.” હર્ષદ આજે ખૂબ ખુશ છે અને આ એના જ શબ્દો દર્શાવે છે કારણ એક જ છે આજે હર્ષદ અને મીતાના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. “મારી દીકરી, મારી લાડલી, મારો જીવ, મારી આત્મા.” હર્ષદ તો જાણે આજે સાવ ઘેલો થઈ ગયો છે અને પોતાની વ્હાલસોયી દીકરી ને બસ એકીટશે જોયા જ કરે છે.
હર્ષદે પ્રેમથી તેની પત્નીનો હાથ પકડીને કહ્યું. “મીતા, આજે મારુ ઘર પવિત્ર થયું છે, આજે બસ મને હવે સર્વસ્વ મળી ગયું છે.” દિકરી રમતા રમતા મોટી થાય છે અને તેના પિતાની ખૂબ જ લાડલી છે. જેમ ઘરમાં દિકરી હોય એ તુલસી સમાન છે પણ હર્ષદનું તો માનવું છે કે દિકરી જ પોતે ઘર છે, દિકરી જ પોતે તુલસી છે, દિકરી જ પોતે દેવીરૂપ છે અને તેનું નામ પણ તેણે અક્ષિ રાખ્યું, અક્ષિ એટલે જેનું અસ્તિત્વ અનંત છે.
હર્ષદનો દિકરી પ્રત્યેનો લગાવ તેની દિકરી માટે ભવિષ્યમાં મુસીબત થઈ જશે તેવી તેને કયા ખબર હતી? દિકરી તેની ચાર વર્ષની થઈ અને આખી સોસાયટીની લાડલી, બધા તેને ખૂબ રમાડે, વ્હાલ કરે અને એટલી સોહામણી કે જ્યાં પણ જાય ત્યાં બસ મનમાં ઘર કરી લે. ડાહી પણ એવી જ હતી, ખૂબ જ સમજદાર અને તેજ દિમાગ એનો. પણ કહે છે ને વિધિ નો વિધાન કઈક અલગ જ હોય છે, કોઈ પણ વ્યસન ના હોય, કોઈ ખરાબ આદત નહીં, કોઈ ખરાબ સંગત નહીં છતાં હર્ષદને ફેફસાનું સ્ટેજ ત્રણનું કેન્સર આવ્યું.
હર્ષદ દુખી દુખી થઈ ગયો, કેન્સરના કારણે નહીં પોતાના ફૂટેલા નસીબ ને કારણે. એને બસ એક જ ચિંતા છે મારા ગયા પછી મારી દિકરી નું શું? મારુ એ ઘર મારાથી છૂટી રહયું છે ને હું કઈ કરી શકું તેમ નથી. તેની દિકરી તો હજુ નાની છે આવી એને કયા સમજ પડે કે પપ્પાને આ જીવલેણ બિમારી થઈ છે અને તેનું શું પરિણામ આવશે. થયું પણ તેવું જ, ત્રણ જ મહિનામાં હર્ષદનું મૃત્યુ થયું અને તેની દિકરી જેને એ પોતાનું ઘર માનતો હતો તે તેના થી છૂટી ગયું.
અક્ષિ ચાર વર્ષની છે છતાં ખૂબ જ સમજદાર છે, તેને જ્યારે મુખાગ્નિ આપવા લઈ ગયા ત્યારે તે ત્યાં રડતાં બધા ને કહેતી હતી, તમે બધા રડો નહીં. મારા પપ્પા છે ને એ ભગવાનના ઘરે ગયા છે, મારા માટે મોટું ઘર લેવા, પપ્પા મને ઘર માને છે ને તો હું તો અહીં છું ને તમારા બધા સાથે. માની લો મારા પપ્પા મારામાં જ છે. પપ્પાની ચિત્તા ને જોતાં અક્ષિ રડતાં રડતાં બોલે છે, “પપ્પા તમે વેલા વેલા નવું મોટું ઘર ભગવાન પાસેથી લઈ ને આવજો હો, મને આ જૂના ઘર માં હવે તમારા વગર બોવ નહીં ગમે.”
આ સાંભળી ભગવાન પણ કદાચ રોયો હશે, પિતા અને દિકરીના આ સંબંધને એટલે જ ખાસ કહ્યો છે. પિતા માટે દિકરી એનું ઘર છે, અને દિકરી માટે પિતા તે ઘરનો એકમાત્ર આશરો છે.


















































