વર્તમાન સમયમાં મોટાભાગના ઘર પરિવારમાં દીકરાની સાથે જ દીકરીઓને પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આજના યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન એ આ બાબતની પુષ્ટિ કરે છે. દરેક મહિલાઓનું શિક્ષિત હોવું એ બાબત લગભગ દરેક લોકોએ અનિવાર્યપણે સ્વીકારી લીધું છે.
ગાંધીજી એવું કહેતા હતા કે જ્યારે આપણે એક પુરુષને શિક્ષિત કરીએ છીએ, ત્યારે માત્ર તેને એકને જ શિક્ષિત કરીએ છીએ. પરંતુ સ્ત્રી ને શિક્ષિત કરીએ ત્યારે એક આખા પરિવારને શિક્ષિત કરીએ છીએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાંધીજીના પરિવારની દરેક મહિલાઓ શિક્ષિત હતી અને સારી રીતે વાંચી લખી શકતી હતી. આજના સમયમાં ભારતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ લગભગ ૬૫ ટકા જેટલું છે.
પરંતુ આજના સમયમાં પણ પ્રાથમિક શિક્ષણ લીધા પછી શાળા છોડી દેનાર છોકરીઓની સંખ્યા પણ આપણા દેશમાં સૌથી વધારે છે.(અન્ય દેશો ની સરખામણી એ) ખાસ કરીને સમાજનો એક ગરીબ વર્ગ એવો છે કે જે છોકરીઓને આગળ ભણાવવાને બદલે નાના મોટા ઘર કામ કરાવીને કમાણી કરવામાં માને છે. આવા ગરીબ વર્ગના લોકો અને તેમની માનસિકતા ને મેં ઘણા નજીકથી જોયા છે. જો કે છોકરાઓ ની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે અને તેથી જ આપણા દેશમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં સંખ્યા પ્રમાણમાં ખૂબ જ ઘટી જાય છે.
આપણા દેશમાં કન્યા કેળવણી મફત હોવા છતાં, અને યુનિફોર્મ, ચોપડા અને સ્કોલરશીપ જેવા અન્ય પ્રોત્સાહનો હોવા છતાં પણ અમુક નિમ્ન વર્ગમાં પોતાની છોકરીઓને ભણાવવાને બદલે તેને નાના-મોટા કામે લગાડીને આવક મેળવવાની લ્હાયમાં આ છોકરીઓનું ભણતર છોડાવી દેતા અચકાતો નથી. આમાંથી મોટા ભાગની છોકરીઓ પોતાની આ પરિસ્થિતિને સ્વીકારી જ લે છે. અને અમુક છોકરીઓ કે જેને ભણવાની ઈચ્છા હોય અને ભણીને આગળ વધવામાં રસ હોય તેમને એવું સમજાવવામાં આવે છે કે આપણે ભણી ને શું કરવું છે?આમ, ગરીબી અને અજ્ઞાનતા ઘણી છોકરીઓને પ્રાથમિક શિક્ષણ સુધી માંડ પહોંચવા દે છે.
જોકે સુખી-સંપન્ન ઘરની મહિલાઓ અને ભણેલી ગણેલી વર્કિંગ વુમનને જોઈને, અને તેમના ઘરે કામ કરીને, આ અધુરુ શિક્ષણ પામેલી છોકરીઓ કે પછી મહિલાઓ પોતાના મનમાં એક સંકલ્પ જરૂર કરે છે કે તે તેમના બાળકો સાથે આવું નહીં થવા દે. તે તેમની ભાવિ પેઢીને જરૂરથી આગળ ભણાવશે. અને તેમનો આ એક વિચાર માત્ર એક નવી આશાનું કિરણ છે કે ભાવિ પેઢી લગભગ સો ટકા શિક્ષિત થશે ખાસ કરીને મહિલાઓ..
અસ્તુ
Related