મને સૂર્યોદય સાથે ઉઠવું ગમે છે, જેથી સવારની ઝાકળ અનુભવી શકું. અમારા આંગળાના બગીચામાં ફરું, અને ધીમેધીમે ફૂલો અને પાંદડાને સ્પર્શ કરું. માથું નીચે કરી, ઝાકળને ચહેરા પર લેતા, ઊંડો શ્વાસ લઉં. સૂરજની પહેલી કિરણમાં ઝાકળ એવી ચમકતી હોય, જાણે આવકારો આપવા હીરા મોતી બેઠા હોય.
મારી અને ઝાકળની ગાંઠ મિત્રતા છે. હું એની સાથે ખૂબ વાતો કરું છું. જેમ જેમ સૂરજ દાદાનો તાપ વધે અને ઝાકળ સુકાય જાય, ત્યાં સુધી, એ મારી વાતો અને મારા ગીતો સાંભળે. મારા જીવનમાં ઝાકળ ફક્ત અમારા બગીચાની હરિયાળીમાં નથી, મારી આંખોમાં પણ છે. મને જન્મથી ઓછું દેખાય છે, નહીં ની બરાબર. બધું એટલું ધૂંધળું અને ઝાંખું દેખાય, કે સ્પર્શ અને સાંભળવાની શક્તિ પર વધારે નિર્ભર રહું છું.
“એવી કઈ સવાર છે, જ્યારે મારી દીકરી વ્હેલી ન ઉઠતી હોય?”
હું એટલી પોતામાં ખોવાયેલી હતી, કે પપ્પા ક્યારે પાછળથી આવ્યા અને મારા ખભા પર હાથ મુક્યો, એ ખબર જ ન પડી.
હું સ્મિત કરતા બોલી,
“મને ઓસને મહેસુસ કરવું હોય છે. મોળી ઊઠું, તો એ ગાયબ થઈ જાય ને!”
“તું અને તારી ઝાકળ!”
પપ્પાને ઠસ્કો આવ્યો અને તેમણે ખાંસી ખાધી. આજ કાલ એમની ઉદરસ વધી ગઈ છે. મે એમના પીઠ પર હાથ ફેરવ્યો અને પૂછ્યું,
“પપ્પા, પાણી લાવી આપું?”
એમણે ના પાડી અને નિયંત્રણમાં આવતા કહ્યું,
“નયનતારા, અગર ભગવાનની ઇચ્છા રહી, તો જલ્દી મારી દીકરીની આંખની ઝાકળ જતી રહેશે અને બગીચાની ઝાકળ સ્પષ્ટ દેખાવા લાગશે.”
હું આશ્રયચકિત થઈ ગઈ અને તરત પપ્પાને પૂછ્યું,
“ખરેખર પપ્પા! પણ કેવી રીતે? તમે તો કહેતા હતા કે મારું બ્લડ ગ્રુપ……”
પપ્પા મને બાથમાં લેતા બોલ્યા,
“હા દીકરા, એ બધાનો નિવેડો આવી જશે.”
આજે પપ્પાના નિધનને ત્રણ મહિના થઈ ગયા. પરંતુ આજે પણ એ અમારી સાથે છે અને ખાસ કરીને મારી અંદર જીવિત છે. હવે હું દુનિયા એમની આંખોથી જોઉં છું.
શમીમ મર્ચન્ટ


















































