ક્યારેય પણ વિચાર્યું છે, કે કોઇ પણ કાર્ય કરતાં પહેલા અથવા કોઈ પણ પગલું ભરતા પહેલા, જો એનું પરિણામ
ખબર હોત, તો શું આપણે કાંઈક અલગ કર્યું હોત?
ઘણી વાર આપણે સમજ્યા વગર, ઉતાવળા જીવે અથવા ઉત્તેજનામાં ઘણું બધું એવું કરી નાંખીએ છીએ, જેના પ્રત્યાઘાત આપણને અવચેતનમાં ખબર હોય છે.
આ નાની નાની ઘટનાઓ આપણને વિચારવા માટે વિવશ કરી નાખે છે.
જો ખબર હોત…..કે પહેલી વાર નાના ભાઈ પર હાથ ઉપાડવાથી, પાંચ વર્ષ સુધી અબોલા રહેશે, તો હસને, તે વખતે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખ્યું હોત.
જો ખબર હોત…..કે સુધાને ખુલાસો કરવાનો મોકો ન આપવાથી, સુરેશ અને સુધાના છૂટાછેડા થઈ જશે, તો તે વખતે, સુરેશે સુધાને બોલવા દીધી હોત.
જો ખબર હોત…..કે ઓછા માર્ક્સ લાવવા માટે જ્યારે અર્જુનને પટ્ટાથી માર્યો હતો, જેના લીધે એ જીવન ભર તોતળું બોલવા માંડ્યો, તો પપ્પાએ તેને તે વખતે બાથમાં લઇ ને સમજાવ્યો હોત.
જો ખબર હોત…..કે ડેડી સાથે આ મારા છેલ્લા દિવસો છે, તો હું તેમની સાથે વધારે સમય અને વધુ પ્રેમથી રહી હોત.
જો ખબર હોત…..
દોસ્તો, જીવન ઘણી વાર બીજો મોકો આપે છે અને ઘણી વાર નથી પણ આપતી. મન ની વાત સાંભળો. Listen to your sixth sense, your inner voice. સમય રહેતા એવું કરી જાઓ કે ક્યારે ખાલી હાથ કે પછી હથેળી ભરીને પસ્તાવો ના રહી જાય. એવું કરીએ કે હોઠો પર ગઈકાલે જે સ્મિત હતું તે આજે પણ બનેલું રહે.
– શમીમ મર્ચન્ટ “શમા”


















































