“ચાય બોલો ભાઈ ચાય”
બુધિયો રોજની જેમ “એ ચાય બોલો ભાઈ ચાય, કડક મીઠી ચાય, પીવો અને પીવડાવો આ મીઠી બુધિયાની ચાય” એમ ટહુકાર કરતો સ્ટેશને પેસેન્જરોને ચા પીવડાવવા નીકળી પડ્યો. એનો ટહુકાર પણ જાણે એમ કે માત્ર એના અવાજથી ચા પીવા પેસેન્જરો પડાપડી કરતા.
એ દિવસે શહેરની મોટી હોટેલ “દિગ્ગજ”ના શેઠ ખુદ મુસાફરીએ આવેલા. બુધિયો તો મેંલા કપડા છતાં એની મસ્તીમાં શેઠ આગળ આવ્યો અને મસ્ત લહેંકાથી પૂછ્યું “બોલો સાહેબ કેટલી ચા નીકાળુ ?” શેઠ તો ક્યારનાય એને આમ મસ્તીમાં ચા વેચતો જોતા હતા, શેઠે એને પૂછ્યું “દિવસમાં કેટલી ચા વેચતો હોઈશ! એક કામ કર મારી હોટલ દિગ્ગજે આવી જા અને ત્યાં આવી તારી કમાણી કર” બુધિયો “સાહેબ ગણતરી આવડતી હોત તો શહેરમાં બીજી “દિગ્ગજ” મારી પાસે પણ હોત,પણ હવે એ એક સ્વપ્ન રહેશે, બસ મારે મન તો મસ્ત ચા પીવડાવી બધા મુસાફરોને મુખ પર સ્મિત આવે એ જ મારી કમાણી લ્યો તમે પણ પીઓ ” આટલું કહી એની મસ્તીમાં આગળ ચાલ્યો જાય છે…
– સંકેત વ્યાસ (ઈશારો)


















































