“ભાઈ, આઠ વર્ષે એનો મેસેજ આવ્યો છે સામેથી.” સૌમિકએ બન્ને હાથો ઘસતા ઘસતા કહ્યું.
“તો તે એને આમંત્રણ આપ્યું એટલે જ આવ્યો ને મેસેજ.” ધાર્મિકએ સૌમિકના ખભા પર હાથ રાખતા કહ્યું.
“પણ મે આમંત્રણ એટલે આપ્યું હતું કારણ કે..”
“શું કારણ કે બોલ.”
ચિંતામાં આમ – તેમ આટા મારતા મારતા ઘડીક ઉપર ઘડીક નીચે સૌમિક જોયા કરે છે.
“બોલ ને શું કારણ છે? કયા સુધી આમ – તેમ આટા ટલ્લાને આશીર્વાદ કર્યા કરીશ? અને ભાઈ, લગભગ ચાર વર્ષે આજે તું મને મળ્યો છે તો પછી એનો મેસેજ આઠ વર્ષે આવ્યો તો વાંધો શું છે?”
સૌમિક નિસાસો નાખીને બોલ્યો, “આમંત્રણ એટલે આપ્યું હતું કે એ ના આવે પણ એનો મેસેજ છે એ આવશે અને હજી એક વાત તને મે કીધી નથી.”
“સૌમિક, હવે તું હદ કરે છે! આ કોઈ સસ્પેન્સ ફિલ્મ છે તો તું એક પછી એક સસ્પેન્સ ખોલે છો. બોલ શું કઈં વાત છે હજી?”
“એનો ફોન પણ આવ્યો હતો, એ આજે સાંજે આપણને બન્નેને મળવા માંગે છે.”
“શું વાત કરે છે! આપણો ભાઈબંધ, આખા ઇન્ડિયાનો બેસ્ટ ન્યૂરોસર્જન આપણને મળવા માંગે છે! ક્યારે મળવાં જવાનું છે? કઈ જગ્યાએ?”
“આજે સાંજે યંગ ક્લબ પણ હું નથી મળવા માગતો એને.”
“ભાઈ, ભૂલી જા એ વાતને હવે. આઠ વર્ષ વીતી ગયા, એ સામેથી મળવા આવે છે.”
“ધાર્મિક, તને ખબર છે આ સગાઈનું આમંત્રણ મે એને તો આપ્યું પણ એને બોલાવવા કેમ નથી માંગતો?”
“એક ઔર સસ્પેન્સ!”
મોબાઇલમાં ફોટો કાઢીને બતાવે છે, “જો આ છે તારી ભાભી.”
“પાંખી!”
“સમજાયું હવે તને?”
“પણ ભાઈ એ વાતને તો આઠ વર્ષ વીતી ગયા છે, એ ભૂલી ગયો હશે. તું ચાલ, જો સમય પણ થઈ ગયો છે.”
બન્ને યંગ ક્લબ યાજ્ઞિકની રાહ જોઈ બેઠા છે. યાજ્ઞિક આવે છે અને ઉમળકા સાથે ધાર્મિકને ગળે મળે છે, થોડું અચકાતા અચકાતા સૌમિકને પણ ગળે મળે છે.
“ખૂબ ખૂબ અભિનંદન સૌમિક.”
“થેન્ક યુ. ડ્રિંક ચાલશે ને?”
“હા.. હા આઠ વર્ષે મારા જીગરી ભાઈબંધોને મળ્યો છું આજે તો ઉલ્ટી થઈ જાય ત્યાં સુધી ડ્રિંક કરવાનું છે.”
“જોયું ને સૌમિક, મે કહ્યું હતું ને યાજ્ઞિક બધી વાતો ભૂલી ગયો હશે.”
“હા સૌમિક, માફ કરી દે ભાઈ મને. ભૂલી જઈએ અને એક નવી શરૂઆત કરીએ?”
સૌમિક ડરતા ડરતા હા તો પાડે છે.
“સૌમિક, ભાભીનું નામ શું છે? શું કરે છે એ?”
“સમાજસેવિકા છે અને એક શિક્ષક પણ.”
“નામ તો કહે શું છે?”
“એ છોડને.. વેઇટર..” વાતને બદલવાની કોશિશ કરે છે. “એક શેમપૈન લેતા આવો.”
વેઇટર થોડી જ વારમાં ત્રણ ગ્લાસમાં શેમપૈન લઈને આવે છે, ત્રણેય મિત્રો ગ્લાસ ઊચો કરી ચિયર્સ કરવા જાય છે ત્યાં યાજ્ઞિક બોલે છે,
“ચિયર્સ સૌમિકની નવી લાઈફ માટે, ચિયર્સ ભાભી માટે? ચિયર્સ ભાભીના નામ માટે.. ભાભીના નામ માટે.. ભાભીના નામ માટે..”
સૌમિક ખૂબ જ ધીમેથી અને ડરીને બોલે છે, “પાંખી.”
નામ સાંભળતા જ સૌમિકને થયું આટલા વર્ષો બાદ મળ્યા હતા અને ફરી શરૂ થયેલી મિત્રતા પર કાયમ માટે પૂર્ણવિરામ લાગી જશે પણ એવું કશું જ ના થયું. યાજ્ઞિક ઊભો થયો અને સૌમિકને ફરી ગળે મળ્યો અને કહ્યું,
“એ આઠ વર્ષ પહેલા સંબંધ હતો અને અમસ્તા પણ મેડિકલ કોલેજના સંબંધો કયા હકીકત બની શકે છે. તું ચિંતા ના કર સૌમિક, હું તારા માટે દિલથી ખૂબ જ ખુશ છું અને આજે આ ક્લબનું બેસ્ટમાં બેસ્ટ ડ્રિંક મારા તરફથી તારી અને પાંખીની સગાઈ માટે.”
“જોયું સૌમિક, મે કહ્યું હતું ને યાજ્ઞિક હવે સમજુ થઈ ગયો છે.”
“તો શું ધાર્મિક, તમને લોકોને શું લાગે છે? આ આઠ વર્ષોમાં પાંખી સિવાય કૉઈ છોકરી મારી જીંદગીમાં આવી જ નહીં હોય?”
સૌમિકએ નિરાંતનો શ્વાસ લીધો અને વેઇટરને ફરી બોલાવ્યો, “ત્રણ ઓલ્ડ મોંક લેતા આવો.”
“અરે નહીં, તમારે ત્યાં સૌથી ખાસ કઈ ડ્રિંક છે?” યાજ્ઞિકએ અટકાવીને કહ્યું.
“અમારી બધી જ ડ્રિંક બેસ્ટ છે.” વેઇટરએ જવાબ આપ્યો.
“એમ! તો જરાક તમારું મેનૂ આપો.” યાજ્ઞિકએ કહ્યું.
વેઇટર મેનૂ આપે છે અને એ મેનૂ વાંચવા એના બ્લેઝરના પોકેટમાંથી ચશ્માનું બોક્સ કાઢ્યું, એમાંથી એના ફ્રેમલેસ ચશ્મા પહેરી મેનૂ વાંચતો હતો.
સૌમિકએ ચશ્મા અને બોક્સ જોયું, જે આઠ વર્ષ પહેલા પાંખીએ યાજ્ઞિકને આપેલું હતું. એ જોતાં સૌમિક સમજી ગયો કે આજે પણ આ ચશ્માના બોક્સની જેમ પાંખી યાજ્ઞિકના જીવનમાં યથાવત છે પણ એ એના મનની વાત અને પાંખીને તેઓની મિત્રતામાં વચ્ચે નથી આવવા દેતો. સૌમિક ઊભો થયો અને યાજ્ઞિકને ગળે મળી ખૂબ રડ્યો.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































