ચકો-ચકી નદી કિનારે રેતાતા,
પીઝા-બર્ગર ખાતાતા,
નદીનું કેમિકલવાળું પાણી પિતાતા.
એકવાર ચકીબેનને વિચાર આવ્યો કે નજીકમાં જ એક પાર્ટીપ્લોટ છે, જો ત્યાં આપણે એક ઝાડ પર માળો બનાવી રહીએ તો આપણે આગળ શાંતિથી રહી શકીએ, ચકાને આ વાત યોગ્ય લાગી તેથી સવારે ત્યાં જઈ માળો બનાવવાનું નક્કી કર્યું.
સવારે ઊઠીને માળો બનાવવા માટે તણખલા ભેગા કરવાં લાગ્યાં અને બે દિવસમાં તો સરસ માળો તૈયાર થઈ ગયો. હવે ત્યાંજ રહેવા લાગ્યા, રોજ કોઈની બર્થડે પાર્ટી, રીસેપ્શન, લગ્ન એમ જાતજાતના પ્રસંગો હોય અને ચકી-ચકાને જલસા થઈ ગયા. રોજ કેક, પીઝા, ચાઈનીઝ, અલગ-અલગ વાનગીઓ મળતી, અને બધાં સરસ પરિધાન પહેરીને આવ્યા હોય તે જોઈ ચકીબેનનું મન તો પ્રફુલ્લિત થઈ જાય. હવે ચૈત્ર માસમાં તો ત્યાં એક સજ્જને ભાગવત કથાનું આયોજન કર્યું, અને રોજ ભગવાનની પૂજા થતી, કથા શ્રવણ થાય, સત્સંગ થાય, અને પછી દરેકને ફરાળી ભોજન, ચકીબેનનું જીવન સુધરી ગયું. આ ભવમાં હવે બીજી કોઈ ઈચ્છા નથી એવું ચકાને કહેતાં.
પણ સમય હંમેશા સાથ આપે તો તેને સમયનું ચક્ર કહેવાય શેનું? ઘણાં સમયથી કોઈ ત્યાં આવતું જ નહીં, અને ચકાભાઈની તબિયત નાજુક થવા લાગી, ચકીબેનને થયું, અહીં રહી તો કંઈ નહીં થાય મારે શહેરમાં જોવા જવું જ પડશે કે અહીં અવરજવર કેમ બંધ થઇ ગઇ છે, તેમ કહી તે તો ઉડ્યા, આગળ જઈ જોયું તો બધાં યુનિફોર્મમાં સજ્જ પોલીસ, અને થોડાં ઘણા માણસોની અવરજવર થઈ રહી હતી, એ પણ સૌએ પોતાનાં મોંઢા પર કપડાં જેવું કશુંક બાંધેલું, અને જેણે ના બાંધ્યું હોય તેને લાકડી વડે પેલા પોલીસ ફટકારતા, ચકીબેન વિચારવા લાગ્યા કે આ બધું શુ થઈ રહ્યું છે, આ તે કેવા પાપ કર્યા હશે કે માણસ નામનો પ્રાણી પોતાનું મોઢું ઢાંકી રહ્યો છે? તે ખુબ જ ગભરાઈ ગઈ અને હજુ આગળ વધ્યાં તો જાણવા મળ્યું કે એક કોરોના નામની પ્રજાતિ આવી છે તેને માણસોને પીંજરામાં પૂર્યા છે, ચકીબેનને ખૂબ દુઃખ થયું પણ બીજી જ મિનિટે વિચાર આવ્યો કે બરાબર છે આવું જ થવું જોઈએ આ પ્રાણી( માણસ) સાથે, વર્ષોથી પક્ષીઓને પાંજરામાં પૂરતો આવ્યો છે તે તેના કર્મનું ભોગવી રહ્યો છે.
ચકી ત્યાંથી ઉડીને આવી ચકાને બધી વાત કરે છે કે શહેરમાં આવું થયું છે. ચકો પણ ખૂબ ખુશ થાય છે, કારણ માણસો બહાર નહિ નીકળે તો પ્રકૃતિ ફરી પ્રદુષણ મુક્ત થશે અને તે પોતાના નદી કિનારે ફરી જીવન જીવવાનો નિશ્ચય કરે છે. અને ત્યાં જઈ લીલોતરી અને તાજા ફળ ખાઈ આરામથી આગળનું જીવન વ્યતીત કરે છે.
મનિષા સેજપાલ
Related