આપણે સૌ નાનપણથી જ એક વાત સાંભળતા આવીએ છીએ કે “time and tide wait for none”- સમય કોઇની પ્રતિક્ષા કરતો નથી. સમયનું ચક્ર ફરતું જ રહે છે. અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ છે ભુતનાથ. તેનું એક સુંદર ગીત છે…
“સમય કા પહીયા ચલતા હૈ, દિન ઢલતા હૈ, રાત આતી હૈ…
દર વર્ષની જેમ જ 2020 નું વર્ષ આવ્યું અને વિદાય પણ થઈ ગયું. પરંતુ આ વર્ષના આગમન ની સાથે જ સમગ્ર વિશ્વ જાણે કે થંભી ગયું. અને સમગ્ર વિશ્વના માનવજીવન માટે એક ન પૂરી શકાય તેવી ખોટ અને પીડા સાથે અમીટ છાપ છોડી ગયું છે.
વર્ષ 2019 ના ડિસેમ્બર માસમાં ચીનના વુહાનમાં ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ વધવા લાગ્યા. પરીક્ષણોના અંતે એક તારણ બહાર પડયું કે આ ન્યૂમોનિયા જેવા લક્ષણો ધરાવતો એક નવો વાયરસ છે. જેનો કોઈ ઇલાજ કે વેક્સિન આપણી પાસે નથી. અને તેને નામ આપવામાં આવ્યું કોવિડ-19- કોરોના. અને બસ, પછી તો આ કોરોના રૂપી અજગરે સમગ્ર માનવજાતને પોતાના ભરડામાં લેવાનું શરૂ કર્યું. અને જાન્યુઆરી સુધીમાં તો ચીનથી આગળ વધીને વિશ્વભરના દેશોમાં સંક્રમણ ફેલાઈને લાખો લોકો કોરોના ગ્રસ્ત થઈ ગયા. WHO દ્વારા તેને ગંભીર બીમારી જાહેર કરવામાં આવી ત્યાં સુધીમાં તો હોસ્પિટલો ઉભરાવા લાગી હતી. એટલું જ નહીં સ્મશાનમાં અગ્નિદાહ માટે અને કબ્રસ્તાનમાં કબરો માટે લાંબી લાઈનો લાગવા માંડી હતી. અને જાણે કે સમગ્ર વિશ્વનો શ્વાસ થંભી ગયો. હા, આ મહામારી ને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને તેમાં તેમના જીવનમાં એક ખાલીપો આજીવન રહી ગયો છે.
Covid 19 ની મહામારી ઉપરાંત આ વર્ષ કુદરતી આપત્તિઓ થી પણ ભરેલું રહ્યું. અતિવૃષ્ટિના લીધે પુર, ભૂસ્ખલન ,ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, ચક્રવાત અને આ સાથે જ વિશ્વભરના વિવિધ દેશોમાં આવેલા જંગલોમાં ભીષણ આગ એટલે કે દાવાનળ ને લીધે જંગલો ભસ્મીભૂત થયાં.
2020 નું આ વર્ષ કોરોના ઉપરાંત દાવાનળ ના વર્ષ તરીકે પણ ઓળખાશે. કારણ કે અમેરીકાના સાત જંગલો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને આર્કટિક ના વિસ્તારો વગેરે જેવા કુદરતે પોતે જ વિકસાવેલા અને આપણને ઓક્સિજન, વરસાદ અને પ્રાણીજ સંપતિ પૂરી પાડતા તમામ જંગલો આશ્ચર્યજનક રીતે એકસાથે યા તો વારાફરતી સળગી ઊઠયા. અને નાશ પામવા લાગ્યા. અને તેમાં રહેલા વન્ય જીવ જંતુઓ જે આપણને અનેક રીતે ઉપયોગી હતા તે ભસ્મીભૂત થઈ ગયા છે. અને ભીષણ આગને કારણે ધુમાડો અને કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વાતાવરણમાં ચિંતાજનક રીતે વધી ગયું છે. જેની અસર આપણને આગળના વર્ષોમાં જોવા મળશે.
આ કુદરતી આપત્તિઓના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પણ ઠપ થઇ ગયું છે. લોકડાઉનની સ્થિતિ ને કારણે, તો ક્યાંક કમાઈને ઘર ચલાવનાર મોભીની વસમી વિદાય ના કારણે તથા ધંધા-રોજગાર અને ઉદ્યોગો બંધ રહેવાને કારણે સમગ્ર જનજીવન આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પડી ભાંગેલા અર્થતંત્રની ફરીથી બેઠું કરવા અને તેને વેગવંતું બનાવવું એ પણ સમગ્ર વિશ્વ સામે એક મોટો પડકાર બની રહેશે.
અલબત્ત, દર વર્ષની જેમ જ આ વર્ષે પણ માનવજાતે થોડી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ તે અંગેની નોંધ લેવા માટેની તાકાત કે રસરૂચિ માણસમાં રહી નથી. કોરોના ની વેક્સિન ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગઈ તો સામે કોરોના એ નવા રૂપ સાથે ફરીથી માનવજાત પર આક્રમણ કર્યું છે. 2021ના નવા સૂર્યોદય ને અને નવા વર્ષને કયા પ્રકારની આશાના કિરણ થી વધાવવું એ આપણી સામે યક્ષ પ્રશ્ન બની ગયો છે.
એકંદરે માણસજાત માટે ચેતવણી સ્વરૃપ આ વર્ષ ઘણું શીખવાડી ગયું છે. ઓછા સાધનો અને ઓછી જરૂરિયાત થી પણ સારી રીતે જીવી શકાય છે. કુદરતના નિયમો નું પાલન કરીને સ્વસ્થ રહી શકાય છે. અને પોતાના પરિવારજનો સાથે પણ સુખેથી જીવી શકાય છે. તથા જો શક્ય હોય તો વૈભવી ખર્ચા કરવાને બદલે જરૂરીયાતમંદ સુધી મદદ પહોંચાડવામા અનેરો આત્મસંતોષ મળે છે. પશ્ચિમ નું આંધળું અનુકરણ છોડીને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા આચરીશું તો કુદરત લાલ આંખ કરશે જ. આવનારું વર્ષ સૌના જીવનમાં શુભદાયી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
અસ્તુ.
Related