કોરોનાના પરિણામે ઉદ્ભવેલી પ્રવર્તમાન મહામારીની સ્થિતિમાં મેદાની ફૂટબોલ તો જો કે માર્ચ મહિના પછી સદંતર બંધ જ છે, છતાં ઘણાને મૂંઝવતો એક પ્રશ્ન હોઈ શકે કે ગુજરાત અને ફૂટબોલને શું લાગે-વળગે? બહુ બહુ તો ક્રિકેટ સર્વવ્યાપી ખરું, પણ ગુજરાતમાં ફૂટબોલ? જો કે ઘણાને નવાઈ લાગે તેવી વાત એ છે કે તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા દેશભરના રાજ્યોના ફૂટબોલ એસોસિએશનોની કામગીરીના મૂલ્યાંકન અને ગ્રેડિંગ સંબંધી 2019-20નો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતનો ક્રમાંક કહેતાં ગ્રેડ બારમા સ્થાને છે!
અહેવાલનો અભ્યાસ કરતા જણાયું છે કે ઝારખંડ, આસામ કે હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યો કે જ્યાં ફૂટબોલ વધુ પ્રચલિત છે, વધુ રમાય છે અને વધુ સુવિધા ધરાવે છે તે રાજ્યો કરતાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA) દેશના કેટલાંક રાજ્યોમાં ફૂટબોલના વિકાસ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી વધુ પ્રોત્સાહન આપે છે. તેવા ઓરિસ્સા તથા જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની સરખામણીએ પણ ગુજરાતની કામગીરી વધુ સારી છે તેવું આ અહેવાલનું તારણ છે. ગુજરાતમાં ફીફાનો કોઇ પ્રોજેક્ટ નહિ હોવા છતાં પણ!
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ લગભગ 25-30 જિલ્લા એસોસિએશનો અને કેટલીક ખાનગી ક્લબો દ્વારા છેક જમીની સ્તરે ફૂટબોલના ખેલાડીઓ તૈયાર કરવાની જે નક્કર કામગીરી થઇ રહી છે તેને લીધે ગુજરાતમાં ફૂટબોલની રમત ખૂબ ઝડપથી બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહી છે. ગુજરાત રાજ્યની ખેલનીતિ, ખેલ મહાકુંભ જેવાં આયોજનો, રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી જેવી પ્રોત્સાહક સરકારી એજન્સીઓ, ટ્રાન્સસ્ટેડિયા વગેરે જેવી સવલતોએ પણ ફૂટબોલની રમતને રાજ્યમાં મોકળું મેદાન વિકસવા માટે પૂરું પાડ્યું છે. ગુજરાતમાં અનુભવી ખેલાડીઓની પણ એક એવી ફોજ છે જે બાળકો અને યુવા ખેલાડીઓને નિરંતર પ્રોત્સાહન પૂરું પાડે છે. ગુજરાત વેટરન ફૂટબોલ એસોસિએશન આ ભૂતપૂર્વ ખેલાડીઓએ રચ્યું છે. સંતોષ ટ્રોફી રમી ચૂકેલા એક એવા વેટરન ખેલાડી વિજય કચ્છીનું હમણાં થોડા દિવસો પહેલાં જ અવસાન થયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરેમાં આવા નામી-અનામી ખેલાડીઓ ગુજરાતમાં ફૂટબોલનું સ્તર ઊંચું આવે તે માટે સતત ચિંતિત, કાર્યરત અને પ્રયત્નશીલ છે. વર્ષ 2008માં પહેલીવાર ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા પછીની મારી ઝારખંડની પહેલી મુલાકાત વેળાએ હું કેટલાંક અંતરિયાળ ગામોમાં ગયો. ગામોની જરૂરિયાત મુજબ ત્યાં સુવિધાઓ ઊભી કરવી તેવો ઉદ્દેશ્ય હતો. સામાન્ય રીતે ગામના સરપંચ અને બે ચાર અગ્રગણ્ય લોકો વાત કરે. એક ગામમાં ગયો ત્યાં ચાર પાંચ જુવાનિયા જ આવ્યા! ગામનું નામ હતું કવાલી. તે છોકરાઓએ કહ્યું કે અમારી પાસે ખુલ્લું મેદાન છે. ગામમાં ફૂટબોલ માટે ખૂબ ક્રેઝ છે. આજુબાજુનાં ગામો સાથે ફૂટબોલ ટુર્નામેન્ટો રમાય છે. તે મેદાનને સમથળ કરી ફૂટબોલ સ્ટેડિયમ જેવી પ્રાથમિક સુવિધા તમે કરી આપો તો સારું! મને આશ્ચર્ય થયું.
પાટણ જિલ્લાનું મહાદેવપુરા સાપરા ગામમાં ઠાકોર કોમની મુખ્ય વસતી. આ ગામની સાતથી આઠ છોકરીઓ ફૂટબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. કેવી રીતે તે એક રસસ્પ્રદ બાબત છે. આ ગામમાં એક જ સ્કૂલ. છોકરીઓ વધુમાં વધુ એક થી સાત ધોરણ સુધી જ ભણતી. એક શિક્ષકને ફૂટબોલમાં રસ ખરો. તે જાતે ખેડૂત. રંગતજી ઠાકોર એમનું નામ. તેમણે મહેનત કરી ગામના તળાવની જમીન સમથળ કરીને મેદાન બનાવ્યું. છોકરીઓને ફૂટબોલ રમાડવાનું શરૂ કર્યું. છોકરાઓ આવે, પણ બહુ ઓછા. બહુ રસ પણ ન લે. છોકરીઓએ ફૂટબોલમાં એવો રસ લેવાનું શરૂ કર્યું કે આજે તે ગામની સાતથી આઠ છોકરીઓ નેશનલમાં રમતી થઈ છે. અન્ડર-14, અન્ડર-17 અને સિનિયરમાં આ ગામની છોકરીઓ જ અવ્વલ હોય. હવે સ્થિતિ એ થઈ છે કે ગામની છોકરીઓ પહેલાં જે માત્ર સાત ધોરણ સુધી વધુમાં વધુ ભણતી હતી તે હવે કોલેજમાં ભણતી થઈ છે. ગુજરાતમાં ફૂટબોલનો આ છે પ્રતાપ!
આવાં ઘણાં ઉદાહરણો જોવા મળી શકે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વિગેરે શહેરોમાં ખાનગી અને સરકારી સગવડો, ફૂટબોલ ક્લબો, એકેડેમીઓ વિગેરેને લીધે ફૂટબોલનો વ્યાપ નિરંતર વધતો જાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ‘અત્ર લુપ્તા સરસ્વતી’ની જેમ ગુજરાતમાં પણ ફૂટબોલ માટે અદૃશ્ય રીતે એક વિશેષ વળગણ બની રહ્યું છે. કોવિડ-19ને લીધે પણ ગુજરાતમાં ફૂટબોલ બહુ દેખા નથી દેતો. પરંતુ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ફૂટબોલના અહેવાલને બે પંક્તિઓની વચ્ચે વાંચીએ તો ગુજરાતમાં ફૂટબોલ મક્કમ રીતે આગળ ધપે છે તેમ જણાય છે.


















































