અત્યાર સુધી….
સ્વીકૃતિ અંજામ સાથે પ્રેમાલાપ કરવાની શરૂઆત કરે છે અને અંજામ કોઈ કારણોસર બીજા દિવસે કેફેમાં મળવાના વચન સાથે ત્યાંથી રવાના થઈ જાય છે. બીજા દિવસે અંજામ સ્વીકૃતિને છેક સુધી સસ્પેન્સ ફીલ કરાવીને બહાર ફરવા જવાની વાત કરે છે જ્યારે સ્વીકૃતિ કઈંક અલગ જ બાબતની અપેક્ષા રાખી બેઠી હતી. એ અપેક્ષા પૂરી ન થતાં એ સુંદર સાંજ એક તર્કમય ચર્ચામાં પરિણમે છે, જે કોઈ અનિચ્છનીય ઘટનાના આગાઝ દર્શાવતું હતું. હવે આગળ….
પ્રકરણ – 4
“અમુક વાર તો મને એમ જ લાગે છે કે તમારી સ્ટોરી કોફીશોપમાં જ પૂરી થઈ જશે”, સ્નેહાએ વાતાવરણ હળવું બનાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.
“હાહાહા…”, સ્વીકૃતિને અમારી ચાય પે ચર્ચા વાળી મીટિંગમાં ચર્ચા કરતા ચામાં વધુ રસ પડતો. અમારી વચ્ચે બસ એક જ બાબતમાં સામ્યતા ન હતી અને એ છે ચા અને કોફી. એના માટે ચા એટલી જ જરૂરી હતી જેટલો જીવવા માટે ઓક્સિજન અને મારા માટે કોફી એટલી જ જરૂરી હતી જેટલી યે કાલી કાલી આંખેવાળા ગીતમાં તુરુરુ તુરુરુ..વાળું મ્યુઝિક… અને સ્નેહા અને અંજામ ફરી હસી પડે છે.
“તો પછી ખબર પડી, કેમ સ્વીકૃતિનો મૂડ ખરાબ હતો”, સ્નેહાએ વાત આગળ ચલાવી.
“સ્નેહા, ઘણી વાર સંબંધો ફક્ત એટલા માટે જ વણસી જતા હોય છે કારણ કે આપણે આપણા મનમાં શુ ચાલી રહ્યું હોય છે એ વ્યક્ત નથી કરતા. આપણે એ જ પકડીને બેસી રહીએ છીએ કે સામેવાળી વ્યક્તિ વગર કહ્યે આપણી વાત કેમ ન સમજી શકે પરંતુ એવું થવું શક્ય નથી. જો સામે વાળું પાત્ર તમને પ્રેમ કરે છે કે ચાહે છે તો એ દરેક વાત વગર કહ્યે સમજી જ જાય એ જરૂરી નથી. દરેક વ્યક્તિનું વિચારવાનું સ્તર એટલું ઊંચુ ન હોઈ શકે જેટલી તમે તેની પાસેથી અપેક્ષા રાખો છો અને બસ આવી જ એક વણકહી ચર્ચાએ અમારા વચ્ચે ટૂંકુ અંતર લાવી દીધું હતું”
* * * * *
બીજા દિવસે અંજામ તો સમયસર આવી ગયો પણ હજી સ્વીકૃતિની પધરામણી નહોતી થઈ એટલે અંજામને આશ્ચર્ય થાય છે. અચાનક એવું તો શું બન્યું કે સ્વીકૃતિ આજે આવીજ નથી ? કદાચ મારી જ ભૂલ હશે. સ્વીકૃતિ કાલે મારાથી જ નારાજ થઈ ને ગઈ હતી તો કદાચ એટલે જ આજે આવી નથી. અરે પણ એવી તો શું વાત થઇ હતી? મેં તો બસ એક નાની ટ્રીપની વાત કરી હતી અને તેણે હા-ના પાડી તો પણ કંઈ જ વાંધો ન હતો. મેં ક્યા જબરદસ્તી કરી હતી અને આમ પણ આ કંઈ મોટી વાત નહોતી કે આમ નારાજ થઈને મોં ફુલાવીને બેસી જવાય. આવા હજારો વિચિત્ર સવાલો કારણ વગર જ તેના મગજમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા.
અંજામ બેઠો બેઠો વિચારી રહ્યો હતો પરંતુ હજી પણ હકીકત સુધી તેનો હાથ પહોંચતો જ ન હતો કારણ માત્ર કે તેણે પોતાના વિચારો પોતાના સુધી જ સીમિત રાખ્યા હતા. હજી પણ તેણે સ્વીકૃતિની મનોદશા સમજવાની કે પોતાની જાતને સ્વીકૃતિની જગ્યાએ રાખવાની કોશિશ પણ કરી નહોતી. કદાચ તે જ કારણ હતું કે તે હજી પણ એક કારણ શોધવામાં જ પડ્યો હતો કે સ્વીકૃતિ આજે કેમ નથી આવી ?
તે ઘણા લાંબા સમયથી અહીં બેઠો હતો ને હજી પણ સ્વીકૃતિ નહોતી આવી એટલે તેણે વેઇટરને બોલાવી એક હોટ કોફી વિથ આઈસક્રીમ મંગાવી અને ફોન કાઢીને સ્વીકૃતિને ફોન લગાવ્યો. એક વાર… બે વાર…. પણ સ્વીકૃતિ નો ફોન સ્વીચ ઓફ હતો. શું તેણે જાણી જોઈને ફોન સ્વિચઓફ કર્યો હશે જેથી મારી સાથે વાત ના કરવી પડે ? અને એને ખબર હશે કે આ સમયે તો હું ફોન કરવાનો છું ને. જો ના તો શું કારણ હશે યા શું તે કોઈ પ્રોબ્લેમ માં ફસાઇ હશે ? ફરી સવાલોનું ટોર્નેડો તેના મગજ પર ઘૂમરાઈ રહ્યું હતું. આ બધા વિચારોમાંને વિચારોમાં તો અંજામની હોટ કોફી એકદમ કોલ્ડ બની ગઈ હતી અને અંજામને ઠંડી કોફી તો ભાવતી જ ન હતી તેથી આજની કોફી પણ તેણે પૂર્ણવિરામ મૂકયું. હવે તેનો મૂડ નહોતો પણ હવે તેના હાથમાં પણ કંઈ જ નહોતુ તે કરે તો કરે પણ શું ? બીજે દિવસે પણ સ્વીકૃતિ નથી આવતી કે નથી તેનો ફોન આવતો એટલે અંજામને પણ આજે કોલ કરવો જરૂરી ના લાગ્યો. ઓફિસે પણ તે જાન્વીને કહીને રજા પર નીકળી ગઈ હતી કે હમણા ત્રણ – ચાર દિવસ તે નહીં આવી શકે.
* * * * *
હવેની વાત ઉપર કહેલી વાત કરતા થોડી અલગ છે. શક્ય છે કે સમજવા માટે ફરી આ પેરેગ્રાફ વાંચવો પડે. સ્વીકૃતિની વાત તો સમજાણી પરંતુ આપણે ક્યારેય સામેવાળી વ્યક્તિના કહ્યા વગર એની લાગણીઓને સમજવાની કોશિશ કેમ નથી કરતા? અંજામ શાંત સ્વભાવનો અને ઓછાબોલો હતોપરંતુ એનો અર્થ એવો નથી થતો કે તેનામાં દિલ નથી કે તેનામાં ઇમોશન્સ નથી. જો તે વ્યક્તિ ન કહી શકતો હોય કે ન સમજી શકતો હોય તો શું આપણે પણ એ વાત વણકહ્યે સમજવાનો પ્રયત્ન ના કરવો જોઈએ? અને સંબંધમાં વચ્ચે ઇગો આવે ક્યારે? શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ આપણો સાચો મિત્ર અથવા કોઈ સાથીદાર આપણી સાથે ક્યારેક આવું વર્તન કરે કે તે કોઈ કારણોસર ના આવી શકે તો શું આપણે તેને આમ જ જવા દઈએ છીએ ? ફોન કરીને હેરાન કરી દેવું અને છતાં પણ ના આવે તો ઘરે પહોંચી જવું. આવા જ કંઈક કારનામાં હોય છે ને દોસ્તીમાં તો પછી કંઈક તો કારણ હશે ને સંબંધમાં ઇગોનું વચ્ચે આવવું? જો આપણે તેને ફેક, બનાવટી કે પછી બે ઘડીના સંબંધ કહેતા હોઈએ તો સ્વીકૃતિનું ના આવવું અંજામને આમ વિચલિત શા માટે કરત? જાણે કોઈ નશાના એડિક્ટેડ વ્યક્તિને તે ન મળતા જે અકળામણ અનુભવાય તેવી જ કંઈક સ્થિતિ અંજામની પણ હતી. વારેઘડીએ મોબાઈલ ચેક કરવો, કેફેના ગેટ પર નજર માંડીને રહેવું ને મનમાં તો સવાલોનો ઉભરો આવવો, કંઇક તો હશેને જેનાથી તે આટલો વિચલિત થયો છે.
(ક્રમશ:)
લેખક : રાજશ્રી સાગર “ચિન્મયી”
સંકલન: આદિત શાહ “અંજામ”


















































