પાત્રો: ઈશ્વરભાઈ, બાભભાઈ, પમો, માલતી, લાલૂડો, રાણીકાના કોર્પોરેટર દિલીપસિંહ, અમાનઅલી, શૌકતઅલી, ઉઝમાં, બિરાદર, રહેમાન, નેરાના કોર્પોરેટર અક્રમમિયાં અને ભારતીય સેનાના દસ જવાનો.
(૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨. અયોધ્યાથી આવતી ટ્રેનને રોકીને સળગાવી એના બરાબર એક મહિના પછી તારીખ ૨૭મી માર્ચ, ૨૦૦૨ અને રાત્રિના સાડા દસ વાગ્યા છે. ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આર્મીના દસ જવાનો એક વિસ્તારમાં એ. કે ૪૭ સાથે આટા મારી રહ્યા છે.)
પમો: બિરાદરે આવું કર્યું? બાળપણથી એને હમેશાં મારી સાથે ને સાથે રાખ્યો અને એણે મારા ભાઈઓને તલવારના ઘા ઝીંક્યા! હું એ વાત ના માનું.
ઈશ્વરભાઈ: હું તો પહેલેથી જ કહેતો હતો કે એ જાત જ વિશ્વાસને લાયક નથી, પણ તું મારુ ના માન્યો. હવે થયો ને વિશ્વાસ તને કે તારા જ ભાઈબંધએ આપણાં લોકોના માથા વાઢ્યા.
માલતી: તમે આમ પમા ઉપર રાડું ના નાખો, એ બિચારાને થોડી ખબર હતી આવી કઈં?
ઈશ્વરભાઈ: તું તો ચૂપ જ બેઠ અને આ શું તું ભાયડાની વચ્ચે આવીને બેસી ગઈ છે? જા ઉપર જા, ખબર નથી તને કે કર્ફ્યૂ છે એમ!
લાલૂડો: બાપુ, તો તમે શું કરવા બહાર બેઠા? હમણાં ઓલા આર્મીવાળા આવશે તો ભડાકે દેશે. એ કઈં જોશે નહીં કે તમારા નામ પાછળ હિન્દુ લાગે કે મુસલમાન.
ઈશ્વરભાઈ: લાલૂડાં, માપમાં રહીને બોલ જે બાકી અત્યારે ને અત્યારે તલવાર કાઢી તારા એક ઘા ને બે કટકા કરી નાખીશ.
પમો: હા, બસ એ જ આવડે છે તમને લોકોને એક ઘા ને બે કટકા. મને તો વહેમ છે કે આ બધુ શરૂ કરવા વાળા તમે લોકો જ તો નથી ને!
દિલીપસિંહ: ભાઈ પમા, બાપ છે એ તારો જરાક શરમ ભર એની. અને અમે એ જાતના લોકોને હાથ પણ શું કામ અડાવીએ? ખબર નહીં ક્યારે ક્યા પ્રાણીનું કયું અંગ ખાતા હોય?
લાલુંડો: દિલીપકાકા, આ કર્ફ્યૂ પહેલા તમે ઓલું ધોળા બટેટા જેવું શું ખાતા હતા?
દિલીપસિંહ: (અચકાતા.. અચકાતા) શું.. શું? ક્યા? કોણે કીધું?
લાલુંડો: આ ઓલા દિવાનપરામાં ઉસ્માનની લારીએ.
દિલીપસિંહ: (હાથમાં પહેરેલ કાંડા ઘડિયાળ જોઈ વાત બદલતા) આ બાભભાઈ હજી કેમ ના આવ્યા? હમણાં જો ઓલા આર્મીવાળા આવશે ને તો હેરાનગતિ થશે.
ઈશ્વરભાઈ: પમા એ પમા!
(પમો કઇંક ઊંડા વિચારમાં ડૂબેલો છે.)
માલતી: પમા, તારા બાપા બોલાવે છે જવાબ તો દે.
પમો: હા. (હજી વિચારમગ્ન જ છે.)
ઈશ્વરભાઈ: જા બાજુની શેરીમાંથી બાભભાઈને બોલાવીને આવ અને સાંભળ આર્મીવાળાથી સાચવીને.
લાલુંડો: પમા, લે હું ભેગો આવું એક સે ભલે દો.
દિલીપસિંહ: હા, આ લાલ્યાને લઈ જા અમસ્તો અહિયાં ખોટે ખોટી અણી કાઢે છે.
લાલુંડો: (મજાક કરતાં કરતાં) દિલીપકાકા, ભૂખ લાગી હોય તો ધોળા બટેટા લેતો આવું? ઉસ્માનનું ઘર એ જ બાજુ છે.
(દિલીપસિંહએ આંખો કાઢી, લાલ્યો અને પમો ત્યાંથી બાજુની શેરીમાં બાભભાઈને બોલાવા જાય છે. હજી તો ચાર મકાન વટયા ત્યાં તો બન્ને દોડતા અને રાડો નાખતાં નાખતાં પાછાં આવ્યા)
દિલીપસિંહ: (સફાળા ઊભા થયાં) એલા શું થયું? ધીરે બોલ, આ આર્મીવાળા તારા મામા નથી કે આપણને મૂકી દેશે.
ઈશ્વરભાઈ: એક મિનિટ દિલીપબાપુ, શું થયું પમા? કેમ આમ રઘવાયો થયો છે?
પમો: (હાંફતા.. હાંફતા) બાભભાઈ.. (સરખું બોલી નથી શકતો)
ઈશ્વરભાઈ: માલતી, પાણી લાવ જલ્દી.
(માલતી ગોળામાંથી બે ગ્લાસ પાણી લાવીને આપે છે.)
પમો: (પાણી પીતા પીતા) બાભભાઈના હાથમાં ખુલ્લી તલવાર છે, અને એની પાછળ એની શેરીના લોકો નેરામાં રહેતા અમાનઅલીના છોકરા
રહેમાનને મારતા મારતા આ બાજુ લાવે છે.
લાલુંડો: (બહું ડરીને બોલે છે.) બાભભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું છે અને એ જોર જોરથી બોલતા હતા, “હવે તો આ લોકોની આખી
જાતને કાપી નાખું.”
ઇશ્વરભાઇ: (દિલીપસિંહના ખભે હાથ મૂકીને) મરદની જાત કહેવાય બાભભાઈ. હાલો, આપણે પણ થોડો હાથ સાફ કરી આવીએ,
પમો: પપ્પા, પણ એ રહેમાનનો શું વાંક છે આમાં?
ઈશ્વરભાઈ: વાંક તો આપણાં નટુડાનો પણ ક્યા હતો? તો પણ તારા જીગરી બિરાદરએ બધા વચ્ચે એનું ઢીમ ઢાળી દીધું ને!
દિલીપસિંહ: પમા, હવે તો નટુના બદલામાં રહેમાન એમ સમજી લે.
લાલુંડો: (ચિંતામાં બોલે છે) પણ એ ફક્ત ૧૪ વર્ષનો છે!
ઈશ્વરભાઈ: તો શું થઈ ગયું? આપણો નટુ તો આવતા વર્ષે પરણવાનો હતો. જીવના બદલામાં જીવ.
પમો: (નિસાસો નાખતા) અને આર્મીવાળા આવી જશે તો?
માલતી: મે તો સાંભળ્યું છે કે આર્મીવાળામાં પણ બે – ત્રણ મુસલમાન છે.
દિલીપસિંહ: તો હવે એને પણ આવવા દ્યો, એની એ. કે. ૪૭થી એનો જ ઢાળ્યો કરી નાખશું.
(બાભભાઈ અને બાકીના ટોળાં, અધમૂઆ રહેમાનને લઈને ઇશ્વરભાઇના ઘર પાસે આવે છે. પમો રહેમાનને બચાવવા દોડે છે પણ બાભભાઈ પમાના ગળા પર તલવાર મૂકી દે છે.)
બાભભાઈ: ઈશ્વરભાઈ, તારા પમાને કહી દે માપમાં રહે બાકી આ તલવાર છે એને વાર નહીં લાગે પમાનું ગળું કાપતા.
ઇશ્વરભાઇ: (હાથ જોડતા) બાભભાઈ, શાંતિ રાખો. એ અણસમજુ છે માફ કરો એને.
પમો: આ તલવાર તો અમાનઅલી પાસે પણ હશે જ ને બાભભાઈ?
બાભભાઈ: (પમા સામે ડોળા કાઢતા) હું કોઈના બાપથી નથી ડરતો.
માલતી: પમા, તું આ બધી લપમાં શું કામ પડે છે? જા તું અંદર જા.
પમો: મમ્મી, શું કામ જાવ? આ રહેમાનનો વાંક શું છે? એની હાલત જોવો તમે.
દિલીપસિંહ: (રહેમાન પાસે જઈને, એનું મોઢું ઊચું કરીને બે – ત્રણ ઝાપટ મારે છે) મુસલમાન છે અને આપણાં એરિયામાં આવ્યો છે એ એનો વાંક છે.
લાલુંડો: એક બાળકને વગર હથિયારે વીસ પચ્ચીસ માણસો ભેગા થઈને મારો છો અને પાછાં ઘમંડથી કહો છો કે રહેમાનનો વાંક છે.
બાભભાઈ: લોહીના બદલામાં લોહી, આજે રહેમાન કાલે એનો ભાઈ શૌકત પછી એનો બાપ અમાનઅલી અને પછી આ પમાનો જીગરી
બિરાદર. એક એક ને પકડી પકડીને રહેશી ના નાખું ત્યાં સુધી મારા ભાઈ નટુની આત્માને શાંતિ નહીં મળે.
લાલુંડો: એ લોકો પણ કઈં ચૂપ થોડી બેઠશે? એ પણ તૈયારી કરતાં જ હશે ને તમારું ઢીમ ઢાળી દેવાની.
ઈશ્વરભાઈ: કાલે કરવું એના કરતાં આજે જ કરીએ, આપણે બધા એક તો થયા જ છીએ તો એ એકતાનો લાભ લઈ જઈએ નેરામાં અને અમાનઅલીને એના અલ્લાહ પાસે મોકલી દઈએ.
બાભભાઈ: હા, એટલે જ અહિયાં આવ્યો છું. એ પેલા એક કામ કરવાનું છે.
(બાભભાઈ, બાજુમાં ઉભેલા રવિને કઇંક કહે છે અને રવિ એના ઓળખીતા એક કેમેરામેનને ફટાફટ છુપાઈને લઈને આવે છે.)
દિલીપસિંહ: (ગભરાઈને) આ શું? આને મારીએ છીએ એ રેકોર્ડ કરવાનું છે?
બાભભાઈ: ના.. ના તમે બસ જોતાં રહો. રવિ, કેમેરો શરૂ કરાવ.
(રહેમાન પાસે જાય છે, એના વાળ પકડે છે અને એને ઝાપટ મારતા મારતા કહે છે.)
બાભભાઈ: બોલ જય શ્રી રામ બોલ.. બોલ બાકી અત્યારે ને અત્યારે કાપી નાખીશ બોલ જય શ્રી રામ.
(રહેમાન અધમૂઈ હાલતમાં બચવા માટે જય શ્રી રામ બોલે છે. પમો અને લાલુંડો આ જોઈ નથી શકતા અને એ ત્યાંથી જતા રહે છે. અચાનક આર્મી આવતું હોય એવું લાગે છે એટલે એ ધર્મ બચાવ ટોળું ઈશ્વરભાઈના ઘરમાં જતું રહે છે.)
(પમો અને લાલુંડો પમાના રૂમમાં બેઠા બેઠા વાત કરે છે)
પમો: લાલૂડા, કઇંક કરવું પડશે. કઇંક તો ગેરસમજણ થઈ છે, બિરાદર આવું ના કરે અને તું તો જાણે છે નટુને એ પહેલેથી જ થોડો અળવીતરો તો હતો જ.
લાલુંડો: વાંક દિલીપસિંહ અને અક્રમનો છે.
પમો: અક્રમ કોણ?
લાલુંડો: નેરાનો કોર્પોરેટર. મે જો ને દિલીપસિંહને ખિજવ્યા નહીં હમણાં કે ધોળા બટેટા ખાવા છે! એ મે અક્રમ અને દિલીપસિંહને ઉસ્માનની લારીએ ઈંડા ખાતા સાથે જોયા હતા.
પમો: હા તો એમાં બિરાદર, નટુ અને રહેમાનને શું લાગે વળગે?
લાલુંડો: (ઊભો થાય છે.) તું હાલ મારી સાથે.
પમો: (આશ્ચર્યમાં) અત્યારે? પણ ક્યા?
લાલુંડો: અમાનઅલી ના ઘરે, આપણે જ આ પરિસ્થિતિને અમાનઅલીને સમજાવવી પડશે બાકી માંડ શાંત પડેલું કોમી રમખાણ પાછું સળગી ઉઠશે.
પમો: ના.. ના એવું તો નથી જ થવા દેવું.
(પમો અને લાલુંડો છુપાઈને ખાંચા – ગલ્લીમાંથી અમાનઅલીના ઘરે નેરામાં પહોંચે છે. દરવાજો ખટખટાવે છે, અંદર અમાનઅલી, શૌકતઅલી, બિરાદર અને ઘરના બાકી સભ્યો હુમલાનો સામનો કરવા હથિયાર લઈને બેઠા છે. ઉઝમાં દરવાજો ખોલે છે. દરવાજો ખૂલતાં જ પમો અને લાલુંડો ફટાફટ અંદર ઘૂસી જાય છે.)
બિરાદર: (પમાને જોઈને ભેટી પડે છે) પમા, તું?
શૌકતઅલી: બિરાદર, આ શું દુશ્મનને ગળે મળે છે? પીઠ પાછળ છરો ભોકશે છરો.
બિરાદર: ના મામાજાન, આ પમો છે મારો બાળપણનો મિત્ર એ મારા માટે લડી જાય પણ કોઈ દિવસ મને ઉની આંચ ના આવવા દે. નવમાં ધોરણમાં અમારા જ વર્ગના વિધાર્થીએ મને પરિકર માર્યું હતું તો હું રડવા લાગેલો ત્યારે પમાએ એ વિધાર્થીને એવો માર માર્યો કે એ આજે પણ અમને રસ્તામાં મળે તો નીચું માથું નાખીને ચાલતો થાય. પમો અહિયાં મારવા નથી આવ્યો કઇંક કહેવા આવ્યો છે એ પણ રહેમાન વિશે.
(અક્રમને અણસાર આવી જાય છે કે એણે અને દિલીપસિંહએ લગાવેલી આગ કદાચ બુજાઈ રહી છે.)
અક્રમ: આ હિન્દુના શું વિશ્વાસ કરે છે બિરાદર? આ લોકો દિવસે જય શ્રી રામ જય શ્રી રામ કરે અને રાત્રે એ જ રામનામે ગોરખધંધા કરે.
લાલુંડો: હા, તો એમાં તમારા પરમમિત્ર પણ સાથે જ છે ને દિલીપસિંહ? શું કહેવું અક્રમ ભાઈજાન?
અક્રમ: (મુંજાઈને) ક્ક કોણ દિલીપસિંહ?
લાલુંડો: ધોળા બટેટા ખાવામાં તમારા જન્મો જન્મના સાથી.
અક્રમ: (વાત બદલવાની કોશિશ કરે છે) જોયું.. જોયું અમાનઅલી? આ લોકો એ હિન્દુ ટોળાંના સંદેશવાહક છે. હમણાં હિન્દુ ટોળાં અહિયાં આવશે અને આપણાં પર હુમલો કરશે.
પમો: એકદમ સાચું કહ્યું અમે સંદેશવાહક જ છીએ પણ એ ટોળાંના નહીં તમારા.
અમાનઅલી: મતલબ? શું કહેવા માંગો છો?
પમો: પહેલી વાત, તમારો છોકરો રહેમાન અધમૂઈ હાલતમાં ત્યાં રાણીકામાં મારા ઘરમાં છે અને એ લોકો એને મારી મારીને એના મોઢે પરાણે જય શ્રી રામ બોલાવે છે. બીજી વાત, એ ટોળું હમણાં એકાદ કલાકમાં અહિયાં હુમલો કરવા આવે છે પૂરી તૈયારી સાથે. ત્રીજી વાત, તમે હુમલાનો કોઈ જ જવાબ નહીં આપી શકો કારણ કે તમારો રહેમાન એમની પાસે છે અને તમારી પાસે કઈં જ નથી. ચોથી વાત, એ લોકોના માથા ભમી ગયા છે આર્મીવાળા સામે પણ એ લોકો લડી પડશે.
અક્રમ: તો અમારી પાસે તું અને આ દોઢ લાલુંડો છો જ ને.
ઉઝમાં: ના.. ના અક્રમભાઈ, આ છોકરાઓનો શું વાંક છે? એ લોકો તો આપણને ઇંકતીલ્લા કરવા આવ્યા છે.
અક્રમ: ભાભીજાન, આ બધી હિન્દુઓની ચાલ છે. તમે ભોળા પડો આ વાતમાં.
લાલૂડો: એવું! તો તો પમા, જરાક આક્રમ ભાઈજાનને જ એ ટોળાં સામે પહેલા મોકલીએ તો.
અક્રમ: (ગભરાઈને) મમ્મમમ.. મારે શું છે પહેલા? હું શું કામ જાવ?
બિરાદર: એક મિનિટ પમા, પણ આ બધુ છે શું? એ લોકો અમારે ત્યાં શું કામ?
પમો: તે નટુને મારી નાખ્યો એટલે?
બિરાદર: (આ વાત સાંભળી હક્કો ભકકો થઈ ગયો) કોણ નટુ? હું તો કાલે ખાસ પરવાનગી લઈ ઘોઘા ગયો હતો મારા વાલિદને ચાદર ચઢાવવા.
(અક્રમ ધીરે ધીરે નીકળવાની કોશિશ કરે છે કારણ કે હવે એનો ભાંડો ફૂટવાની તૈયારીમાં છે.)
લાલુંડો: (અક્રમને રોકતા) અક્રમ ભાઈજાન, ક્યા જવું છે? બહાર ખતરો છે! અહિયાં જ ઊભા રહો.
પમો: તો નટુને કોણે માર્યો?
અમાનઅલી: અમને શું ખબર? બિરાદર અને શૌકતતો ગઈકાલે સાથે હતા ઘોઘામાં, યકીન ના આવે તો પૂછી આવો ચાવડીગેટ ચોકીએ ત્યાં જ તો બધા કાગળ કરાવ્યા.
(પમો બધી વાત સમજી ગયો, એને ખ્યાલ આવી ગયો કે આ કામ અક્રમ અને દિલીપસિંહનું જ છે. બહાર ટોળાંનો અવાજ આવે છે, આ બાજુ આર્મીવાળા પણ આવી ગયા છે. એ લોકો ટોળાને ચેતવણી આપે છે પણ ટોળામાં રહેલા અમુક લોકો આર્મીવાળા પર પથ્થરમારો કરે છે. પમો સમયસૂચકતા વાપરીને અમાનઅલીના ઘરના પાછળના દરવાજેથી નેરામાં આવેલી મસ્જિદમાં જતો રહે છે. સવારની આઝાન થવાને એક કલાકની રાહ હતી, પમાએ આઝાનનું માઇક લીધું અને બોલ્યો)
પમો: લોહીનો રંગ લાલ છે ને? હિન્દુ હોય કે મુસલમાન શું બન્નેના રંગ અલગ છે? જન્મ થતાં શું એ બાળકને ખબર છે કે એ હિન્દુ છે કે મુસલમાન? આજે અહિયાં નેરાના ચૌકમાં એક હિન્દુટોળું હથિયારો સાથે અમાનઅલીના પરિવાર પર હુમલો કરવા આવ્યું છે. એમાં મારા પિતા પણ છે, કાકા પણ છે. અને એકબાજુ મારો જિગરજાન મિત્ર બિરાદર અને તેનો પરિવાર છે. એ પણ હથિયારો સાથે લડવા માટે સજ્જ છે. હું પૂછું છું શું કામ? નટુને માર્યો એટલે? બાભભાઈ, તમે ચૌદ વર્ષના રહેમાનની હાલત કરી એ પહેલા વિચાર્યું કે નટુને કોણે માર્યો? બિરાદરએ માર્યો એવું આવીને તમને કહ્યું કોણે? દિલીપસિંહએ? આ નેતાઓ છે નેતાઓ, જાતિના ઝેર ભરી ભરીને આ નેતાઓ રોજ રાત્રે સાથે જ મહેફિલ ઉડાડે છે. જુઓ તમે જ તમારા ટોળામાં દિલીપસિંહ છે? અમાનઅલી, તમે જુઓ તમારા ટોળામાં અક્રમ છે? નહીં ને? એ તો કોમવાદના જનેતા એનું દુશ્મનીનું બીજ રોપીને ભાગી ગયા અને તમે નીકળી પડ્યા હિન્દુ.. હિન્દુ.. મુસલમાન.. મુસલમાન કરીને! આજે હું પવિત્ર બ્રાહ્મણનો છોકરો છું અને મસ્જિદના આઝાનનાં માઈકમાંથી બોલું છું. આવતીકાલે આ જ મુદ્દાને લઈને કોઈ નેતા આવશે તમારી પાસે અને દુશ્મનીના બીજ ફરી વાવશે. બાભભાઈ, નટુ મળી ગયો ને પાછો? તમે રહેમાનને મારી મારીને જય શ્રી રામ બોલાવી દીધું તો તમને મળી ગયો ને તમારો નટુ? આવતા વર્ષે કરશો ને એના લગ્ન? ભણેલા, ગણેલા થઈને આવા કોમવાદી નેતાઓની વાતોમાં આવીને એકબીજાના છોકરા હણવા નીકળી પડ્યા છો! આજે મને શરમ આવે છે કે આ એ ભાવનગરની માણસજાત છે જેના રાજા કૃષ્ણકુમારસિંહજી તેની દરેક પ્રજાને એકસરખું માન આપતા. માણસ આજે માણસનો દુશ્મન બની બેઠો અને નેતા એ લાભ જોઈ ખુદનું ઊભું કરી બેઠો.
(પમાની વાત પૂરી થઈ અને એકબાજુ આઝાન બોલાઈ, બીજી બાજુ રામ મંદિરમાં મંગળા આરતી વાગી અને પડદો પડ્યો.)
સુનિલ ગોહિલ “માસ્તર”


















































