જિંદગી શું છે ?
એ સવાલનો જવાબ શોધવા કરતા જિંદગી ક્યાં છે, એ શોધીશું તો મજા આવશે ! જિંદગીને “શું” પૂછવાથી માત્ર થિયરી જ મળશે. કદાચ એટલા લેખ મળી જશે કે જિંદગી પુરી થઈ જશે વાંચતા વાંચતા. પણ જિંદગી “ક્યાં છે” એ પૂછવા થી પ્રેક્ટીકલ મળશે. કદાચ બીજા જેવા અનુભવો ના મળે પણ જે મળશે એ આપણા પોતાના અનુભવોનો અર્ક મળશે.
શું પૂછવાથી માત્ર ‘તત્વજ્ઞાન’ મળશે જે કદાચ ગુંચવાળો પેદા કરી દેશે, જયારે ક્યાં છે એમ પૂછવાથી ‘સત્યજ્ઞાન’ મળશે. જે જીવનરાહ જરૂર સરળ બનાવી દેશે.
ખરું કહું તો, જિંદગીને સમજવાના ચક્કરમાં આપણે ક્યારેક એને જીવવાનું અને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ.
આપણી જિંદગી એક એવી પ્રયોગશાળા છે, જ્યાં રોજ નવા પ્રયોગો થતા રહતા હોય છે અને પ્રયોગો નવા હોય એટલે પરિણામ પણ કદાચ અપેક્ષિત ના જ મળે.
આમ જોઈએ તો, જિંદગી નામનું પ્રશ્નપેપર ભલે બધાનું એક સરખું હોય પણ અંતે દરેકને મળતું પરિણામ હમેંશા અલગ અલગ જ હોવાનું કદાચ “પોતાની આવડત મુજબ” .
જીવનને માણવાની મજા લેવાની હોય પણ આપણે બધા જ એને એટલા ભારે ભારે શબ્દોથી શણગારી દઈએ છીએ કે પછી ના તો ક્યારેય આપણે હળવા થઈ શકીએ ના આપણી જિંદગી….
અસંખ્ય આડંબર અને સમાજના બનાવેલ અગણિત રિવાજો વચ્ચે આપણે પણ એટલા અટવાઈ જઈએ છીએ કે બધા થી ઉપર આપણા કરતાં લોકો શું વિચારશે શું કહેશે એનાથી જ ફર્ક વધારે પડવા લાગે છે.
જિંદગી તર્ક આધારિત ક્યારેય ના જીવાય અને વધુ પડતા તર્ક પણ ના કરાય! આપણે જિંદગી શું છે એ શોધતા રહીએ અને જિંદગી રોજ નવા પ્રશ્નો મૂકી દે! નવા આશ્ચર્યો મૂકી દે.
જે લોકો વિચારીને પોતાની જિંદગીને હમેંશા ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય છે એવા લોકો ક્યારેય જિંદગી જીવી જ શકતા નથી.
મધ જેટલું જૂનું થાય એટલું મધુરું બને એ રીતે જ જિંદગી જેટલી જીવતા જશું એમ વધારે વ્હાલી બનશે.જિંદગી શું છે એ શોધવાથી તમને માત્ર જ્ઞાન મળશે પણ જિંદગી ક્યાં છે શોધવાથી જીવવાનો સાચો રસ્તો મળશે જે તમને રાહત આપશે.
આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે હવે આ ક્ષણે આપણી જિંદગી ખતમ થઈ ગઈ છે પણ કદાચ એ ક્ષણે થી જ જીવવાની કોઈ નવી રાહ મળી આવે છે.બસ આપણને શોધતા આવડવું જોઈએ. જરૂરી નથી કે મહાન કાર્યો કરવાથી જ જીવનમાં રાહત મળે ક્યારેક કોઈ રડતા બાળકને હસાવવાથી મળી આવે,તો કદી કોઈ જરુરીયાતમંદને મદદ કરવાથી મળી આવે તો વળી ક્યારેક કોઈ પક્ષીને પાંજરામાંથી આઝાદ કરવાથી મળી આવે, કોઈ એકદમ ગમતું મળી આવે તો જિંદગી મળી આવે.
જિંદગી બધે જ છે બસ એને શોધીને જીવતા આવડવી જોઈએ.
“શોધનો કોઈ અંત નથી, શોધને કોઈ વિરામ નથી,
શું શું કરીને કશું મળવાનું નથી,
ક્યાં છે એ સમજશું તો કશું ગુમાવવાનું નથી,
જિંદગીને જીવવાનો આના થી ઉત્તમ કોઈ વિકલ્પ નથી…..
Related