(ચાર દિવસ પહેલા બનેલી સત્ય ઘટના પરથી પ્રેરિત)
ડોરબેલ વાગ્યો.
“અરે મમ્મી પપ્પા તમે અચાનક!” નિખીલ આશ્ચર્યચકિત થઈ ગયો.
“બેટા, આ ન્યુઝમાં શું આવે છે બધું? અમે તો ચિંતામાં આવી ગયાં.” જીગરભાઈએ કહ્યુ.
“શું? કઈ વાત કરો છો તમે?”
“આ જો તારી વહુના પરાક્રમ.” હેતલબેને મોબાઈલમાં એક વાઇરલ વિડીયો બતાવતા કહ્યુ કે જેમાં તેમની વહુ મોનલ, છોકરાને સાવરણો પકડાવો તેવું કહેતાં હતા.
“હા તો આમાં ખોટું શું કહ્યુ?” નિખીલે સામાન્ય પ્રતિક્રિયા આપી.
“હા એ તો દેખાય જ છે!” હેતલબેને નિખીલના હાથમાં સાવરણી જોઈને કહ્યુ.
“શું દેખાય છે?” નિખીલે પુછયું
“નિખીલ, આ તને શું કંઈ શોભે છે? મુકી દે તું આ બધું અને આ મોનલ ક્યા મરી છે?” હેતલબેનથી ના સહન થયું એ ગુસ્સામાં બબડયા.
“મમ્મી, એમાં શું શોભે ના શોભે? મોનલ બાજુનાં એક સ્લમ વિસ્તારમાં એની સંસ્થા વતી સ્ત્રી કેળવણી પર મહિલાઓને મળવા ગઈ છે.” નિખીલ એ કચરો વાળતાં વાળતાં કહ્યુ.
“અરરર.. મારે તો કરમ ફૂટ્યા કે આ બાઈ મારા નિખીલના જીવનમાં ભટકાણી, ઘરનો સાવજ સાવરણી પકડી ઉભો ને બાઈ ગામ સલાહ દેવા ઉપડી.” હેતલબેને પોક મૂકી.
“મમ્મી, શું તું પણ વાતનું વતેસર કરે છે? જો કચરો વળાય જ ગયો છે, બોલ તારે શું નાસ્તો કરવો છે?”
“હે રામ! હવે તું રસોડામાં પણ જઈશ? મારા સાવજ તારા હાથમાં તલવાર, બંદૂક કે કલમ શોભે, વેલણ નહીં. રસોડું એ વર્ષોથી બૈરાવનો ઈજારો છે, ત્યાં તમે પુરૂષ ના શોભો.”
“મમ્મી, તું કંઈ સદીમાં જીવે છે? તે જ તો મને જ્યારે હું હોસ્ટેલમાં રહેતો ત્યારે રસોઈ શીખવાડી હતી, કપડા ધોતા શીખવ્યું હતું, સાફ સફાઈ શીખવી હતી અને હવે મારા લગ્ન થઈ ગયા અને મોનલ આવી ગઈ તો અચાનક મને આ કામ ના શોભે? અને એવું ક્યા ગ્રંથમાં લખ્યું છે કે પુરુષ ઘરનું કામ ના કરી શકે? સ્ત્રીઓનો ઈજારો ક્યારેય ઘરકામ માટે હતો જ નહીં, એ તો સમાજે એવું જાહેર કરી દીધું કે સ્ત્રી એટલે ઘરનું કામ! તું બિમાર રહેતી ત્યારે પપ્પા પણ તારી સેવા કરતા જ ને! તો પછી આવી માનસિકતા તારામાં ક્યારથી આવી? દીકરો હોય કે દીકરી દરેક માટે કોઈ ઈજારો છે જ નહીં, બન્ને એકસમાન છે અને એકસમાન કામ પણ કરી જ શકે છે.”
મોનલ દરવાજે ઉભી ઉભી આ બધી જ વાત સાંભળી ગઈ અને તેના મનમાં નિખીલ માટે માન ખુબ વધી ગયું.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































