એવું કોઈ હશે કે જેણે નાનપણમાં મહાભારતની કથા નહીં સાંભળી હોય? મોટાભાગે જવાબ નામાં જ હશે. આપણે સૌ,આપણી અગાઉની પેઢી (અને કદાચ આવતી પેઢી પણ) મહાભારત અને રામાયણની વાતો સાંભળીને મોટાં થયાં છીએ. અને આ બંને પૌરાણિક કથાઓનાં પાત્રોએ આપણામાં ઉપર એક અમીટ છાપ છોડી છે.
દ્રૌપદી એ મહાભારતની કથાનું એક ખૂબ જ સશક્ત પાત્ર છે. રાજકુમારી, અને એ પણ યુદ્ધકળા પ્રવીણ, ચતુર ,મહાબુદ્ધિશાળી અને કૃષ્ણની પરમ સખી. દ્રૌપદીનું માન ઉપજે એવું વ્યક્તિત્વ મહાભારતમાં ઉપસાવાયું છે. પરંતુ મને એવું કાયમ લાગ્યું છે કે દ્રૌપદીની સાથે અન્યાય થયો છે. કૃષ્ણ સાથેની એની મૈત્રી જે રીતે દર્શાવવામાં આવી છે, એ જોતાં અને જે રીતે રાજકુમારીઓને પોતાનો વર પસંદ કરવાની છૂટ હતી, એ જોતાં એ સમયગાળામાં સમાજમાં સ્ત્રીનું સ્થાન ઘણું ઊંચું હોય, એને ઘણી સ્વતંત્રતા આપવામાં આવતી હોય એવું એક નજરે લાગે. પણ ના, કેટલાય બનાવોની ભીતર ઝાંકવાથી ખ્યાલ આવે છે કે સ્ત્રીઓ, જે દ્રૌપદીની જેમ સ્વતંત્ર લાગતી, એ સ્વતંત્ર નહોતી જ.હા,અમુક કિસ્સાઓને અપવાદરૂપ ગણી શકાય.
ચાલો, નાનપણમાં સાંભળેલા એ પ્રસંગને યાદ કરીએ. અર્જુન મત્સ્યવેધ કરીને દ્રૌપદીને વરીને, દ્રૌપદી અને ચાર ભાઈઓ સાથે ઘરે પાછો આવે છે. માતા કુંતા એ જે પણ લાવ્યા હોય તેને પાંચેય ભાઈઓમાં સરખા ભાગે વહેંચવાનું કહી દે છે અને પછી ખબર પડે કે એ તો એક સ્ત્રી છે. નાનપણથી મને એક સવાલ સતત સતાવતો કે માતા કુંતી પાંચ પુત્રોમાં દ્રૌપદીને કઈ રીતે વહેંવાનું કહી શકે? વહેંચી એને શકાય, જે વસ્તુ હોય. સ્ત્રી શું વસ્તુ છે? મારો તો કાયમ કન્યાદાન માટે પણ વિરોધ. કન્યા કંઈ તમારી વસ્તુ છે કે તમે એનું દાન કરો? એને તો પાછું ઉત્તમ કક્ષાનું દાન માનવામાં આવે. તો અહીં સ્ત્રીની માનસિક સ્થિતિ વિશે કોઈ એ વિચારવાનું નહીં? સ્ત્રી જાણે ગુલામની માફક કે કોઈ વસ્તુની માફક લેવા-આપવાની કે દાન કરવાની ચીજ? ચાલો, માની લઈએ કે માતા કુંતાને ખબર ન હતી કે એમના પુત્રો શું લઈને આવ્યા છે એટલે વહેંચવાનું કહી દીધું. અચ્છા ચાલો, માની લઈએ કે જે થયું તે થયું, જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું. તો શું એ એક વ્યક્તિ છે એ જાણ્યા પછી માતા કુંતા પોતાના શબ્દો પાછા ન લઈ શકે? એક વખત બોલાઈ જાય તો એક સ્ત્રીએ આજીવન પાંચ પતિ ચલાવવાના? અને પુત્રોએ આવીને એમને શું કહ્યું હશે? “મા, જો અમે શું લઈને આવ્યા?” “શું?” એમણે એક સ્ત્રી માટે “શું” શબ્દ વાપર્યો હશે? જો એમ કહ્યું હોત કે,”મા, આ જો અમે કોને લઈને આવ્યા?”તો માતા કુંતાને ખબર પડી ગઈ હોત કે કોઈ વ્યક્તિને લઈને આવ્યા છે. શું તો પણ એમણે પાંચ વચ્ચે વહેંચવાનું કહ્યું હોત? કદાચ હા અને કદાચ ના. અને જો ન કહ્યું હોત, તો કદાચ મહાભારત અલગ રીતે લખાયું હોત. એ જે પણ હોત, પણ એક સ્ત્રીને પાંચ પુત્રો વચ્ચે વહેંચવાની વાત સ્ત્રી માટે કેટલી પીડાજનક રહી હશે? આ સ્થિતિ માટે દ્રૌપદી માટે પીડાજનક હતી. પાંચે ભાઈઓ જાણતા હતા કે દ્રૌપદી માત્ર અર્જુનને ચાહે છે. છતાં તેમણે તેને પત્ની તરીકે સ્વીકારી. આ કંઈ ઓછું પીડાજનક ન કહેવાય.
છતાં દ્રૌપદી પાંચે ભાઈઓને સાચવનારી પેટી સાબિત થઈ. પાંચ ભાઈ જો પાંચ આંગળીઓ હોય, તો એ પાંચે આંગળીઓને બાંધીને રાખનારી મુઠ્ઠી સાબિત થઈ, એમની શક્તિ બની.
આવી જ પરિસ્થિતિ આજના સમયમાં ઉદ્ભવે તો? સૌથી પહેલાં તો આપણા ભારતનો કાયદો એક કરતાં વધુ પતિ કે પત્ની રાખવા જ ન દે. ત્યાં જ પૂર્ણવિરામ! છતાં માની લો, કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તો આજની સ્ત્રી એ સ્વિકારે ખરી? સાસુ, કે જેને હજુ ઓળખતી પણ નથી, એ માત્ર જેને પરણીને આવી એની મા હોવાના નાતે, એમનો આવો નિર્ણય સ્વિકારે? અને નિભાવે? બિલકુલ નહીં! આજની સ્ત્રી પોતાને વસ્તુ તરીકે ગણાવવાનું, વહેંચાવવાનું કદી નહીં સ્વીકારે. માત્ર સાસુની શું કામ, ખોટી વાત એ માની પણ નહીં સ્વીકારે. આજની સ્ત્રી ગાય નથી કે દોરે ત્યાં જાય. આજની સ્ત્રી સમજદાર છે એ જયાં પણ જશે, બહુ સમજી-વિચારીને જશે. હા, જેને પતિ તરીકે સ્વીકારે એને સંપૂર્ણપણે સ્વીકારી શકવાની ક્ષમતા આજની સ્ત્રીમાં જરૂર છે. પોતાના જીવનનો નિર્ણય એ પોતે કરશે અને પછી એ નિર્ણયને વળગી રહેશે. અને વળગી રહેવા માટે જે પણ કરવું પડે એ ચોક્કસ કરશે.
આજની સ્ત્રી પાંચ પતિને તો નહીં સ્વીકારી શકે, પણ એક પતિના પાંચ પાસાને જરૂર સ્વિકારી શકે. પાંચ આયામિક સાથ આપી શકે. બીજા શબ્દોમાં કહું તો પાંચ વિવિધ મોરચે સાથ આપી શકે. આપી જ રહી છે.
સૌથી પહેલું એ કે પતિને માનસિક આધાર આપી શકે, સાયકોલોજીકલી સપોર્ટ કરી શકે. આજના હરિફાઈના સમયમાં એકબીજાથી આગળ નીકળી જવાની હોડમાં વાતાવરણ ખુબ સ્ટ્રેસફુલ થઈ ગયું છે. આ સમયમાં જ્યારે પતિ વ્યવસાયમાં, મિત્ર મંડળમાં, સામાજિક સંસ્થાઓમાં, આસપાસનાં વાતાવરણમાં માનસિક પરિતાપ ભોગવતો હોય, એવા સમયે પત્ની એને મનથી સધિયારો આપે છે, એની હિમ્મત બંધાવે છે. આજે સ્ત્રી પુરુષ જેટલું શિક્ષણ પામેલી છે. કોઈક કિસ્સામાં તો પુરુષ કરતાં વધારે શિક્ષિત છે. એટલે પુરુષની દરેક પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને એને સમજી શકે છે. એમાંથી બહાર નીકળવાના ઉપાયો સ્વસ્થ ચિત્તે વિચારી અને સૂચવી શકે છે.
બીજું, કે ઘરમાં વધું સુખ-સુવિધા આવે, બાળકોને વધુ સુખદ ભવિષ્ય મળે, એમનાં શિક્ષણ માટે પૈસા ખર્ચ કરતી વખતે વિચાર ન કરવો પડે, પતિ ઉપર વધુ કમાવાનો બોજ ન પડે એ માટે આજની સ્ત્રી પુરુષની સાથે ખભેખભા મિલાવીને કમાવા પણ નીકળી પડે છે-એ પણ ઘરની જવાબદારીઓને અવગણ્યા વગર.
ત્રીજું, ઘરની જવાબદારી, ઘરની સારસંભાળ. ઘરને સુઘડ રાખવું, કમાણીનો યોગ્ય વપરાશ કરવો, સાત્વિક, ગુણકારી અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવી(હા, આજના સમયમાં જ્યારે સ્ત્રી એક સાથે અનેક ઘોડે ચડતી હોય ત્યારે કોઈક કિસ્સામાં રોજ જાતે ભોજન બનાવવું એના માટે શક્ય ન પણ હોય) બાળકોની સાર-સંભાળ રાખવી, તેમને ભણાવવા, એમનું સ્કૂલનું હોમવર્ક કરાવવું, ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું, એમની માટે સમયસર જમવાનું પૂરું પાડવું, દવાઓ લાવીને રાખવી. અમુક સંજોગોમાં, અમુક કિસ્સાઓમાં તો દવા લેવાની યાદ પણ કરાવવાની. ઘરકામમાં મદદ કરવા માટે આવનારા માણસો જ્યારે રજા પાડે ત્યારે એમની અવેજીમાં નવા માણસોની વ્યવસ્થા કરવાની, કેટકેટલાંય કામ કોઈનાં ધ્યાનમાં આવ્યા વગર એ કરી લેતી હોય છે.
ચોથું- તેના પતિની વ્યક્તિગત જરૂરિયાત. પતિના ભોજન- કપડા, એના ગમા-અણગમા, એને કઈ પરિસ્થિતિમાં, ક્યારે, શું જરૂર છે એ સમજી જવું તથા સૌથી મહત્વનું પતિની શારીરિક જરૂરિયાત. આ બાબતમાં સ્ત્રી ગમે તેટલી થાકેલી હોય ગમે એવી માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હોય, એ પોતાની સગવડ કે જરૂરિયાત કરતા પતિની જરૂરિયાતનું ધ્યાન વધારે રાખે છે. કોઈ વાર તો, પતિને નહીં ગમે એવું વિચારીને એ પોતાના શોખને પતિની જાણ બહાર જ દબાવી દેતી હોય છે.હવે છેલ્લા થોડા સમયથી સ્ત્રીઓ પોતાની જરૂરિયાત વિશે પતિ સાથે ખુલ્લા મને ચર્ચા કરતી જરૂર થઈ છે. પરંતુ વાત બંનેના મત અલગ પડવાની આવે ત્યારે હજી મોટાભાગના કિસ્સાઓમાં એ પતિનો મત સ્વીકારતી હોય છે.
પાંચમું-પતિ જ્યારે તકલીફમાં આવે, પતિ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે સ્ત્રી દુર્ગા બનીને પૂરી દુનિયાની સામે પતિની ઢાલ બનીને ઊભી રહી જાય છે. એ સમયે અબળા કહેવાતી નારીમાં ખબર નહી ક્યાંથી એટલું જોર, એટલો જુસ્સો આવી જાય છે, એટલી શક્તિ આવી જાય છે, કે એ પૂરી દુનિયાની સામે લડી જાય છે અને કળિયુગની સાવિત્રી બનીને પોતાના પતિને દરેક પ્રકારની મુશ્કેલીથી બચાવી લે છે.
બોલો,આજની સ્ત્રી આધૂનિક દ્રૌપદીથી કમ છે?
આજે પણ ભરી સભામાં એનું વસ્ત્રાહરણ થાય છે. એટલે કે સમાજ વચ્ચે એનું અપમાન થાય છે,એનાં વિશે ઓછી વાત કરવામાં આવે છે અને આખો સમાજ-એનો પતિ પણ-જોતો રહી જાય છે.અરે,ક્યાંક તો એનો પતિ જ દુઃશાસનની ભૂમિકા ભજવી જાય છે. હજુ પણ એને વસ્તુ સમજવામાં આવે છે- ભલે એ તેને સ્વિકાર્ય ન હોય.હજુ જુગારમાં એને હારવામાં આવે છે. લીધેલા પૈસાના બદલામાં એનો સોદો થાય, એને વેચવામાં આવે, બિઝનેસ વધારવા માટે એની સુંદરતાનો ઉપયોગ થાય, એ બધું જુગારમાં હાર્યા બરાબર જ તો છે!
બસ, સ્થૂળ અર્થમાં એણે પાંચ પતિની પત્ની નથી બનવાનું. બાકી આજની સ્ત્રીની પીડા, એની તકલીફ અને એની ફરજો, દ્રૌપદી કરતાં જરાય ઓછાં નથી.


















































