“World bicycle day” ની ઉજવણી દ્વારા તમામ ક્ષેત્રે બેલેન્સ કરવાનો બોધ લેવો જોઈએ. જો દરેક ક્ષેત્રે બેલેન્સ કરતા આવડી જાય તો વિશ્વ સાયકલ દિનની ઉજવણી સાર્થક ગણાય. ત્રીજી જૂન વિશ્વ સાયકલ દિન તરીકે ઉજવવામાં આવે છે એ તો સર્વવિદિત હશે જ.
એક જમાનો હતો કે સાયકલ જેની પાસે હોય તેને સુખી અને સંપન્ન ગણવામાં આવતા. મારા પિતાશ્રી મને હંમેશાં કહેતા કે અમારા જમાનામાં તો સાયકલ પ્રતિષ્ઠાદર્શક એટલે કે સ્ટેટસ સિમ્બોલ ગણાતી, પરંતુ ધીરેધીરે વિકાસના નામે તેમ જ વધુ ને વધુ આરામદાયક જીવનપ્રાપ્તિની ખ્વાઈશમાં મનુષ્યજીવનમાંથી ધીરે-ધીરે સાયકલ જેવી ઉત્તમ વસ્તુની બાદબાકી થતી ગઈ અને હવે આટલા વર્ષો પછી અથવા કહો કે અનેક દાયકાઓની આરામદાયક જિંદગી પછી આપણને સમજાયું કે જીવનમાં આરામપ્રાપ્તિના ચક્કરમાં અનેક રોગોને આપણે આમંત્રણ આપી ચૂક્યા છીએ. જેથી હવે કસરતના એક સુરક્ષિત અને સરળ સાધન તરીકે સાયકલને સ્વીકાર્યા વગર છૂટકો નથી. એટલે સાયકલને હવે કસરતના સાધન તરીકે ઘણા લોકોએ સ્વીકારી છે અથવા જીમમાં ટ્રેડમિલના સ્વરૂપમાં તેને સ્વીકારવામાં આવી છે. મને સાચું પૂછો તો એ વાતનો સંતોષ છે કે મનુષ્યને વાસ્તવિકતા અને યોગ્ય તેમજ સારી વસ્તુની કિંમત વહેલી કે મોડી અવશ્ય સમજાય છે.
સાયકલ ડે વિશે મને કોઇ પૂછે તો હું એટલું અવશ્ય કહું કે સાયકલ આપણને જીવનની ઉમદા અને ઉત્તમ ફિલોસોફી સમજાવી જાય છે. આપણે બધાએ સાઇકલ ચલાવી પણ હશે અને સાયકલ ચલાવતા લોકોને જોયા પણ હશે જેના દ્વારા એટલું નિરીક્ષણ તો દરેકે અવશ્ય કર્યું જ હશે કે સાયકલ આપણને જીવનમાં ગતિ શીખવે છે એટલે કે સતત અવિરત આગળ વધવાની શીખ આપે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ બેલેન્સ કરી શકે કેમ કે સાઇકલ ચલાવતા જે વ્યક્તિ સમતુલા જાળવી શકતી નથી તે પડી જાય છે અથવા ઘાયલ પણ થઈ શકે છે. પરંતુ જો બેલેન્સ કરતા આવડી જાય તો ગતિ અને પ્રગતિ બંને શક્ય બને. આમ પણ રોજબરોજની ક્રિયામાં કે દૈનિક જીવનમાં ડગલે ને પગલે સમ્યકતા કે બેલેન્સની આવશ્યકતા રહેતી હોય છે જેમ કે ખોરાક વધુ ખવાય તો તકલીફ અથવા ઓછો ખવાય કે ન ખવાય તો પણ સમસ્યા. જો શરીરમાં ખોરાક મર્યાદામાં કે પ્રમાણસર જાય તો જ શરીર સ્વસ્થ રહી શકે. જે બીજું કંઈ નહીં પરમિતતા કે સમ્યકતાનો નિયમ સમજાવે છે એટલે કે બેલેન્સ ડાયટની મહત્તા સમજાવે છે. તેવી જ રીતે વધુ ઊંઘ પણ જોખમી અને ઓછી ઊંઘ પણ ખતરનાક પરંતુ સમ્યક નિંદ્રા સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી આપે છે. એ જ રીતે સંબંધોમાં વધુ પ્રેમ પણ જોખમી અને ઓછો પ્રેમ પણ અનેક મુશ્કેલીઓનું સર્જન કરે. ટૂંકમાં જીવનમાં ક્ષણે-ક્ષણ દરેક બાબતમાં બેલેન્સ એપ્રોચ અતિ આવશ્યક છે જે બોધ સાયકલ દ્વારા આપણને શીખવા મળે છે.
એક અધ્યાપક તરીકે કોલેજમાં જ્યારે હું બિઝનેસ અર્થશાસ્ત્ર ભણાવું ત્યારે માર્કેટ equilibrium પર ખૂબ ભાર મૂકુ કેમકે વેપાર, બિઝનેસ કે સમગ્ર અર્થશાસ્ત્રની મૂળભૂત શરત જ સમતુલા છે જે વગર બિઝનેસ શક્ય જ નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછે મેડમ બિઝનેસમાં સંતુલનની આટલી બધી વ્યવહારિક અગત્યતા શા માટે છે, બિઝનેસમાં સમતુલાની સ્થિતિ ન હોય તો ન ચાલે? કેમ કે રેવન્યુ મોડેલ કે પ્રોફિટ મોડેલ સમજાવતી વખતે સંતુલનની શરતને આપણે આટલું મહત્ત્વ કેમ આપીએ છીએ? ત્યારે એમને ટેકનિકાલીટી સમજાવતા પહેલા હું અવશ્ય એ સમજાવું કે વેપાર એટલે બે વ્યક્તિ વચ્ચેની સમતુલા. જ્યારે વેચનાર અને ખરીદનાર વચ્ચે કોઈ સમતુલાની શરત કે સમાધાન શક્ય બને તો જ વેપાર સંભવે. જો વેપારીને ખૂબ ઊંચી કિંમતે વસ્તુ વેચવી હોય અને ગ્રાહકને લગભગ મફતના ભાવે ખૂબ સસ્તામાં તે ખરીદવાની ઈચ્છા હોય તો વેપાર કરી શક્ય બને નહીં. જ્યાં બંને પાર્ટીની શરતો સંતોષાય ત્યાં જ એક્સચેન્જ શક્ય બને. આમ બંને પાર્ટીની શરતો સંતોષાવી એટલે બીજું કાંઇ નહીં પરંતુ સમતુલાની પ્રાપ્તિ.
હવે વિચારો બિઝનેસ હોય, દૈનિક જીવન હોય, સંબંધો હોય, પર્યાવરણ હોય કે અન્ય કોઈપણ બાબત દરેક જગ્યાએ બેલેન્સ એપ્રોચ આવશ્યક છે. જે અસ્તિત્વની મૂળભૂત અનિવાર્ય શરત છે. સાયકલ ચલાવતી વખતે વધુ ઝુકાવ કોઈ એક બાજુએ હોય તો પડવાની ગેરંટી છે. ટૂંકમાં સમગ્ર સંસારમાં સમતુલાનો નિયમ અસ્તિત્વમાં છે. પર્યાવરણમાં પણ સમતુલા આવશ્યક છે આપણે સૌ જાણીએ છીએ કે અતિશય અવિરત વરસાદ હોય કે અસહ્ય ગરમી કે અતિશય ઠંડી તો જીવસૃષ્ટિના અસ્તિત્વ અંગે ઘણા મોટા જોખમો ઊભા થાય. બ્રહ્માંડની દરેક ગતિવિધિમાં કે લગભગ દરેક તત્વોમાં એક શિસ્તબદ્ધ નિયમ જોવા મળે છે જે બીજું કંઈ નહીં સમ્યકતાનું દર્શન કરાવે છે.
આમ સાયકલ દ્વારા સમગ્ર માનવસૃષ્ટિ બે મોટા બોધપાઠ લઇ શકે.
૧) જીવનના દરેક તબક્કે બેલેન્સ એપ્રોચ – જેને શાસ્ત્રો વિવેકબુદ્ધિ તરીકે ઓળખે છે. કોઈપણ નિર્ણય જીવનમાં વિવેકબુદ્ધિ દ્વારા લેવામાં આવે એટલે કે બેલેન્સ એપ્રોચ દ્વારા હેન્ડલ કરવામાં આવે તો તકલીફો, મુશ્કેલીઓ કે સમસ્યાઓની જીવનમાંથી બાદબાકી થઇ શકે. પરંતુ આપણે ક્યારેય સમ્યક રહી શકતા નથી. જેના પર પ્રેમ છે તેની ખરાબી કે દોષ આપણે જોઈ શકતા નથી અને જેના પર નફરત છે તેની સારાઈ આપણને દેખાતી નથી. આમ “ઇસપાર કે ઉસપારની એક્સ્ટ્રીમીસ્ટ નીતિ દરેકના જીવનમાં જોવા મળે છે. આપણો દુશ્મન પણ જો સાચો હોય તો ખુલ્લા દિલે તેની તરફેણ થવી જોઈએ તેને વિવેક કહેવાય અને એ જ જીવનનો સાચો બેલેન્સ એપ્રોચ છે. પરંતુ આપણે તો જો નફરત કરીએ તો પ્રેમ ના કરી શકીએ અને જો પ્રેમ કરીએ તો ખરાબી જોઈ ન શકીએ. ઈશ્વરે આપણને બે આંખો આપી હોવા છતાં આપણે એક આંખનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને સમગ્ર જીવન પૂર્વગ્રહિત પસાર કરીએ છીએ જે બીજું કંઈ નહીં સમ્યકતાનો અભાવ દર્શાવે છે. મોટાભાગે આપણે સમતા વગરની અપૂર્ણ લાઈફ જીવતા હોઈએ છીએ. ભગવાન બુદ્ધે અષ્ટાંગયોગ દ્વારા માત્ર આઠ પ્રકારની સમ્યકતા જ શીખવી છે (સમ્યકદ્રષ્ટિ, સમ્યકવાણી, સમ્યકઆજીવિકા, સમ્યકવ્યાયામ, સમ્યકકર્મ, સમ્યકસ્મૃતિ, સમ્યકસંકલ્પ અને સમ્યક સમાધિ) કેમ કે જીવનમાં માત્ર અને માત્ર સામ્ય, સમતુલા કે બેલેન્સની જ આવશ્યકતા છે. જિંદગી જીવવાનો અને જીતવાનું એ જ રામબાણ ઈલાજ છે.
૨) સતત ગતિ અને પ્રગતિ – સાયકલ આપણને શીખવે છે કે થાક્યા વગર સંપૂર્ણ ઉત્સાહ સાથે સતત આગળ વધતા રહેવું જોઈએ તો મંઝિલ અવશ્ય પ્રાપ્ત થાય છે.
આ બે ખૂબ મહત્વના બોધપાઠ સાઇકલ ડેના દિવસે જીવનમાં ઉતારવા જોઈએ એવું મને લાગે છે તો જ આજના આ દિનની ઉજવણી વૈજ્ઞાનિક અને સમજણયુક્ત બને.
આ ઉપરાંત સાયકલના બે મોટા ફાયદા છે ૧) તે આપણને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, હૃદય અને ફેફસાને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓમાં સાયકલ ઉચ્ચ સ્થાન ધરાવે છે અને ૨) પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરે છે, જે આજના જમાનાની તાતી જરૂરિયાત છે. વાહનો દ્વારા સતત વધતા પ્રદુષણને અટકાવવાનો જો કોઈ સરળ રસ્તો હોય તો એ જીવનમાં સાયકલનો સ્વીકાર હોય શકે. ટૂંકમાં સાયકલ વ્યક્તિ સમાજ અને પર્યાવરણને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાનો ખૂબ ઉત્તમ અને સરળ ઉપાય છે તો આવો આજના વિશ્વસાયકલદિને જીવનમાં સાયકલને આમંત્રણ આપીએ.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































