સનાતન સત્ય તો એ છે કે પ્રકૃતિના તમામ તત્વો સક્રિય છે એટલે જ જીવંત છે, કેમ કે સક્રિયતા એટલે જીવન અને નિષ્ક્રિયતા એટલે મૃત્યુ એ આપણે સૌ જાણીએ છીએ. જીવનની દરેક પ્રાપ્તિ પુરુષાર્થને આધીન છે, છતાં ખબર નહીં કેમ આજની પેઢીને કામ ગમતું નથી. ખેડૂત જો ખેતી ના કરે તો અનાજ પ્રાપ્ત થાય ખરું? આપણા ઘરમાં અનાજ હોય પરંતુ જો કોઈ રસોઈ ન બનાવે તો ભોજન મળે ખરું? આટલી સામાન્ય વાત તો દરેકને સમજાવી જ જોઈએ, પરંતુ છતાં વર્તમાન સમયે દરેક કુટુંબની એક સામાન્ય સમસ્યા છે કે ઘરમાં જે વ્યક્તિ કામ કરે છે તેના પર કામનું ભારણ વિશેષ છે અને બાકીના લોકો આળસુ બની ચોવીસ કલાક ટીવી, લેપટોપ કે મોબાઇલની દુનિયામાં બેઠાડું જીવન પસાર કરે છે. ખાસ કરીને આપણા ત્યાં ભાઈઓ ઘરકામ કરવાનું પસંદ કરતા નથી.
તેમને પીરસેલી થાળી બેઠા-બેઠા મેળવવાની આદત પડી ગઈ છે. કદાચ એમાં પણ મા, બેન, પત્ની, દીકરી વગેરેનો વાંક હોઈ શકે, કે તેઓ પિતા, પતિ, ભાઈ અને દીકરાની સગવડોનું વિશેષ ધ્યાન રાખે છે. એક જમાનામાં જ્યારે પતિ-પત્ની બંને નોકરી નહોતા કરતા ત્યારે કદાચ કામની વહેંચણી વધુ સમાન હતી. કેમ કે ઘરની બહારનું દરેક કામ ભાઈઓ દ્વારા થતું અને ઘરની અંદરનું તમામ કામ બહેનો દ્વારા થતું. પરંતુ આજ-કાલના ભણેલા-ગણેલા, સંસ્કારી સમાજમાં દરેકને વહુ ભણેલી-ગણેલી અને કમાતી જોઈએ છીએ, પરંતુ ઘરકામની વહેંચણીના નિયમો હજુ એ જૂનાપુરાણા જ માફક આવે છે. કારણ કે તેમાં જ ભાઈઓને ફાયદો વધુ છે, પરંતુ બહેનો પર બેવડી જવાબદારી આવી ગઈ છે. પ્રેમભાવ, દયા કે લાગણીથી ભાઈઓ સામે ચાલીને કામ કરવાની કે મદદ કરવાની તૈયારી બતાવતા નથી અને જો બહેનો એ અંગે ફરિયાદ કરે કે મદદની માગણી કરે તો ભાઈઓને ગમતું નથી અને ઘરનું વાતાવરણ તંગ અને અશાંત બને છે. આમ ઘરના વાતાવરણને સામાન્ય અને શાંત રાખવા બહેનો ચૂપચાપ મશીનની જેમ દરેક કાર્ય એકલા હાથે કરતી રહે છે. ખરેખર તો પ્રકૃતિનો નિયમ છે કે કામ કરે તેને જ ભોજન મળે. ઈશ્વરે બધું જ આપ્યું હોવા છતાં આપણે ખેતરમાં કાળી મજૂરી કરવી પડે છે, અનાજ મેળવ્યા પછી રાંધવાની મહેનત પણ કરવી પડે છે. જો એ મહેનત ના કરીએ તો સર્વ કંઈ પ્રાપ્ય હોવા છતાં જઠરાગ્નિ શાંત કરી શકાતો નથી.
પુરુષાર્થ ન કરનારને તો પ્રકૃતિ પણ મદદ કરતી નથી. કામ વગર ભોજન કેવું?અહીં એક વાર્તા મને યાદ આવે છે. રૂપ-રૂપના અંબાર જેવી એક સુંદર છોકરી હતી, રૂપમતી નામ, જેવું નામ તેવા જ ગુણ. ખૂબ લાડકોડથી મા-બાપે ઉછેરેલી. લગ્નની ઉંમર થઈ, મુરતિયો શોધવાની પ્રક્રિયા આરંભી પરંતુ માબાપની એક જ શરત કે મારી દીકરી સાસરીમાં કોઈ કામ નહીં કરે. આ શરત જેને મંજૂર હોય તે ઘરમાં દીકરીના લગ્ન માટે મા-બાપ તૈયાર હતા. અનેક મુરતિયાઓ જોયા, દરેકને રુપમતી ગમી જતી પરંતુ વિચિત્ર શરતને કારણે લગ્ન શક્ય બનતા નહીં. એનો અર્થ એ કે વ્યક્તિ કેટલી સુંદર, સંસ્કારી કે ગુણીયલ છે તેનું બહુ મહત્વ નથી પરંતુ તેને કામ આવડવું જોઈએ. સાચું પણ છે ઘરમાં રહીને ઘર બનાવતા કે ઘર સંભાળતા ન આવડે તો શું કામનું? પરંતુ આ તર્ક માત્ર બહેનોને જ નહીં ભાઈઓને પણ લાગુ પડવો જોઇએ. કેમ કે ઘર તો બંનેનું છે, તો નિયમો પણ બધા માટે સરખા હોવા જોઇએ. પરંતુ રૂપમતીની ઉંમર વધતી ચાલી, એક દિવસ સદનસીબે એક વૃદ્ધ પધાર્યા અને પોતાના દીકરા માટે માગું નાખ્યું અને સામેથી કહ્યું કે અમને તમારી બધી શરત મંજૂર છે. લગ્ન થયા, અહી રૂપમતીની સાસરીમાં એવો નિયમ કે બધાએ વહેંચીને સરખે ભાગે કામ કરવાનું અને બધાએ ભેગા મળીને ભોજન કરવાનું. પરંતુ રૂપમતીની લગ્નની શરતને કારણે રૂપમતીને કોઈ કામ સોપતું નહીં, બધા જ્યારે જમવા બેસતા ત્યારે રૂપમતી રાહ જોયા કરતી કે કોઈ મને થાળી પીરસીને આપવા આવશે, પરંતુ સસરાના આદેશને કારણે એ કાર્ય કોઈના દ્વારા થતું નહીં. સસરાનો નિયમ કે જે કામ ન કરે તેને ભોજન પણ મળે નહીં.
કેમ કે કામ વગર ભૂખ શેની લાગે? આમ તેને ભોજન કોઈ આપતું નહીં. થોડા દિવસો આ પ્રમાણે ચાલ્યું, ન કામ ન ભોજન. પરંતુ ભૂખના માર્યા રૂપમતીની ઊંઘ ઉડી ગઈ, એક દિવસ સવારમાં વહેલી ઉઠી અને કામે લાગી ગઈ, બધા ઉઠે તે પહેલા ઘરનું બધું કામ અને રસોઈ તૈયાર કરી નાખી. બધા સાથે જમવા બેઠા ત્યારે સસરાએ કહ્યું આજે રૂપવતીને વધુ ભોજન આપવામાં આવે કેમકે તેણે કામ બધા કરતાં વધુ કર્યું છે. આ રીતે રૂપમતી કામ કરતી થઇ ગઈ અને લગ્નની શરત પણ તૂટી નહીં. આને કહેવાય સમજદારી, પરંતુ આજ-કાલના ઘરોમાં સમજદાર વડીલોનો અભાવ જોવા મળે છે. જેના કારણે ખૂબ અગત્યના સંસ્કારોથી સમાજ વંચિત રહી જાય છે. વર્તમાન સમયે દરેક ઘરમાં કામ ન કરવાની જાણે ફેશન ચાલે છે. બહેનો કે ભાઇઓ ઘરના કામને પસંદ કરતા નથી અને જરૂરી કસરત માટે જિમમાં જાય છે. આમ બંને તરફ પૈસા વાપરી પોતાની જાતને બુદ્ધિશાળી સમજે છે. તેનું કદાચ એક મહત્વનું કારણ એ પણ હોઈ શકે કે ઘરમાં બધા લોકો વહેંચીને કાર્ય કરતા ન હોવાને કારણે એક વ્યક્તિ પર વધુ બોજ પડે છે અને તે થાકી જાય છે, કંટાળી જાય છે. વળી કોઇને સુધારી ન શકવાને કારણે અંતે પોતે જ બગડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીરની રચના જ એવી છે કે તે જો કાર્ય કરતું રહે તો જ સ્વસ્થ રહી શકે. વળી વહેચીને કાર્ય કરવાથી કુટુંબના સભ્યોમાં પ્રેમભાવ અને લાગણીનું વાતાવરણ બની રહે છે.
અણગમો કે અન્યાયની ભાવના કોઈના મનમાં ઉદભવતી નથી અને સંસાર સુખ-શાંતિમય બને છે. પ્રકૃતિનો નિયમ કાર્ય નહીં તો ભોજન (ફળ) નહીં નું યથાર્થ પાલન નહીં થાય તો દાંપત્યજીવનમાં કડવાશ આવશે, સંબંધો બગડશે, આવનાર પેઢી યોગ્ય શીખ, સંસ્કાર કે ટ્રેઈનીંગ વગરની રહી જશે. જેની ખૂબ ઊંચી કિંમત ભવિષ્યે ચૂકવવી પડશે. આપણે સૌ જાણીએ છીએ ઈશ્વરની થપ્પડમાં અવાજ નથી હોતો, એટલે જ કદાચ આપણને વાત સરળતાથી સમજાતી નથી અને પછી જ્યારે કાર્ય ન કરવાને કારણે ભોજન નથી મળતું (એટલે કે જીવન નર્કમય બની જાય છે) અથવા ઈશ્વરી આદેશો તોડવાની સજા મળે છે જેમ કે રોગ, અશાંતિ, સંબંધ વિચ્છેદ, અશક્તિ, અભાવ ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. જેથી વેળાસર સમાજ અને પ્રકૃતિના નિયમોને સમજી જીવનને કાર્યસભર, સક્રિય, જીવંત અને પ્રેમાળ બનાવી પ્રકૃતિની કૃપા પ્રાપ્ત કરી લેવી જોઇએ. આપણો અનુભવ છે કે જીવન ક્યારેય કોઈને ફરી મોકો આપતું નથી. કેમ કે જીવનરૂપી ગાડીમાં રિવર્સ ગિયરની કોઈ વ્યવસ્થા જ નથી હોતી.
શિલ્પા શાહ, ડિરેકટર એચ. કે. બીબીએ કોલેજ.



















































