પ્રકરણ – ૭ ડ્યુઅલ પર્સનાલિટી
“પાણી લાવો જલ્દી પાણી!” જુલી ચિંતામાં બોલી.
પરિમલ લંડનથી આવેલા બિઝનેસમેનને જોઈને બેભાન થઈ ગયો. દિવસ હતો છતા એ બિઝનેસમેનને જોઈને તારા દેખાઈ ગયા.
થોડીવાર માટે એ બિઝનેસમેન આ જોઈ અવાક થઈ ગયો. કોઈ દિવસ મુલાકાત થયેલી નથી અને મહાન જાદુગર પરિમલ મોટા માલિક મોટા માલિક એમ કેમ કરે છે? એના મગજમાં ઘૂમરીઓ ચડવા લાગી. બાજુમાં પડેલા ડાઈનિંગ ટેબલ પરથી પાણીનો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયો. થોડીવાર પછી બિઝનેસમેનના ધબકારા નોર્મલ થયા, એનો પતંગની જેમ ચડી ગયેલો શ્વાસ કપાઈને નીચે પડેલા પતંગની જેમ નીચે બેઠો.
“આ બધુ શું છે? મીસ્ટર પરિમલ આમ કેમ વર્તન કરે છે? શું એ કોઈ ડ્રગ્સ કે એવું લે છે? જો એવું કાંઇ હોય તો મને કહી દો મારે એમની પાસે કોઈ શો નથી કરાવો.” એ બિઝનેસમેન પૈસાથી ખચોખચ ભરેલી બેગ લઈ દરવાજા ભણી ઉપડ્યો.
વિશ્વરાજ લક્ષ્મી ચાંદલો કર્યા વગર જઈ રહી છે એ જોઈ એની પાછળ દોડ્યો. હાથ જોડી વિનંતી કરી.”

“સર.. સર.. સર.. એમાં એવું છે કે કાલ રાત્રે સફળતાપૂર્વક એકસો શો પૂરા કર્યા એની ખુશીમાં થોડી ઉજવણી કરી અને એમાં રાત્રે મોડું થઈ ગયું તો પરિમલને આરામ નથી થયો એટલે કદાચ એ આવો બબડાટ કરે છે. આપ શાંતિથી બેસો હું એને હમણાં જ ભાનમાં લાવી દઉં છું.” વિશ્વરાજ જોડેલા હાથે પરિમલ પાસે ગયો.
બિઝનેસમેન કાચા મને બેઠયો. જુલી હજી આશ્ચર્યમાં જ હતી. શું કરવું એને કાંઇ સમજ નહોતી પડતી. વિશ્વરાજે પરિમલને ઉચક્યો અને અંદર રૂમમાં લઈ ગયો. વિશ્વરાજને આટલી દાજ ચડી હતી કે એણે પરિમલને ત્રણ ચાર તમાચા જિકિ દીધા. પરિમલ સફાળો બેઠો થઈ ગયો.
“ક્યાં છે મોટા માલિક? ક્યાં ગયા? મને મોટા માલિક પાછા મળી ગયા. અરે નાના માલિક, તમારા પિતાજી જીવતા છે. જલ્દી બતાવો મને ક્યાં ગયા? અરે કહો ને ક્યાં ગયા? આટલા દિવસ એ ક્યાં હતા?” પરિમલે બબડાટ આદર્યો.
વિશ્વરાજને ફરી વધુ દાજ ચડી અને એણે પરિમલને પાછા ત્રણ ચાર તમાચા જિકિ દીધા. પરિમલનો ગાલ ટમેટાની જેમ લાલ થઈ ગયો. જો જુલી વચ્ચે ના આવી હોત તો હજી બીજા તમાચા પડેત અને ગાલમાંથી લોહઇ ઉતરી નીકળી જાત.
“બસ, કેટલું મારશો? મને વાત કરવા દો.” જુલીએ પરિમલની આડી ઉભી રહી ગઈ.
“##&&, તું જ સંભાળ. કરોડોની ડીલ થઈ રહી છે અને મોટો માલિક.. મોટો માલિક મંડાણો છે.” વિશ્વરાજ ગાળ બોલી ફરી હાથ ઉપાડવા ગયો પણ જુલીએ રોક્યો અને પરિમલને ગળે લાગી ગઈ.
પરિમલને જુલીનો સ્પર્શ ગમ્યો. એનો બબડાટ જુલીના સ્પર્શથી બંધ થઈ ગયો. આવો સ્પર્શ એણે ક્યારેય અનુભવ્યો નહોતો.
“પરિમલ સર, હું તમને હાથ જોડું છું. આવો બબડાટ બંધ કરો. બહાર આપણાં માટે બહુ સારી ડીલ લઈને પેલા બિઝનેસમેન મીસ્ટર ભૈરવ આવ્યા છે. કરોડોનો ફાયદો છે. આપણી બધાની લાઈફ સેટ થઈ જશે. હવે, તમે આવો બબડાટ ના કરો. તમે બહાર આવશો પણ કશું બોલશો નહીં અને ડીલ ફાઇનલ કરશો. હું અને વિશ્વરાજ બધુ સંભાળી લઈશું.” જુલી હુકમના સ્વરમાં બોલી.
વિશ્વરાજને સર ના કહ્યું એ ખટક્યું પણ કરોડોનો ફાયદો થાય છે એમ ધ્યાનમાં રાખી એ કશું બોલ્યો નહીં. પરિમલ હજી જુલીના સ્પર્શના આનંદમાં અને મોટા માલિક જીવતા છે એ આઘાતમાં પડેલો હતો.
જુલી અને વિશ્વરાજ પરિમલને લઈને બહાર આવ્યા. પેલો બિઝનેસમેન જગ્યા પરથી ઊભો થઈ ગયો અને ધારી ધારીને પરિમલને જોઈ રહ્યો જાણે ડ્રગ્સ અને તેની અસરો વિશે જાણતો હોય.
“માફ કરજો સર, પરિમલને એન્ઝાયટી પ્રોબ્લેમ છે. રાત દિવસના શો, એનો થાકોડો એટલે આવું વર્તન કરી બેઠો. માંડ માંડ ભાનમાં આવ્યો છે. તમારી માફી માંગે છે.” વિશ્વરાજ એક શ્વાસે બોલી ગયો.
જુલીએ પરિમલના હાથ જોડાવ્યા. પરિમલ કશું બોલ્યો નહીં, હાથ જોડી માથું નમાવી ઊભો રહ્યો.
“એન્ઝાયટી! તો તો આનો તાત્કાલિક ઈલાજ કરવો જોઈએ.” બિઝનેસમેન ભૈરવ બોલ્યો.
“હા, આજે જવાનું જ હતું સાઈકાઇટ્રિસ્ટ પાસે. આજે જ અપોઇન્ટમેન્ટ હતી પણ તમને ક્યાં સુધી રાહ જોવડાવી, તમારો સમય પણ ખૂબ કીમતી છે એટલે અપોઇન્ટમેન્ટ પોસ્ટપોન કરી. તમારો સમય સાચવી લીધો પણ ભગવાને ધાર્યું એ થયું છતા પરિમલ સર હાથ જોડી તમારી માફી માંગે છે.” જુલીએ મીઠી મારી.
બિઝનેસમેન ભૈરવે પરિમલ સામે જોયું. પરિમલ કશું બોલ્યો નહીં, હાથ જોડી માથું નમાવી ઊભો રહ્યો.
બિઝનેસમેન ભૈરવ પણ ફાયદો જ ઈચ્છતો હતો કારણ કે પરિમલ જેવા જાદુના ખેલ હાલ કોઈ દુનિયામાં નહોતું કરી શકતું. એણે વાતને આગળ વધતી અટકાવી અને ડીલ માટેની જરૂરી વિગત કહી.
“આખા ઈંગ્લેન્ડમાં શો કરશું. જુઓ આ તમારું ટાઈમટેબલ:”
૫ ફેબ્રુઆરી – લંડન
૭ ફેબ્રુઆરી – માંચેસ્ટર
૯ ફેબ્રુઆરી – એજગબેસ્ટન
૧૧ ફેબ્રુઆરી – લીડ્ઝ
૧૫ ફેબ્રુઆરી – સ્કોટલેન્ડ
૧૮ ફેબ્રુઆરી – નોરટીઘમ
૨૫ ફેબ્રુઆરી – લંડન.
“છેલ્લો શો લંડનમાં ભવ્યથી ભવ્ય હશે. ઇટઝ લાઇક ગ્રાન્ડ ફિનાલે. ખૂબ મારકેટિંગ થશે અને તમારું પેમેન્ટ પાઉન્ડસમાં. ૧ મિલિયન પાઉન્ડસ એટલે કે ભારતિય કરન્સી મુજબ એક કરોડ ઉપર અને આ પચ્ચીસ લાખ રૂપિયા એડવાંન્સ.” મીસ્ટર ભૈરવે બેગમાંથી પૈસા કાઢ્યા.
વિશ્વરાજ અને જુલી પૈસા જોઈ ચકિત થઈ ગયા.
“તો ડીલ ડન કરીએ, મીસ્ટર પરિમલ?”
“અરે ડન.. ડન.. તમે એને ના પૂછો એ હાલ થોડો બિમાર છે. પણ એની હા જ છે. આવો આપણે સાઇન કરી લઇએ.” વિશ્વરાજ ઉતાવળો થયો.
“એક મિનિટ વિશ્વરાજ, ડીલમાં સાઇન તો મીસ્ટર પરિમલની જ જોઈશે.”
વિશ્વરાજને મીસ્ટર ના કહેતા ખટક્યું અને ડીલમાં સાઇન પરિમલ કરશે કે નહીં એ પણ ખટક્યું. જુલી કામ કરી ગઈ. જુલીએ પરિમલના કાનમાં કાંઇક કહ્યું અને પરિમલે જોડેલા હાથ ખોલ્યા અને બે જ શબ્દ બોલ્યો:
“લાવો, કોન્ટ્રાક્ટ.”
બિઝનેસમેન ભૈરવે ફટાફટ કોન્ટ્રાક્ટ આપ્યો. પરિમલે સાઇન કરી. વિશ્વરાજ અને જુલીને એ સાઇનમાં પોતાનું સુનેહરું ભાવિ લખાતું હોય એવું લાગ્યું.
“તો આપણે મળીએ સીધા લંડનમાં, ૨૫ જાન્યુઆરીએ.” બિઝનેસમેન ભૈરવ હાથ મેળવીને વિદાય થયો.
****
“ડૉક્ટર, આ આવું કેમ વર્તન કરે છે?” જુલી પરિમલને લઈને પ્રખ્યાત સાઈકાઇટ્રિસ્ટ બાટલીવાલાને ત્યાં આવી હતી.
પ્રખ્યાત સાઈકાઇટ્રિસ્ટ બાટલીવાલાએ આખો કેસ સ્ટડી કર્યો. એમનું વ્યક્તિત્ત્વ પણ અલગ હતું. ૫૫ કે ૬૦ ની ઉમર હશે, શરીરમાં એકો એક અંગ પર કરચલી પડેલી. નાકની દાંડીએ ચશ્મા ટેકવેલા હોય. માથામાં ગણી શકાય એટલા જ વાળ બચ્યા હતા છતા માથા પર હાથ ફેરવ્યા કરતાં કદાચ એટલે જ એટલા બચ્યા હતા. હમેશાં ચોકડાવાળો શર્ટ અને નીચે ડેનિમનું જીન્સ પહેરે.
“ડૉક્ટર, કાંઇ સિરિયસ વાત છે? જે કાંઇ પણ હોય એ કહો, અમારે આમના શો માટે પંદર દિવસ રહીને લંડન જવાનું છે.” જુલી લંડન શબ્દ ખૂબ ઉત્સાહમાં બોલી.
સાઈકાઇટ્રિસ્ટ બાટલીવાલાએ નાકની દાંડીએ ચશ્મા સરખા કર્યા. ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પરિમલ સામું જોયું અને થોડીવાર જુલી સામે.
“ડ્યુઅલ પર્સનાલિટીની સમસ્યા છે. એમ. આર. આઈ તો સારો છે. સિટી સ્કેનમાં પણ કશું છે નહીં. લોહીની તપાસ પણ સામાન્ય જ છે. ખૂબ સ્ટ્રેસ, વાંચન અને વિચારોના કારણે આ જાદુગર પરિમલ જાદુઇ દુનિયામાં જીવે છે. એને એવું લાગે છે કે એ કોઈ બીજી વ્યક્તિ પણ છે. ચિંતાની કોઈ વાત નથી, આવું ઘણા કેસમાં થાય, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ ઘટશે એટલે આપોઅપ બધુ ઠીક થઈ જશે. હું દવા લખી આપું છું, સમયે આપતા રહેજો અને હા, લંડન જાવ છો એટલે વધુ દવા લખી આપું છું.” બાટલીવાળા બોલતા બોલતા દવા પણ લખતા ગયા.
જુલીએ દવા લીધી અને પરિમલ સાથે ગાડીમાં પાછળ બેઠી. ડ્રાઇવરે ગાડી ભગાડી. પરિમલ ગાડીની બહાર જોઈ રહ્યો. ગાંધી ચોક પાસે જુલીએ પરિમલનું પોસ્ટર જોયું:
“મહાન જાદુગર પરિમલ મચાવશે લંડનમાં ધમાલ.”
જુલી પોસ્ટર જોઈ લંડનના વિચારોમાં ખોવાઈ ગઈ અને પરિમલ એ બિઝનેસમેન ભૈરવ એના મોટા માલિક છે એમ કેમ બને એ વિચારોમાં ગુમ થઈ ગયો.
~ સુનિલ ગોહિલ
“માસ્તર”.


















































