આઇપીએલની ૧૪મી સિઝનમાં કોરોના વાઇરસની એન્ટ્રિ થઇ ચૂકી છે જેના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બંનેએ અમદાવાદના બાયો-બબલમાં પ્રવેશ કર્યો હોવાની બાબતને પણ સમર્થન મળી ચૂક્યું છે. કોલકાતા ફ્રેન્ચાઇઝીએ બંને ખેલાડીઓએ અલગ કરીને આઇસોલેશનમાં મોકલી આપ્યા છે અને બાકીના ખેલાડીઓને છઠ્ઠી મે સુધી સખત પ્રોટોકોલ હેઠળ ક્વોરન્ટાઇન કર્યા છે. પ્રત્યેક દિવસે ખેલાડીઓનો ટેસ્ટ કરાવવામાં આવશે અને જો તમામ સભ્ય નેગેટિવ હશે તો જ સાતમી મેએ બેંગ્લોર સામેની મેચ રમાડવામાં આવે તેવી સંભાવના છે.
કોલકાતા ટીમના મેનેજમેન્ટે દલીલ કરી છે કે વરુણ પીપીઇ કીટ પહેરીને સ્કેન માટે ગયો હતો પરંતુ આ સ્થિતિમાં પાછા ફરતી વખતે એસઓપીનું પાલન નહીં કરવું તે ખેલાડીઓની સુરક્ષા પ્રત્યે દર્શાવેલી લાપરવાહી છે. એસઓપી મુજબ જો કોઇ ખેલાડી બાયો-બબલ છોડીને બહાર જાય છે તો તેણે પાછા આવ્યા બાદ સાત દિવસ જરૂરી ક્વોરન્ટાઇન પૂરું કરવું પડે છે. આ નિયમ હેઠળ હૈદરાબાદે નટરાજનને ઘૂંટણમાં ઇજા થયા બાદ શરૂઆતમાં રિલીઝ કર્યો નહોતો પરંતુ પાછળથી તેને પૂરી સિઝન માટે બહાર કરી દીધો હતો.
બિનસત્તાવાર અહેવાલ અનુસાર અમદાવાદમાં રોકાયેલી અન્ય એક ટીમ (સંભવિત દિલ્હી કેપિટલ્સ)નો એક ખેલાડી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે પરંતુ આ બાબતને કોઇ સમર્થન મળી રહ્યું નથી. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બાયો-બબલમાં કોરોના વાઇરસના પ્રવેશ પાછળ કોલકાતાની ટીમ દ્વારા દર્શાવવામાં આવેલી લાપરવાહી જવાબદાર છે.
૨૮મી એપ્રિલ બુધવારે કોલકાતાનો સ્પિનર વરુણ ચક્રવર્તી પોતાના ઘૂંટણના સ્કેન માટે અમદાવાદની એક હોસ્પિટલમાં ગયો હતો જ્યાંથી તે પાછો ફર્યો ત્યારે તેને સીધો બાયો-બબલમાં પ્રવેશ આવી દેવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે તે સમયે મેડિકલ ઓફિસર શું કરતો હતો ? શું બીસીસીઆઇ વરુણને બલિનો બકરો બનાવી રહ્યું છે ?
VR Sunil Gohil


















































