“શું વિચારી રહ્યા છો? આજે કેમ આટલા ચૂપ ચૂપ છો?”
માનસીના પ્રશ્ન એ મને એની હાજરીનો એહસાસ કરાવ્યો, મેં એની સામે જોઇને સ્મિત કર્યું, અને એણે મારો હાથ પોતાના હાથમાં
લીધો. ત્રીસ વર્ષે, આજે પણ એનો સ્પર્શ મને સુખ આપે છે.
“માનસી તને યાદ છે, આપણે પહેલી વાર આ જ દરિયાકિનારે મળ્યા હતા અને આવો જ સાંજનો સમય હતો?”
“હા મોહિત, વધુમાં, આ જ રીતે આપણે ઢળતા સૂરજને નિહાળી રહ્યા હતા. પછી આપણે એક બીજા સામે જોયું અને વાતો કરવાનું
શરુ કર્યું.”
મારો હાથ હજી એના હાથમાં હતો અને એનો સ્પર્શ મને આગળ વાત કરવાની હિમ્મત આપી રહ્યો હતો.
“હા, અને આજે એ વાતને ત્રીસ વર્ષ થઈ ગયા. માનસી, જીવનની સાંજ પડી અને વિચાર આવ્યો, આપણે કેલાય તડકા છાયા સાથે
જોયા, છે કે નહીં?”;
“હા મોહિત, પણ મને માફ કરજો. ચાહીને પણ, હું છેલ્લે સુધી તમારો સાથ ન નિભાવી શકી.”
આ શબ્દો મોઢામાંથી નીકળતા જ તે અદૃશ્ય થઈ ગઈ અને હું, ફરી એક વાર દરિયાકિનારે એકલો ઉભો સૂરજને આથમતા જોઈ રહ્યો
હતો. માનસી મને આ સંસારમાં એકલો મૂકીને ચાલી ગઈ, તે પહેલાં હોસ્પિટલમાં છેલ્લા દસ કલાક જે મેં એનો હાથ પકડી રાખ્યો
હતો, એ સ્પર્શનો એહસાસ જીવન ભર યાદ રહેશે. અને એ જ મને વારંવાર આભાસ કરાવે છે, કે માનસી આજે પણ મારી સાથે જ
છે.
શમીમ મર્ચન્ટ


















































