એલાર્મ વાગ્યું,
ઓહ..૫.૪૫ થઈ ગઈ,
બાપ રે, બહુ મોડું થઈ ગયુ આજે તો.
દીકરાને સ્કુલે મોડું ના થઈ જાય ક્યાંક.
હાશ…એ તો ટાઈમસર પરવારી ગયો,
હવે પતિદેવનો વારો.
ચાલો,ચા-નાસ્તો, ટીફીન. પતાવો ફટાફટ..
ઓહો…આજે આ માથું કેમ દુ:ખે છે?
અરે..મારી સવારની ચા તો ઠરી જ ગઈ,
ભૂલી જ ગઈ પીવાની..
હાશ…હવે શાંતીથી પેપર વાંચવા દે,
મારા મન-ગમતા ન્યુઝ જોવા દે,
આહ..એક કાંટો ફરી સળવળ્યો, શેનો?
છોડી દીધેલ મનગમતી કેરિયરને લગતા સમાચાર નજરે ચડી ગયા ને આજે ..
ચાલે રાખે એ તો..!!!!!!
આ ઘર .મારા પતિદેવ,મારો દીકરો, બધુ વધુ મહત્વનું,
આવી વાતો વાંચવી જ નહી
નકામી મારા અસ્તિત્વની શોધ-ખોળ ચાલુ થઈ જાય અંદરખાને.
દબાવી રાખેલ ચિનગારીઓ…!!!
ચાલો ચાલો..કામવાળી આવશે,
આજે તો બિલ ભરવાના છે..છેલ્લી તારીખ છે ને પાછી…
દુધવાળો પણ જપતો નથી.
આજે પેલી સાચવી રાખેલ ૧૦૦૦ની નોટ વટાવીને પણ પૈસા ચૂકવી જ દેવા દે.
મારી બ્લડ-પ્રેશરની અને વિટામીન્સની દવા તો પછી લેવાશે,
કંઈ ૪-૫ દિવસ ના લઉ તો મરી થોડી જઈશ.
ચાલે..તડજોડ તો કરવી જ પડે ને આજની મોંઘવારીમાં..!!!
આ ઘર ચલાવવું કંઈ સહેલું થોડું છે?
કેટ કેટલી ગણત્રી કરવી પડે એ તો.
આજે તો રેખાબેનને ત્યાં વ્યવહારમાં પણ જવાનું છે,
વ્યવ્હાર તો સાચવવા પડે ને.!!
સેવાપૂજા,જમવાનું રસોડું આટોપ્યું,,હાશ..
ચાલો,સોનાલીને ત્યાં કોઈ મિટીંગ જેવું છે તો જઈ આવું,બહુ કહે કહે કરે છે ને.
આવો આવો સ્નેહાબેન…કેમ છો.? આ મારી સખીઓ,,ચાલો ઓળખાણ કરાવું,
આ રીટા-ઈંટીરીઅર ડેકોરેશન કરે છે..બહુ કમાય છે.
આ સીમા-મેનેજરના પદ પર છે.
સીમબેન અને રીટાબેને મારી સામે જોઈ સોનાલીને પુછ્યું,
“આમનો પરિચય?”
“એ સ્નેહાબેન,હાઉસ વાઈફ..”
મને ગર્વ થઈ આવ્યો…હાસ્તો, હાઉસની મેનેજર…”
પેલા બે ય મારી સામે જાણે એક તુરછકારની ભાવનાથી જોતા હતા,
કે મારો દ્રષ્ટ્રીભ્રમ ?
ત્યાં તો સીમાબેન કહે..”બસ…ખાલી હાઉસવાઈફ…..!!!”
– ‘અક્ષિતારક’ સ્નેહા પટેલ