ગુરુપૂર્ણિમા એટલે ગુરુના ઋણમાંથી મુક્ત થવા નો પાવન અવસર ..વિશ્વના મોટા ભાગના ધાર્મિક સંપ્રદાયો માં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુ ના ભક્તો, શિષ્યો ,ભાવિકો ગુરૂ પૂજન કરી ધન્યતા અનુભવે છે.
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા ..તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે ..
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ગુરુ-શિષ્યના પાવનકારી સંબંધને સ્વીકારે છે.
પરમાત્માને જાણવા હોય, જીવનનું કલ્યાણ કરવું હોય તો ગુરુ ના શરણે જવું જરૂરી છે. સાધનાના કાળમાં સાધક ઉપર ગરુના અનેક ઉપકારો હોય છે. આજના દિને તેનું યત્કિન્ચિત રુણ ઉતારી ,તેમના ઉપકારોને યાદ કરી તેમના આદેશ મુજબ જીવન જીવવાનો સંકલ્પ આવશ્યક છે.
ગુરુ શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ “ગુ “શબ્દ નો અર્થ અંધકાર છે અને “રૂ “શબ્દનો અર્થ અંધકારનો નાશ કરનાર પ્રકાશ થાય છે. આમ ગુરુ આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવનાર દેદીપ્યમાન સૂર્ય સમાન છે .
ગુરુના સત્સંગ – સમાગમ થકી જ જીવનની અશાંતિ દૂર થાય છે .આમ જીવન ધ્યેય પાર પાડવા માટે ગરીબ-તવંગર ,સ્ત્રી -પુરુષ , ત્યાગી તેમજ ગૃહસ્થને ગુરુ જરૂરી છે.લોકોક્તિ અનુસાર “ગુરુ વિના જ્ઞાન નહીં “.
આપણા વ્યવહારમાં ગુરુને ગોવિંદ થી અધિક માન્યા છે .ગુરુ થકી જ ગોવિંદ ને મળવાનો- પામવાનો રસ્તો સાંપડે છે .ગુરુના વચનો માં પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખીને તેનું પાલન કરવાથી જીવન અધોગતિ- દુર્ગતિ થી ઉગરે છે અને સન્મતિ અને સદ્ગતિ પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવાય છે.
વર્તમાન સમયમાં ગુરુ ની પરખ કરવી ખૂબ જરૂરી છે. કહેવાતા ગુરુઓ લોભી ,સ્વાર્થી ,લંપટ જોવા મળે છે .તેઓ ધન વૈભવ અને મહાલયોમાં મહાલતા જોવા મળે છે.
ગુરુ તો નિર્માની, નિર્મોહી, નિસ્પૃહ , વીતરાગી , વૈરાગી અને સાત્વિક હોવા જરૂરી છે.
પૃથ્વી પર જ્યારે ઈશ્વર માનવ સ્વરૂપે પ્રગટ થયા છે ત્યારે તેમણે પણ ગુરુનો આશરે લીધો છે . શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર હતા .શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપનિ હતા.
આમ આજનો દિવસ ગુરૂ શરણે જઈ અધ્યાત્મની અનુભૂતિ કરવાનો દિવસ છે. ગુરુ ને આપણા ત્રિદેવ બ્રહ્મા -વિષ્ણુ -મહેશ અને સાક્ષાત પર બ્રહ્મ તરીકે વેદોએ એ ગાયા છે. ગુરુ અને ઇશ્વર એક છે .ગુરુ આત્માના કલ્યાણ અને મોક્ષનું પ્રવેશ દ્વાર છે.
તમામ ગુરુજનોને કોટી કોટી વંદન .
લેખન -સંકલન:
રજનીકાંત રાવલ
www.TheSense.in ( Blog by Rajnikant Raval )


















































