હિંદુસ્તાનનો ઇસ્લામ સાથેનો સંપર્ક ઇસ્લામી રાજાઓ દ્વારા લૂટ, રંજાડ અને મારધાડથી થયો છે જેથી ઇસ્લામને જોવાની હિંદુસ્તાનની રીત તેના કડવા અનુભવોને આધીન છે. દુનિયામાં અત્યારે ઇસ્લામને આ જ રીતે તેની અયોગ્ય ક્રિયાઓ જેવી કે આતંકવાદ વગેરેને લીધે હિંસકધર્મ તરીકે જોવામાં આવે છે. વાસ્તવમાં ઇસ્લામ ધર્મ અયોગ્ય નથી પરંતુ ઘણીવાર સાચી સમજણના અભાવે અયોગ્ય ક્રિયાઓ શરૂ થતી હોય છે. ઇસ્લામનો તો અર્થ જ શાંતિ અને સલામતી થાય છે. વાસ્તવમાં કોઈપણ ધર્મનું મૂળ શાંતિ અને કલ્યાણ જ હોય અને તે જ હોવું જોઈએ તો જ તેને ધર્મ કહેવાય. મધ્યએશિયામાં ઇસ્લામનો ઉદય થયો. અરબસ્તાન કે જે એશિયા અને આફ્રિકાની મધ્યમાં છે ત્યાં હજરત મહમ્મદ પયંગર દ્વારા ઇસ્લામ ધર્મને રજૂ કરવામાં આવ્યો.
ઇસ્લામના અનેક અર્થો થાય છે. ઇસ્લામ એટલે “શાંતિ, સલામતી’ . ઇસ્લામ એટલે ‘’જગતના બાદશાહ’ના શરણે જવું. મુસ્લિમ એટલે એવી વ્યક્તિ કે જેણે ખુદા અને આદમી સાથે શાંતિ સાધી છે.‘ ઇસ્લામ ઍટલે માત્ર અને માત્ર શાંતિનો માર્ગ. આમ શાંતિ અને આનંદ મેળવવાનો માર્ગ તે જ ઇસ્લામધર્મ.’ઇસ્લામ શબ્દ અરબી શબ્દ “સલેમે” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે શાંતિ. ઇસ્લામનો એક બીજો અર્થ થાય છે “અલ્લાહના શરણે જવું” ઇસ્લામ કોઈ વ્યક્તિ કે જાતિથી સંબધિત નથી પરંતુ તેનું નામ એક વિશિષ્ટ ગુણને પ્રદર્શિત કરે છે. અરબી ભાષામાં ઇસ્લામનો અર્થ આત્મસમર્પણ (surrender) અને આજ્ઞાપાલન (submission) થાય છે. એટલે ખુદાને પોતાનું અસ્તિત્વ સોંપી દો અને તેની તમામ આજ્ઞા(આદેશો)નું પાલન કરો. ઇસ્લામનો અર્થ છે સુલેહ (peace) શાંતિ, કુશળતા, સુરક્ષા, સલામતી, શરણ વગેરે. (સુલેહ કે શાંતિ માત્ર પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી, આદર્શ જીવન જીવવાથી જ મળી શકે એ તો સર્વવિદિત છે)
ઇસ્લામ દરેક મનુષ્યનો પ્રાકૃતિક ધર્મ છે કેમ કે તે અલ્લાહના (પરમાત્માના) નિયમથી બંધાયેલો છે. પ્રકૃતિનું દરેક તત્વ એક જ નિયમથી ચાલે છે જે નિયમ અલ્લાહ કે ઈશ્વરનો બનાવેલ છે. જે કંઈ આદમીને મળ્યું છે તે ઈશ્વરની નેઅમત(કૃપા)થી મળ્યું છે. ઇસ્લામનો એક અર્થ ભેદભાવ વિના અલ્લાહની ઈબાદત માટે એક લાઈનમાં ઉભા રહેવું એવો પણ થાય છે.
આખો ઇસ્લામધર્મ ઈમાન શબ્દ પર ઊભો છે. કેમ કે ઇસ્લામનો અર્થ ઈશ્વરને સમર્પિત અને આજ્ઞાંકિત એવો થાય છે. વળી જગતનો સર્જનહાર અને પાલનહાર તો એક જ છે પછી ભલે તમે એને કોઈ પણ નામથી ઓળખો. ઉપરાંત એક જ દીવ્યશાક્તિના સંતાનો માટેના નિયમો અને ઈમાન એક જ હોય એ તો સ્વાભાવિક જ છે. પરંતુ અલ્લાહ કે ઈશ્વરની શરણાગતિ સ્વીકારવા માટે પહેલા તેના અસ્તિત્વ પર ભરોસો જોઈએ અને તેની આજ્ઞાઓ યથાર્થરૂપમાં સમજવી પડે અને આ કામ ઈમાન (શ્રદ્ધા) વગર શક્ય નથી. એટલા માટે દરેક ધર્મમાં શ્રદ્ધાનું વિશેષ મહત્વ છે. ઈમાન એટલે જ્ઞાન અને વિશ્વાસ,ઇમાન એટલે જાણવું અને માનવું. આમ અલ્લાહના નિયમોને જે વ્યક્તિ જાણતી હોય, માનતી હોય, વિશ્વાસ રાખતી હોય તે “મોમીન” કહેવાય. મુસ્લિમ એટલે અલ્લાહનો આજ્ઞાંકિત જે મૂળભૂત રીતે શાંતિનો દૂત છે, અલ્લાહના આદેશો પર તેને અખૂટ વિશ્વાસ છે જેથી તે કદી અલ્લાહના સામ્રાજ્યના કોઈપણ અંગનું (એટલે કે સમગ્ર સૃષ્ટિના કોઈ પણ તત્વનું) અહિત કરી જ ન શકે. એટલા માટે ઇસ્લામના તહેવારો પણ દરેકને ખુશી આપનાર અને સર્વનું શક્ય એટલું ભલું કરનાર કે ઇચ્છનાર જ હોય.
મુસ્લિમધર્મનો સૌથી અગત્યનો તહેવાર એટલે ઈદ. ઈદ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે “ખુશી” જેમાં ઇબાદતની ખુશી મનાવી તેમાં દરેકને સામેલ કરાય છે. ઈદનો એક બીજો અરબી અર્થ ઉજવણી પણ થાય છે. ઈદ મુખ્યત્વે બે હોય છે ૧) રમઝાનઈદ અને ૨) બકરીઈદ. રમઝાન ઈદ રમજાન મહિના સાથે જોડાયેલ છે. રમજાન મહિનો રોજાનો મહિનો છે જેમાં દરેક મુસ્લિમ સૂર્યોદયથી સૂર્યાસ્ત ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે રમજાનના પવિત્ર મહિનામાં મહંમદ પયગંબર પર કુરાનનું અવતરણ થયેલું. બકરીઈદ હજયાત્રા સાથે જોડાયેલ છે જે બલિદાનના પ્રતિકરૂપે ઉજવવામાં આવે છે જેને ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા કહે છે. જે મુસ્લિમો હજયાત્રાના સમયે ઉજવે છે. મુસ્લીમોના તહેવારો ચંદ્રના કેલેન્ડર પર આધારિત હોવાથી ચાંદના દીદાર પછી મનાવાય છે. રમજાન ઈદ કે રમજાનની ઈબાદત કે રોજા પાછળ મૂળભૂત હેતુ સ્વને વધુ સારા બનાવવાનો અને અલ્લાહને ગહેરાઈથી જાણવાનો છે. રમજાનના પવિત્ર માસમાં મોડી રાત સુધી નમાઝ અને કુરાનનું પઠન થાય છે. રમજાન ખુબ પવિત્ર મહિનો છે કેમ કે તે આંતરિક અને બાહ્ય શુદ્ધિનો મહિનો છે. રોજા(ઉપવાસ) વૈજ્ઞાનિક રીતે બાહ્ય કે શારીરિક શુદ્ધિ કરે છે જયારે સત્કર્મો, ધાર્મિક વાંચન (કુરાનપઠન) પ્રાર્થના(નમાઝ) વગેરે વ્યક્તિને આંતરિક શુદ્ધિ પ્રદાન કરે છે. વળી સાચા દિલથી સંપૂર્ણ રમજાન મહિનામાં જો આંતરિક અને બાહ્ય શુદ્ધિનો પ્રયત્ન થાય અને સદનશીબે જો એ પ્રાપ્ત થાય તો તેની ઉજવણી તો થવી જ જોઈએ કેમ કે તેનાથી મોટી સિદ્ધિ માનવજીવન માટે બીજી કઈ હોઈ શકે? અને સાચી ખુશી તો સર્વના સંગાથમાં જ છે એ દ્રષ્ટિએ ઈદના તહેવારની ઉજવણી સર્વ સાથે મળી કરવી જોઈએ. જો ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે સાચા દિલથી અલ્લાહના આદેશ અનુસાર ઈદ ઉજવવામાં આવે તો રમજાન માસની મહેનત સાર્થક થઇ કહેવાય.
રોજા અને હજયાત્રા ઇસ્લામના મુખ્ય પાંચ મહત્વના આદેશો (જેવા કે કલમો (મંત્રરટણ), નમાજ (નમવું), રોજા (ઉપવાસ), જકાત (ખૈરાત-દાન) અને હજયાત્રા) માના બે છે, જે બંને વર્ષ દરમ્યાન ઉજવાતી ઈદ(ખુશી અને ઉજવણી) સાથે જોડાયેલા છે. ઇસ્લામમાં મુખ્ય પાંચ ઈમાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેમ કે તૌહિદ (અલ્લાહમાં ઈમાન- એકેશ્વરવાદ પર ભરોસાની વાત), અલ્લાહના ફરિશ્તાઓ (પ્રત્યક્ષ ફરિશ્તાઓ જેવા કે સૂર્ય, ચંદ્ર, તારા, આગ, પાણી અને પરોક્ષ ફરિશ્તાઓ જેવા કે હવાને ચલાવનાર, વરસાદને વરસાવનાર, પ્રકાશ કરનાર વગેરે) પર ઈમાન, અલ્લાહના ગ્રંથ (કુરાન અને હદીસ) પર ઈમાન, અલ્લાહના રસૂલો (પયગંબરો) પર ઈમાન અને આખિરત (પરલોક) પર ઈમાન. આપણે સૌ જાણીએ છીએ કે આ પાંચ ઈમાન દ્વારા જ મનુષ્યજીવનમાં શાંતિ, સલામતી, સમૃદ્ધિ અને ખુશી શક્ય છે. ઇસ્લામધર્મ પ્રમાણે વ્યક્તિ મુસ્લિમ ત્યારે બને જ્યારે તે અલ્લાહના આદેશોને પાળે, યથાર્થ આચરણ કરે. ઉપરની પાંચેય બાબતો પર ઈમાન લાવ્યા બાદ ‘’ઇતાઅત’ (અનુકરણ આચરણ પાલન) કરે અહી મુસ્લિમ કે મુસલમાન એટલે કોઈ કોમ કે સંપ્રદાય નહિ, મુસલમાન એટલે જેણે ખુદા અને બંદા બંને સાથે શાંતિ બનાવી રાખી છે તે.
ટૂંકમાં સ્વને બહેતર બનાવવા અને અલ્લાહને ઓળખવા ઈદ જેવા ઉત્તમ તહેવારની વ્યવસ્થા છે. અલ્લાહને ઓળખવા કે પામવા તેના આદેશોનું પાલન કરવું પડે એટલા માટે ઇસ્લામધર્મમાં શરિયતનું મહત્વ છે. શરિયત એટલે જે કંઈ ધર્મવિધાન છે એનું આચરણશાસ્ત્ર. જે જીવનને સુખ-શાંતિમય બનાવે છે. શરિયતમાં તમામ નીતિ-નિયમો, હરામ અને હલાલ (મેળવવા જેવુ અને છોડવા જેવુ) સમગ્ર માનવજાત માટે સામાજિક સિધ્ધાંતો, પરસ્પરના વ્યવહારો, સંબંધોના કાયદાઓ, ઉચિત-અનુચિતની સીમાઓ વગેરે નક્કી થયેલ છે જેના પાલન દ્વારા વ્યક્તિ પવિત્ર થયો કે નહિ, અલ્લાહ પરનો તેનો ભરોસો વધ્યો કે નહિ તે સમજી કરી શકાય છે. આમ ઈદ જેવા તહેવાર પાછળ મુખ્ય વાત તો વ્યક્તિની મનોદશા અને હ્રદયની સ્થિતિની જ છે. આવી ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ સાથે જો ઈદની ઉજવણી કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય બાકી તો યંત્રવત અને માનસિક જડતા સાથેના કોઈ પણ તહેવારનો કોઈ મતલબ રહેતો નથી.
~ શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ


















































