“જુઓ હું તમને છેલ્લી ચેતવણી આપું છું, આવતીકાલથી બધાં કામ શરૂ કરી દો. નહીંતર બધાંને કાઢીને નવાં મજૂરો રાખી લઈશ.” સમરે પોતાની ફેક્ટરીનાં યુનિયન લીડર પ્રીતમને પોતાનો અંતિમ નિર્ણય જણાવ્યો.
“શેઠ, અમે આ હડતાલ પગારવધારા કે બોનસ માટે નથી કરી. આપ જાણો છો ફેક્ટરીની કેટલીક મશીનરી બહુ ખરાબ હાલતમાં છે, જે સુરક્ષાની દૃષ્ટિએ જોખમી છે. ” પ્રીતમે એકદમ શાંત અવાજમાં કહ્યું.
“મી. પ્રીતમ, મારા આવ્યા પછી આ ફેક્ટરીએ બમણું ઉત્પાદન કર્યું છે અને પ્રગતિ કરી છે. આ બધું મારા ભાગ્યને આભારી છે. તમે ચિંતા ન કરો કશું જ નહીં થાય.” સમરે સ્મિત આપતાં કહ્યું.
પ્રીતમે પોતાનું માથું નિરાશામાં ધૂણાવ્યું અને ઊભો થઈ ગયો. તે નમતું જોખવા તૈયાર ન હતો.
સમર ઘરે જવા નીકળ્યો અને અચાનક તેનો અકસ્માત થયો. જ્યારે તેની આંખો ખુલી ત્યારે બે ઓછાયા તેની સામે તરી રહ્યાં હતા. બંને અડધા કાળા અને અડધા સફેદ હતા. સમરે તેમની સામે જોયું અને પૂછ્યું, “કોણ છો તમે?”
એક ઓછાયાએ કહ્યું, “હું તારું ભાગ્ય છું અને આ તારું કર્મ છે.”
સમર તેમને જોઈ રહ્યો. તેને ચૂપ જોઈને તેના ભાગ્યે કહ્યું, “તું જાણે છે ! તારો જન્મ થયો ત્યારે હું એકદમ સફેદ હતો અને ચમકી રહ્યો હતો. મારી આ સફેદી તારા પૂર્વજન્મના કર્મોને આભારી હતી. તેથી જ તું એક સુખી અને ધનાઢ્ય પરિવારમાં જન્મ્યો. પણ હવે મારો રંગ બદલાઈ રહ્યો છે તેનું કારણ તારાં કર્મો છે.”
સમરની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે કહ્યું, “એટલે મેં જે આજ સુધી જે ભોગવ્યું તે ભાગ્યને લીધે નહીં પણ કર્મને લીધે હતું!”
આ વખતે જવાબ કર્મે આપ્યો, “અમે એકબીજાથી જુદાં નથી. તારાં કર્મોને લીધે જ ભાગ્યનું નિર્માણ થાય છે.”
“શેઠ, તમે ઠીક છો ?” સમરના કાનમાં પ્રીતમનો અવાજ પડ્યો. સમરે આંખ ખોલીને જોયું. તે એક હોસ્પિટલમાં હતો.
સમરે પોતાનું ચિરપરિચિત સ્મિત આપતાં કહ્યું, “હા પ્રીતમ’દા, હું ઠીક છું. નવાં મશીન આવ્યાં પછી જ આપણે ફેક્ટરી શરૂ કરીશું. મારાં મજૂરોનો જીવ મહત્વનો છે.”
પ્રીતમ બદલાયેલા સમરને જોઈ રહ્યો.
જ્યોતિન્દ્ર મહેતા,


















































