જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં.
અમે કેટલાક શાંતિથી અમારા બાંકડાઓ પર મૂંગા મૂંગા બેઠા હતા. ચર્ચા માટે કોઈ વિષય બરયો ન હતો. ચર્ચા ફરજિયાત નથી. આ દેશમાં નવરા સિનિયર સિટિઝનો ટાઇમ પાસ કરવા ચર્ચાના ચાકડા ફેરવ્યા કરે છે અને એને દેશસેવા સમજી રાજી થાય છે. વાતમાં કંઈ માલ હોતો નથી.ત્યાં અમારા બાંકડાવાળી હરોળના બીજા છેડે કલબલાટ સંભળાયો. કેટલાક યુવાનો સામસામે બાંકડાઓ પર બેસી હાહા હીહી હુહુ કરી રહ્યા હતા. અમારા બગીચામાં યુવાનો ભાગ્યે જ ફરકે છે. તેમને રસ પડે તેવું બગીચામાં બહુ ઓછું હોય છે.
ત્યાં એક યુવાને ચાલુ કર્યું, ‘આશિક બનાયા… આશિક બનાયા… આશિક બનાયા… આપને…’ જેટલું જૉઇએ એટલું એ નાકમાંથી ગાતો ન હતો પણ અમારી સુસ્તી ઉડાડી શકે એવા અવાજે ગાતો હતો. એ ગીત પત્યું ત્યાં એણે બીજું શરૂ કર્યું. લોકોને તો આવું બધું ગમતું જ હોય છે. તમાશાને તેડું ન હોય. ભીડ જામતી ગઈ તેમ અમદાવાદી રેશમિયો ખીલતો ગયો. ગીતે ગીતે તાળીઓ પડતી ગઈ અને એ બાજુના બાંકડાઓ પર હાઉસફુલ થઈ ગયું.‘આ બગીચામાં વળી આ તાનસેન કોણ ફૂટી નીકળ્યો, બિહારી?’ ગાયનની દિશા તરફ તકિયો રાખી શેતરંજી પર શરીર લંબાવી બેઠેલા વડીલ વિષ્ણુભાઇએ બાજુના બાંકડા પર બેઠેલા બિહારીલાલને પૂછ્યું, ‘વિષ્ણુભઈ, જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં. આ અલેલટપ્પુ થાકશે ત્યારે બંધ થઈ જશે.’
‘બિહારી, જઇને એને બંધ કરાવ.’
‘કેમ? આપણને કયાં નડે છે?’
‘જીભને બદલે જરા તારું ભેજું ચલાવ. આજે આ જલસો અહીં જામી જશે તો કાલથી રોજ અહીં આવું ચાલશે. લોકો ભેગા થઇને તાબોટા પાડશે. લુખ્ખાઓની અવરજવર વધી જશે. કેટલાક તો આ બાંકડાઓ પર પડયા રહેશે. દરવાજા બહાર ખાઉધરા ગલી ચાલુ થઈ જશે. જરા વિચાર કરો, બગીચાના ખરા ટ્રસ્ટીઓ તો આપણે જ છીએ. આવા લેભાગુઓથી આપણે જ બગીચાને બચાવવાનો છે. આમાં ચોકીદારનું પણ કંઈ ચાલે નહીં. તને એકલાને ન ફાવતું હોય તો તારકને જૉડે લઈ જા. તમને એ લોકો ગાંઠે નહીં તો પછી મને બોલાવજૉ.’ વિષ્ણુભાઇએ અમને આદેશ આપ્યો.
‘ચાલ, તારક.’ બિહારીએ કહ્યું.
અમે એ તરફ ચાલ્યા. મેદની વધતી ગઈ હતી અને લોકો પેલાની ગાયકી માણી રહ્યા હતા એટલે એમના રંગમાં ભંગ પાડવાનું કામ કપરું હતું અને વડીલ વિષ્ણુભાઈની દલીલમાં દમ હતો. આવા જલસા વખતસર ન દબાવી દઇએ તો રોજ સાંજે અહીં તમાશા થાય. બગીચાનું કોઈ રણીધણી નથી. આવી પબ્લિક શરૂ થઈ જાય તો અમારે ઉચાળા ભરવા પડે. ‘આપણે જરા સંભાળવું પડશે.’ નરવશ અવાજે બિહારી ગણગણ્યો.‘બીવા જેવું નથી, ઘણા ઓળખીતાઓ ત્યાં ઉભા છે.’ હું બોલ્યો.
અમે ત્યાં પહોંરયા અને ઓડિયન્સમાં ભા રહ્યા. એક બાંકડા ઉપર ઠાંસોઠાંસ કેટલાક છોકરાઓ બેઠા હતા. તેમની વરચે રેશમિયા બ્રાન્ડની ટોપી પહેરીને એક સુકલકડી છોકરો લલકારી રહ્યો હતો, ‘મૈં હૂં ડોન…’ એણે ફાલતુ ગોળ ગળાનું ટીશર્ટ અને ધૂળિયા રંગનું મેલું પેન્ટ પહેર્યું હતું. એના દેખાવના પ્રમાણમાં એનો કંઠ સારો હતો. ‘મૈં હૂં… મૈં હૂં…’ જમાવીને એણે પૂÊરું કર્યું. તાળીઓ પડી.
‘નવું શરૂ કરે તે પહેલાં બૂચ માર.’ મેં બિહારીના કાનમાં કહ્યું.
ઓડિયન્સમાંથી ફરમાઇશો શરૂ થઈ ત્યાં બિહારી આગળ વઘ્યો. ‘ભાઈઓ, આ શેનો પ્રોગ્રામ છે?’ મેદનીને સંબોધીને એણે પૂછ્યું.
‘બાથરૂમ સિંગર-’ સિંગરની બાજુમાં બેઠેલો એક જણ ઉત્સાહથી બોલ્યો.
‘હેં?’
‘કાકા, તમને ખબર નથી? ટીવી ઉપર બાથરૂમ સિંગરોની હરીફાઈ થવાની છે?’
‘ઓ!’
‘અમે આ ગીગાની એન્ટ્રી મોકલી છે. એને ઓડિશન ટેસ્ટ માટે મુંબઈ બોલાવ્યો છે.’
‘પણ આ બાથરૂમ નથી, બગીચો છે તેનું શું?’
‘કાકા, બાથરૂમ હોય કે બગીચો મ્યૂઝિકમાં કંઈ ફેર ન પડે.’ એક પ્રેક્ષકે બિહારીને સંગીતનું જ્ઞાન આપ્યું.
‘જૉ ભઇલા, જયાં જે ગવાતું હોય તે ગવાય, કાલે ઠીને તમે બેડરૂમના ગાયકો, પબ્લિક મૂતરડીઓના ગાયકો, પોલીસચોકીના, જેલના એવા એવા ગાયકોને પકડી લાવો એ ન ચાલે.’
‘પણ અમને ગીગાનો અવાજ ગમે છે.’ ગીગાનો સાથીદાર સામો થયો.
‘તો લઈ જાવ તમારે ધેર. એને બાથરૂમમાં પૂરીને ગવડાવો. અમને બોલાવશો તો અમે પણ તમારી બાથરૂમની બહાર બેસીશું. પણ અહીં આ બધું નહીં.’ બિહારીએ મક્કમતાથી સંભળાવી દીધું.
‘એ મિસ્ટર, બગીચો તમારા બાપનો નથી.’ પાછળથી કોઈ બોલ્યો.
હવે બિહારીની તપેલી તપી. એણે અવાજની દિશામાં નજર કરી. ‘કોના બાપનો છે એ નક્કી કરવા ચાલ પોલીસમાં જઇએ, એ લોકો ભલભલાને ગાતા કરી દે છે.’‘દાદાગીરી કરો છો?’ ટોળાની પાછળથી એણે વાક્યુદ્ધ ચાલુ રાખ્યું.‘બધા કહે તેમ કરીએ.’
ટોળામાં ગણગણાટ શરૂ થયો. અમારા પરિચિતો ગીગાના ઉશ્કેરાયેલા ચાહકોને ટાઢા પાડવા લાગ્યા.
અચાનક કોઇની ત્રાડ સંભળાઈ : ‘ગીગલા, હરામખોર, નોકરી કરવી છે કે ભટકી ખાવું છે?’
મોટા પેટ અને પરસેવે રેબઝેબ ખમીસ-પાટલુનવાળો એક શખ્સ ડોળા કાઢતો અને અવાજ ફાડતો ઓડિયન્સની આગળ ધસી આવ્યો. તેને જૉઇને ગીગો જવાબ આપ્યા વગર ભાગ્યો.
‘સાલો, મારી કીટલી ઉપર નોકરી કરે છે પણ થોડા દાડાથી આ બધા ચાંદવાઓએ એને ચઢાઈ મેલ્યો છે તે કીટલી ઉપર રાગડા તાણ્યા કરે છે ને પેલા ટીવીવાળા જેવી વાંદરાટોપી પહેરીને એના જેવા નાકમાંથી અવાજૉ કાઢે છે. ઘરાકીને ટાઇમે ભાગી જાય છે. એનાં મા-બાપે મારે ભરોસે અહીં મોકલ્યો તો વગર જૉઇતો વંઠી ગયો.’ કીટલીમાલિક ઓડિયન્સ સામે ખુલાસો કરી બાંકડે બેઠેલા ચાહકો તરફ ફર્યો, ‘ખબરદાર, જૉ તમે ગીગલાને ફટવ્યો છે તો. ચૂપચાપ ચા પીને ચાલતી પકડવાની. લખી રાખો.’
બગીચામાં સોપો પાડી કીટલીમાલિક ચાલતા ચાલતા ચૂપચાપ અમારી પાછળ આવીને ભા. વિષ્ણુભાઇએ ઉદ્ગગાર કાઢયા : ‘ટાઢે પાણીએ બાથરૂમ સિંગર ગયો.’‘કોને ખબર છે, કદાચ ટીવીસ્પર્ધામાં જીતી પણ જાય.’ મેં કહ્યું.
‘તો સારું. અહીં તો શાંતિ.’
– તારક મહેતા