હું એક સ્ત્રી છું
વહાલ કરો તો હરખાઉં અને અવગણના કરો તો ઉશ્કેરાઉ,
લાગણીઓ ને ક્યારેય બજેટમાં ક્યાં રાખું છું ? વ્હાલ નો તો અધધ ખર્ચો કરું છું,
તો શુ થયું કે મારા એક સ્મિત થી અનેક સમસ્યાઓ ઉભી. થાય છે, મારા એ જ એક સ્મિત થી સમાધાન પણ થાય જ છે ને…
પરિચય હું બધાંનો રાખું છું અને પરિચય ને અનુરૂપ પરચો પણ આપું છું,
આમ તો મને અનલિમિટેડ વાતો કરવી ગમે છે, પણ ક્યારેક મૌન થી તો ક્યારેક અબોલા રાખીને ય વાતો કરી લઉં છું,
દુનિયાદારી ની ઝાઝી ગતાગમ ક્યાં છે મને ? રસોડાની ચાર દીવાલ જ જાણે મારી દુનિયા છે, મારી આ દુનિયા ની દરેક વાત, દરેક ખૂણા થી હું વાકેફ છું,
ક્રોધ , અહંકાર, છળ, કપટ, બધું મને પણ આવડે છે પણ ત્યાગ, મમતા, એકતા અને અનુકૂળતાનું માધ્યમ બની ને જીવન માણું છું,
પતિ અને પુત્ર ને સાહસ અને સંઘર્ષમાં સતત સાથ આપું છું, મારી કોખમાંથી જન્મ લેનાર બાળક ના નામ પાછળ હું પતિનું નામ રાખું છું,
મારી જાત ને મેં ક્યારેય આગળ નથી કરી, કારણ હું એક સ્ત્રી છું
હા હું એક સ્ત્રી છું…
પારુલ ઠક્કર “યાદે”


















































