‘સાથ’ શબ્દ સાંભળતાની સાથે જ એક એવી વ્યક્તિનો ચહેરો સામે આવી જાય કે જેમનો સાથ આપણને સૌથી વધારે ગમતો હોય. રિલેશન ચાહે કોઈ પણ હોય પરંતુ આ વસ્તુ અચૂકપણે બને. સાથ કોઈ પણ નો પસંદ આવી શકે છે. પ્લેનમાં, ટ્રેનમાં કે બસમાં બહુ જ લાંબુ સફર કરવાનું થાય અને એકલા બેઠા હોઈએ તો બાજુની સીટમાં બેઠેલ અજાણી વ્યક્તિનો સાથ પણ એ વખતે તો ગમી જ જાય.
આ સાથ કોઈપણ નો હોય શકે જેમ કે મમ્મી-પાપાનો, ભાઈ-બેનનો, મિત્રનો, પતિ-પત્નીનો, ગર્લફ્રેંડ-બોયફ્રેન્ડનો, કોઈ સગાં-સબંધીનો તો વળી કોઈ મિત્રનાય મિત્રનો ! કોઈક તો એવા એકલમતીના માણસ હોયને કે એમને બસ એમનો પોતાનો જ સાથ ગમતો હોય. ‘સાથ’ છે કોઈપણ નો પસંદ આવી જાય. જરૂરી નથી કે વ્યક્તિઓનો જ. કોઈ વસ્તુ કે પ્રાણીનો સાથ પણ ગમી જાય. કોઈને ધીમે ધીમે લહેરાતા પવનનો તો કોઈને વળી મધ્યાહને બળબળતા સૂરજનોય સાથ ગમી જાય. તો કોઈને મ્યાઉં મ્યાઉં કરતી બિલાડીઓનો તો કોઈને ડણકતાં સિંહોનો સાથ પણ પસંદ આવી જતો હોય છે.
બહુ મજાની વસ્તુ છે ને આ સાથ. ખાલી એની હાજરી માત્ર કોઈને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. માણસોની લાગણીઓની આ દુનિયામાં ખાસ કરીને બધાને મિત્રોનો સાથ વધારે પસંદ આવતો હોય છે. સુખ હોય કે દુઃખ મિત્ર સાથે હોય તો બધું જ સામાન્ય લાગતું હોય છે. અમુકનો સાથ તો એકદમ પડછાયાં જેવો હોય ભલે દેખાય નહિ અમુક વાર પણ હોય તો સાથે ને સાથે જ એટલે અમુક લોકો એવાં પણ હોય જે સાથે ન હોય તો પણ સાથ આપે ને અમુક સાથે રહીને પણ સાથ નથી આપી શકતાં.
અમુક વ્યક્તિઓના સાથ તો એવા હોય છે કે જેમના સાથ વગર તો જીવન જ અશક્ય જેવું લાગે. જેમકે, ઘરમાં પપ્પાનો સાથ. પપ્પા જેમના ઘરમાં હોય એ ઘરના બાકી બધા જ સભ્યો નિરાંતે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. અને જે ઘરને પપ્પાનો સાથ નથી હોતો એ ઘર જાણે પાયાના પથ્થર ડગી ગયા હોય એવું બની જાય છે. એક એવો સાથ પણ છે જે આ પપ્પારૂપી પાયાના પથ્થરનો સાથ છે. એટલે કે દાદાના સાથ.એક ભાઈને એટલી જાહોજલાલી કે એની સાત પેઢી આરામથી બેસીને ખાઈ શકે પરંતુ એ માણસ જીવતો હતો એક 90 વર્ષના દાદાના સાથના સહારે ! એમ કે’ “દાદા બેઠાં છે તો ચિંતા નથી”. એ બુઝુર્ગ માણસ કે જે લાકડીના સહારે ચાલે છે, લાકડીના સાથ વિના ચાલી નથી શકતો, પોતે પોતાને સાથ નથી આપી શકતો… ગજબ છે ને એ વ્યક્તિનો સાથ પેલી સાત પેઢી તારે એવી જાહોજલાલીને સહારો આપે છે.
હમણાં બહુ જ પ્રસિદ્ધ પામ્યો છે એવો પણ એક સાથ છે. ભણવાની ઉંમરમાં પ્રેમ થઈ જતો હોય છે એવા પ્રેમી પંખીડાઓનો સાથ. જે સમય પુસ્તકને પ્રેમ કરવાનો હોય છે. જે સમય પુસ્તકને સાથ આપવાનો હોય છે. એ સમય અણસમજમાં કોઈના આકર્ષણને પ્રેમનું નામ આપી દેવું અને એનો સાથ સ્વીકારી લેવો અને પછી એવા રિલેશન લાંબો સમય ના ટકી શકે એટલે એકલતાનો સાથ. પછી એકબીજાનો સાથ છૂટતાં જે સમય ખરેખર પ્રેમ કરવાનો હોય છે, જે ખરેખર પ્રેમના સાથનો હોય છે. એવાં સમયે એકલતાનો સાથ જે ખોટા સમયે પ્રેમનો હાથ પકડેલો એ પ્રેમનો સાથ છૂટતાં ભવિષ્યને અંધકારમાં ડુબાડી દે છે.
બહુ જ મોટી અને મહામૂલી વસ્તુ છે આ સાથ. કોઈને તારે પણ છે તો કોઈને ડૂબાડે પણ છે. હવે એતો સાથ લેનારને જ નક્કી કરવું પડે એને તરવું છે કે ડૂબવું છે ! સાથ આપનારે પણ જોઈ લેવું જોઈએ કે એ ડૂબી રહ્યો છે કે તરી રહ્યો છે. કેમકે એને પણ કોનો સાથ જોઈએ છે એની ખબર તો હોવી જોઈએ ને. એટલે જ કહું છું ‘સાથ’ કોઈને આપવો તોય સમજી વિચારીને અને કોઈનાથી છીનવી લેવો તોય સમજી વિચારીને.
Related