“એ ભણસલા!! રાજ, તું ચાંદીના ચમચા સાથે પેદા થયો અને પાંચે ય આંગળી ઘીમાં. તારે શું જરૂર આટલું ભણવાની? ચાલને ફરવા જઈએ.”
બૂકમાંથી માથું ઊંચું કરતા, મેં મારા દોસ્ત મયૂર સામે જોયું. એના મોઢેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું.
“મયૂર, ભણીશ નહીં, તો મારું સપનું કેવી રીતે પૂરું થશે?”
“કયું સપનું? તારા પપ્પાની આટલી મોટી કપડાંની દુકાન છે. તૈયાર માલ ઉપર બેસીજા!”
કટાક્ષમાં મારી હંસી ફૂટી.
“નો થેંક યુ. મને મારી અલગ ઓળખ બનાવવી છે. હું સોફ્ટવેર એન્જીનયર બનવા માંગુ છું. પપ્પાએ મહેનત કરીને પૈસા કમાવ્યા, અને હું સ્માર્ટલી કમાવવા માંગુ છું. મયૂર, તારે શું કરવું છે?”
“હું મારા બાપાની જેમ કોઈ નાની મોટી નોકરી ગોતી લઈશ.”
મયૂરને પોતાના કરિયર માટે આટલો બેદરકાર જોઈને મને નવાઈ લાગી.
“મયૂર, તારે તો ભણવામાં મારા કરતાં વધારે સિરિયસ હોવું જોઈએ.”
“છોડ યાર. આ જાડી પુસ્તકો વાંચવી મારા બસમાં નથી.”
હું એની પાસે જઈને બેઠો.
“અચ્છા, એક સવાલનો જવાબ આપ. તને શું વધારે આકર્ષિત લાગે છે? મજદૂરી કરીને રોજના ૫૦૦ રૂપિયા કમાવવા, કે એરકન્ડિશન ઓફિસમાં, કોમ્પ્યુટરની સામે, રિવોલવિંગ ચેર પર બેસીને રોજના ૩૦૦૦ રૂપિયા?”
“દેખીતી વાત છે, એરકન્ડિશન ઓફિસમાં બેસીને રોજના ૩૦૦૦ રૂપિયા.”
મેં એની પીઠ થાબડી,
“મિસ્ટર આ વિલાસવૈભવ સરસ્વતી આરાધના કર્યા વગર નહીં મળે.”
“સેની આરાધના?”
“અબે ડફર! સેની આરાધના નહીં, સરસ્વતી આરાધના. માં સરસ્વતીને માન આપીશ, તો જ એ તને એનો આશિરવાદ આપશે. સમજ્યો?”
એ મૂંઝવણમાં પડી ગયો અને મેં આગળ ખુલાસો કર્યો,
“આપણા માબાપે ભોગ આપ્યો, તો આપણને સારું ભણતર અને જીવન મળ્યું. હવે આપડો વારો. મોંઘવારી જોતા, આજના જમાનાના હિસાબે, ફક્ત મહેનત કાફી નથી. ભણતર હશે, તો જ આપણે મનપસંદ જીવન જીવશું. તદઉપરાંત, આવનારી પેઢીને પણ સુંદર જીવન આપીશું.”
એણે ઊંડો નિસાસો ભરતા કહ્યું.
“રાજ, તારી વાત સો ટાકા સાચી છે. પણ યાર, આ જાડી પુસ્તકો જોઈને માથું ફરે છે.”
મેં મશ્કરી કરતા કહ્યું,
“એરકન્ડિશન ઓફિસ અને રોજના ૩૦૦૦ રૂપિયાના સપના જો, પછી ભણવું ગમશે.”
અમેં બન્ને હંસી પડ્યા.
શમીમ મર્ચન્ટ


















































