જીવનમાં આપણે બધા જ ખુશ રહેવા જ માંગીએ છીએ. કોઈને નિરાશા કે હતાશા થોડા ગમે ? કોઈને સમજાવવું હોય ત્યારે હમેંશા આપણે હમેંશા એવું બોલીએ છીએ કે મને નબળાં વિચારો ગમતાં જ નથી તો પછી પોતાના જીવનમાં જ કેમ એવા નકારાત્મક વિચારો હમેંશા પહેલાં કરીએ છીએ?
“બસ,હવે બહુ થયું. હું હવે આ નહીં કરી શકું અથવા યાર હવે આ એવું જ રહેશે. મેં ખૂબ કોશિશ કરી લીધી પણ હવે શક્ય નથી.” આ વાક્ય ઘણી બધી વાર આપણે મનમાં બોલતા હોઈએ છીએ. આપણા કાર્યક્ષેત્રમાં ખાસ કરીને આપણે આ જ રીતે આપણી હતાશા કે આપણી રીસ વ્યક્ત કરી દેતા હોઈએ છીએ અને અમુકવાર આપણે મહેનતથી એકસૂત્ર કરેલ કાર્ય જ છોડવા માટે નિર્ણય કરી લેતાં હોઈએ છીએ.
પણ ખરેખર જો તમે કંઈક છોડવા જઇ રહ્યા છો, તો યાદ રાખો કે તમે તમારી પ્રગતિથી એક ઇંચ જ દૂર હોઇ શકો. અધવચ્ચે અટકી જવું કે છોડી દેવું એ ખરેખર વ્યાજબી પગલું નથી.અને છોડી દેવાથી શાંતિ અને સુખ મળી જશે એની કોઈ ગેરેન્ટી છે ખરી?
યાદ રાખવા જેવું છે કે,શાંતિ અને સુખ જો તમારી ભીતર નથી તો બ્રહ્માંડ ના કોઈ ખૂણે નથી.જીવનમાં આવતા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા તમને સક્ષમ બનાવે છે.
મહત્વનું એ નથી કે તમે મનથી મજબૂત છો કે કમજોર છો પણ મહત્વનું એ છે કે તમારી નબળાઈ તમારા પર હાવી થવી જોઈએ નહીં.
નબળાઈ તો દરેક વ્યક્તિની હોવાની અને કદાચ હોવી જ જોઈએ કેમ કે એ નબળાઈ જ આપણને સજાગ બનાવે છે. જરૂરી છે એ નબળાઈ આપણને નકારાત્મક ના બનાવે. આપણામાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર હોવો જરૂરી છે. યાદ રાખો કે તમારી પાસે જે હોય એ જ તમે આપી શકો. નાની નાની બાબતે નકારાત્મક બની જવું એ નબળાં મનની સ્થિતિ સૂચવે છે. આપણી સાથે જે કંઈ પણ ઘટના ઘટે છે એની નકારાત્મક બાજુ પર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જે ઘટ્યું છે એના પર જ વિચાર્યા કરીએ એટલે જે મેળવ્યું છે એને સંતોષપૂર્વક માણી જ નથી શકતાં.
આપણી અંદરથી ઊભી થતી પ્રેરણા આપણને કદી હતાશ કે નિરાશ થવા દેતી નથી. એ આપણને સતત હકારાત્મક વિચારો તરફ લઈ જાય છે. આપણા મનમાં હું આ નહીં કરી શકું એવો ભાવ જ તે ઊભો થવા દેતું નથી. આ મોટિવેશન સામે બીજું કોઈ ડી-મોટિવેશન ટકતું નથી.
સૌથી મહત્વની વાત એ છે કે હ્રદય આપણને કામ પર એકાગ્ર કરે છે, પરિણામ પર નહીં. કારણ અંદરનો સાદ કહેતો રહે છે, જો કામ કરતાં રહીશું તો એક દિવસ સફળ જરૂર થઈશું.
પરંતુ હમેંશા આપણે બિજા સાથે આપણી સરખામણી કરતા હોઈએ છીએ અને એ કારણોસર આપણી આવડતને જ નજરઅંદાજ કરી બેસીએ અને બીજા થી એટલા પ્રભાવીત થઈ જઈએ કે કદાચ આપણા મનમાં લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે.
એવું નથી કે સરખામણી ફક્ત દુઃખ જ આપે ક્યારેક પ્રેરણા પણ આપે પણ એ માટે તમારો દ્રષ્ટિકોણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
બીજાઓ તરફ જરૂર જોવું પણ તેમની યાત્રાની તુલના કરવી મૂર્ખામી છે અને એક અંશે એ વિનાશક હોઈ શકે કારણ કે તે આપણને સંપૂર્ણ સંભવિતતાથી જીવવાથી વંચિત રાખી શકે છે.
જો તમારે સરખામણી કરવી હોય તો, બીજાના સકારાત્મક ગુણો – તેમની મહેનત, તેમના નિશ્ચય એ બધાની કરો અને તમારી આકાંક્ષાને અનુસરવાની પ્રેરણા મેળવો.
કોઈની સાથેની સરખામણીનું સકારાત્મક પાસું પણ હોય છે જે તમને તમારી વ્યક્તિગત વૃદ્ધિમાં મદદ કરશે. તમારી આવડત પર ધ્યાન કેન્દ્રિત કરો તો પછી બીજા સાથે સરખામણી કરવાનો સમય જ નહીં મળે. પોતાની અંદર એટલી સકારાત્મકતા કેળવો કે તમારી નબળાઈ એ જ તમારી તાકાત બની જાય.
હતાશા, નિરાશા એ બધું ભલે મળે પણ નવી આશાનો સંચાર કરો જે ઈચ્છો એ કરવા માટે કોશિશ તો જાતે જ કરવી પડશે. પ્રારબ્ધ પણ પુરુષાર્થ વિના પાંગળુ છે.
“ઈર્ષ્યા કરવી એના કરતાં એ મેળવાની ઈચ્છા કરો અને પ્રયત્ન કરો પણ સરખામણી કદીય ના કરો….”
Related